शनिवार, 7 मार्च 2009

કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના


મહાત્મા ગાંધીજીએ વાપરેલી વસ્તુઓ ન્યુયોર્કમાં હરાજીમાં મુકવા જઈ રહી છે અને એ વસ્તુઓ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હોવાના નાતે તેની હરરાજી થતી અટકાવવી જોઈએ એવી વાતો આખા અઠવાડિયા સુધી આપણી આસપાસના વાતાવરણમાં આમતેમ ફંગોળાતી હતી. આખરે વિજ્ય માલ્યા ઈંગ્લાંન્ડમાંથી ગાંધીજીના જુતા, લોટો, ચશ્મા ૧૦ કરોડ રૂપિયા ખર્ચીને ભારત લઈ આવ્યો. ગાંધીજીના પૌત્ર તુષાર ગાંધીએ પણ માલ્યાએ લાજ રાખી એવી મતલબના વિધાનો કર્યા. 


ગાંધીજીએ વાપરેલી વસ્તુઓની હરાજી વખતે રોકકળ કરી મુકનારા મોટાભાગના ‘જીવન ક્ષણભંગુર છે’ અને ’નામ તેનો નાશ છે’ એવી પણ કબુલાત કરતા ફરતા હશે. આ વખતે મને મહુવામાં મોરારીબાપુએ યોજેલી ‘વિશ્વધર્મ સંવાદ’ પરિષદમાં ધર્મશાલાના બૌધવડા પ્રોફેસર સામ ધોંગ રિમ્પોચેએ કહેલી વાત યાદ આવે છે. રિમ્પોચેએ કહ્યુ હતું, ‘બુદ્ધ મુર્તિઓ તોડવાથી બૌદ્ધ ધર્મ નષ્ટ નથી થઈ જતો, બુદ્ધે પ્રયોજેલા મૈત્રી, કરૂણા, મુદિતા.. વગેરે વ્રતને તોડવાથી નષ્ટ થાય છે.’

ગાંધીજીના જૂતા, ચશ્મામાં અટવાયેલા લોકોને જોતા રિમ્પોચે અને તેમના વિચારો સાથે સંમત લોકોને કરૂણા ઉપજી હશે. આ થોડુ યુરોપ અમેરિકા છે કે અહી મુદ્દાઓ અને સમસ્યાઓ નહી મળતા લોકોએ ‘સમથિંગ ફોર અ ચેન્જ’ માટે આવા મુદ્દાઓ પકડવા પડે?

ગાંધી જણસ વિશે ચિવટથી હાથ ઉછાળી ઉછાળીને વાતો કરતા લોકોને જોતા થતું, ‘કહેતા ભી દિવાના અૌર સુનતા ભી દિવાના.’
માલ્યાએ પૈસા ફેંકીને ગાંધીજીનો મુદ્દામાલ તો ઠીક, વાતવાયડાઓનો વાતનો મુદ્દો ઝુંટવી લીધો.

2 टिप्‍पणियां:

vajesinh ने कहा…

હિંમતભાઈ,
ગાંધીજીનાં ચશ્માં, થાળી ,વાડકાની આપણને જરૂર નથી. આપણને ગાંધીજીના વિચારોની જરૂર છે. ધર્મસંસદમાં રિમ્પોચેએ બુદ્ધના સંદર્ભે જે વાત કરી તેનો સાર પણ આ જ છે.

સાદ કરે છે... ने कहा…

નિયમિત બ્લોગ અપડેટ કરો છો તે બદલ અભિનંદન...કશું કાયમ રહેતું નથી તેમ ગાંધીના ચશ્માં, થાળી, વાડકો પણ નાશ પામશે. પરંતુ "જગમેં રહ જાયગેં પ્યારે તેરે બોલ."ગાંધીજીના ચશ્મા ના સચવાય તો ચાલશે પણ તેમની દૃષ્ટિ સચવાય તે જરૂરી છે.