बुधवार, 29 जुलाई 2009

ઉત્ક્રાંતિની માને પૈણે કુતરા

અમુક સદીઓ પહેલા જગતનો વહેવાર ‘બાર્ટર’ પદ્ધતિથી થતો હતો. એક વસ્તુના સાટે બીજી વસ્તુ આપવાની. પરસ્પર વસ્તુઓના આદાનપ્રદાનથી સંસાર રથનું ગાડું ગબડતું હતું. ત્યારે પૈસાનું મહત્વ નહોતું એટલે સંઘરાખોરી શક્ય નહોતી. (જોકે અત્યારે તો રૂપિયાના નોટસિક્કા પણ મહત્વ ગુમાવી રહ્યા છે, પ્લાસ્ટિક મની આવતા) આ જુની ‘બાર્ટર’ પદ્ધતિ હું નાનો હતો ત્યારે અમારા ગામમાં ઘણે અંશે પ્રચલનમાં હતી એને દેશી ભાષામાં ‘વાટકી વહેવાર’ કહેવાતો. ઘઉંનો લોટ ન હોય અને બાજરાનો લોટ ઘરમાં હોય અને આગંતુક મહેમાનોને લાપસી જમાડવાની હોય તો પાડોશમાંથી તપેલી ઘઉંનો લોટ લઈ આવવાનો. બદલામાં તેને તપેલી ભરીને બાજરાનો લોટ આપી દેવાનો.

ખેતર ખેડવા નિંદવામાં જરૂર પડ્યે બીજાના બળદ બેચાર દિ લઈ આવવાના અને કામ થઈ ગયા પછી ગણતરી પ્રમાણે આપણા બળદ બેચાર દિ તેમનું ખેતર ખેડવા આપવાના. નિંદામણ માટે સગા ખેડુતના ચાર માણસો ચાર દિ લઈ આવ્યા અને હવે તમારે ઢાલ (ઋણ) ચુકવવાનો વારો આવ્યો અને તમે બે માણસ જ છો તો? કશો વાંધો નહી, આઠ દિવસ તેના ખેતરે મહેનત કરી આવવાની.

‘બાર્ટર’ પદ્ધતિને પુળો મેલવા કોઈ હરામખોર માણસે ચલણને અમલમાં મુક્યું. બસ ત્યારથી મારૂ-તારૂની બોલબાલા છે. ત્યારથી સંઘરાખોર સંપત્તિવાનોનો આતંક ચારે કોર ફરી વળ્યો અને ઉત્ક્રાંતિનો ગધો ખિણમાં ગયો.

शुक्रवार, 24 जुलाई 2009

ધોતી માંથી કોટ-પેન્ટે વળગ્યા પણ ધોતીછોડ વલણ પણ વળગ્યું

ગુજરાતમાં દાયકા પહેલા યુવાન કન્યા રાતે બે વાગ્યે એકલી નિર્ભિકપણે શેરીઓમાં આવનજાવન કરતી, શેરીના નાકે એકલી બરફ ગોલો ખાવા જઈ શકતી હતી. આજે રાતે બે વાગ્યે શેરીઓમાં આવનજાવન કરે તો તે જોખમી ગણાશે. તાજેતરના વર્ષોના મહિલા સામેની ગુનાખોરીના આંકડા જોઈએ તો ૨૦૦૬ના વર્ષના નેશનલ ક્રાઈમ રિસર્ચ બ્યુરોનો રિપોર્ટ મુંજબ મહિલા સામેની ગુનાખોરીમાં દેશના ૩૫ રાજ્યો અને કેન્દ્રશાસિત દેશોમાં ગુજરાતનો આઠમો નંબર, મહિલા અપહરણમાં સાતમો અને ભારતના મુખ્ય ૩૫ શહેરોમાં મહિલા અપહરણમાં દિલ્હી પછીના બીજા ક્રમે અમદાવાદ હતું. મહિલા સુરક્ષાના ગુજરાતને કોઈની નજર લાગી ગઈ? આ મુદ્દે સમાજનું વલણ કેવું છે? આ બે પ્રશ્નોને લઈને કરેલા ઉત્ખનનમાંથી મળેલા કેટલાક મુદ્દાઓ...


દાયકા પહેલા ગુજરાત સૌથી શાંત અને સુરક્ષિત રાજ્ય ગણાતું. છેલ્લા કેટલાક વર્ષોમાં બીજા રાજ્યોમાંથી શાંતિ ઝંખતા અને રંજાડ કરીને ખિસ્સા ખંખેરવા ઈચ્છતા, બંને શ્રેણીના અઢળક લોકો ગુજરાતમાં ઠલવાયા છે અને ઠલવાઈ રહ્યા છે. દોઢ દાયકા પહેલા તમે ગુજરાતની શેરીઓમાં કદી કોઈને આસપાસના લોકોની પરવા કર્યા વગર હસતાહસતા અને મોટેમોટેથી ગાળો ફટકારતા જોયો હતો? ના. પણ ઉત્તર ભારતિયો પાસેથી આયાત થયેલી ગાળો આજે અમદાવાદની શેરીઓમાં છુટથી બોલાય છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં હજુ પરપ્રાન્તિયોનો પગપેસારો ભારેમાત્રામાં નથી થયો એટલે હજુય ત્યાં અહીનો કોઈ ટેવવશાત ગાલીપ્રદાન કરતો સંભળાય તો પણ તેની જાહેરમાં ધોલાઈ થાય. સૌરાષ્ટ્ર હજુય ગાળપ્રયોગને વિકૃતિ સમજે છે, જ્યારે બાહ્ય પ્રભાવને વશ થઈને બાકીનું ગુજરાત ગાળને સામાન્ય શબ્દો ગણવા લાગ્યુ છે.


પહેલાના અને આજના ગુજરાતીઓમાં ફર્ક એટલો પડ્યો કે પહેલા ગુજરાતી લક્ષ્મી પચાવી શકતો હતો હતો, આજે પચતી નથી. આમા માર્કેંટિંગના આક્રમણે બળતામાં ઘીનું કામ કર્યુ.


આજે શેવિંગ ક્રીમની જાહેરાતમાં પણ રૂડું ફિગર ધરાવતી સ્ત્રી રજુ કરવામાં આવે છે. સ્ત્રીને દરેક પ્રોડક્ટ સાથે જોડી દેવામાં આવી. છેવટ સ્ત્રી જ એક પ્રોડક્ટ, ‘આઈટમ’ બની જાય એવું વાતાવરણ સર્જાયુ છે. આજે આપણી આસપાસના વાતવરણમાં દરેક મુવ સેક્સ ડિટર્મીન (સેક્સ આધારિત) થઈ રહી છે.


આજે છોકરાછોકરી બંને તિવ્ર ગતિથી એકબીજાની નજીક આવે અને અજુગતિ માંગણી કરતાય ન ખચકાય. એવી માંગણીઓ સહજતાથી પુરી પણ થાય. અને ક્યાંક પુરી ન થાય તો બળજબરી કરીનેય પુરી કરતા કશો ખચકાટ નહી.


કરપ્ટ સરકાર અને ન્યાયતંત્રની કાર્યવાહીના પગલે વગ ધરાવનારા ગુનેગારો આબાદ રીતે છટકી જવાને કારણે મોટાભાગના કેસોમાં ન્યાય થતો નથી. ગિરીશ પટેલ જેવા માનવ અધિકારોની રક્ષા માટે જાત ઘસી નાખનારા બાહોશ ધારાશાસ્ત્રીને એટલે જ તો બે હાથ જોડીને વિનંતી કરવી પડે છે કે મહેરબાની કરીને ન્યાયતંત્ર પાસે કોઈ અપેક્ષા ન રાખશો. કેવી કરૂણતા! આ સ્થિતિના કારણે વિકૃત માનસિકતા ધરાવતા નરાધમોને બળ મળી રહે છે.


મોટા ભાગના બળાત્કાર પ્રકરણોમાં ધનિક, સરકારી કર્મચારીઓ કે તેમના નબીરાઓ સંડોવાયેલા જોવા મળે છે. આ એક વિચાર માંગી લે તેવી બાબત છે. સમાજને દોરવણી આપતો વર્ગ સમાજને ક્યાં લઈ જઈ રહ્યો છે તેની આમાંથી રૂપરેખા મળે છે. રેપ જેવા કેસોમાં સરકારે સામે ચાલીને કાર્યવાહીને ઝડપી બનાવવી જોઈએ પરંતું અહી બને છે એવું કે લોકો ચિંધે છે છતા સરકાર નિષ્ક્રિય બની બેસી રહે છે.


છેલ્લા પાંચસાત વર્ષથીં ગુજરાતમાં મહિલા વધુ અસુરક્ષિત બની છે અને આ માટે સમાજ અને સરકાર સરખા (૫૦૫૦ ટકા) જવાબદાર છે. સરકાર મુલ્યો આધારિત શિક્ષણ વ્યવસ્થા બનાવવામાં નિષ્ફળ રહી છે અને સમાજ બાહ્ય પરિબળોથી વધારે પ્રભાવિત થયો છે, મુલ્યો આધારિત પરિબળોને જાળવી નથી શક્યો. સમાજને મુલ્યો તરફ વાળવાનું કામ શિક્ષણ સંસ્થાઓનું છે. સમાજશાસ્ત્ર વિષય શિવાય પણ ઇતિહાસ, અર્થશાસ્ત્ર બધામાં વેલ્યુ એજ્યુકેશન દાખલ કરવામાં આવે તે જરૂરી છે અને વેલ્યુના પિરિયડ લઈને કામ પતાવવાથી કંઈ વળવાનું નથી. આજે સોશિયોલોજીની શાખામાં થિઅરીઓ ભણાવવામાં આવે છે પણ આવું દાખલા આધારિત શિક્ષણ નથી આપવામાં આવતું.


છેલ્લા કેટલાક બહુચર્ચિત કેસોમાં શિક્ષિત વર્ગના લોકો સંડોવાયેલા જોવા મળે છે. શહેરોમાં જ રેપ પ્રકરણો પ્રકાશમાં આવે છે. સુરત, પાટણ, પડુસ્માના બળાત્કાર પ્રકરણમાં શિક્ષિત વર્ગ સંડોવાયેલો માલુમ પડ્યો છે. આ એક નવું તથ્ય ઉજાગર કરે છે કે બળાત્કારને શિક્ષણ સાથે કશીજ લેવાદેવા નથી. અશિક્ષિત કે અર્ધશિક્ષિત ગામડાઓમાં તો આવા રેપ થતા નથી. એ દર્શાવે છે કે આપણી શિક્ષણ પદ્ધતિ ધરમુળથી જ ખોટી છે.


લગન્જીવન બાબતે વાત કરીએ તો આજે આપણે નથી પુરા વેસ્ટર્ન તરફે કે નથી આ તરફે. આ પણ એક મોટી સમસ્યા છે.


સ્કુલ લેવલે સ્ત્રી અસલામતિનું પ્રમાણ ઘણુ વધ્યુ છે. સંયુક્ત પરિવારમાં તરફાતરફીને કારણે ઘણી સ્ત્રીઓને અન્યાય સહેવો પડતો હતો અને સ્વતંત્રતા છિનવાઈ જતી હતી એટલે તેમાંથી છુટકારો મેળવવા આપણે ત્યાં વિભક્ત પરિવારની વિભાવના જન્મી. પહેલા ટિનએજર દિકરીની સંભાળ માટે સ્ત્રી નોકરી છોડી દેતી હતી, આજે એમ નથી થતું.ુ ફાયનાન્શિયલ સિક્યુરિટી, ઇન્ડિપેન્ડન્સના નામે મા ટિનએજ દિકરીની પરવા કરવાને બદલે નોકરીને વળગી રહેવાનું વલણ અપનાવે છે. એટલે ન્યૂક્લિયર ફેમિલીમાં થાય છે એવું કે માબાપ બંને નોકરીવ્યવસાયમાં વ્યસ્ત રહેવાના કારણે બાળપણમાં હુંફ મેળવવા છોકરાછોકરીઓ બહાર નજર દોડાવે છે. કોલેજમાં માવતરની વ્યસ્ત રહેણીકરણીથી અસંતુષ્ટ કેટલાય છોકરાછોકરીઓ કોલેજ ટાઈમ પુરો થયા પછી પણ ઘરે જવાને બદલે આખો દિવસ કોલેજ કેમ્પસમાં જ ગાળે છે. આમ નવા ફેરફારમાં સમાજ બાહ્ય પરિબળો તરફ ખેંચાઈ ગયો, મુલ્યોના પરિબળોને સાથે નથી જાળવી શક્યો. સમાજે ન્યુકિલયર ફેમિલી જે વેલ્યુ માટે કર્યા હતા તે તો ભુલી જ ગયો અને બાહ્ય પરિબળોને તાબે થઈ ગયો.


વળી બન્યુ એમ કે માતાઓ અહી ઓછુ ભણેલી છે, કોલેજમાં જતા પુત્રપુત્રીના મનમાં પોતે માતા કરતા વધુ ભણતર ધરાવતા હોવાનો ફાંકો આવી જાય છે અને એવી રીતે મા પાછળનો પુજ્યભાવ ખતમ થઈ જાય છે. ફિલ્મોમાં ઘરમાં વડિલોને મુર્ખ બનાવે એટલે હોશિયાર ગણાય છે અને એટલે એ અનુકરણે વડિલો તરફનો પુજ્યભાવ ખતમ કરી નાખ્યો છે. આજે વડિલોનું સાંભળે છે જ કોણ?


ફુંકાયેલા આ આધુનિકતાના વાયરામાં વડિલોની ભુમિકા જ નષ્ટ થઈ છે, એટલે કંઈ પણ નીચ કર્મ કરતા પુર્વે પરિવારનો, સમાજની બીકનો ફફડાટ કુકર્મ કરતા અટકાવતો તે હવે નથી અટકાવતો. નિરંકુશ યુવકો મનમાં આવતા તરંગોને આધીન થઈને તે મુંજબના બળાત્કાર, ગ્રુપ સેક્સ, ગેંગરેપ, હિટ એન્ડ રન, રેવ પાર્ટીના પ્રયોગો કરતા થયા છે.


સેટેલાઈટ ચેનલોનું પ્રભુત્વ વધ્યુ એમ અસલામતિનું પ્રમાણ વધ્યું. પહેલા ડીડી સિવાઈની કોઈ ચેનલ નહોતી ત્યારે અમે વાંધાજનક લાગતા પ્રસારણ સામે વાંધો ઉઠાવતા. ગુજરાતી ફિલ્મોની સતિ અમારે નથી જોવી એમ કહેતા એટલે તેવી જાહેરાતોનું પ્રસારણ અટકી જતું હતું પણ હવે આભ જ ફાટ્યુ છે ત્યારે થિંગડું ક્યાં દેવું? સુરક્ષાના માહોલને ડોળવામાં પ્રસાર માધ્યમોનો મોટો ફાળો છે. જાહેરાતોને છોકરીને કબ્જે કરવાની જ કળા સાથે જોડી દેવામાં આવે છે. છેલ્લે જાહેરખબરનો દોર ચાલ્યો તેમાં મર્દાનગી સાથે દરેક વાત જોડી દેવામાં આવી. અમિતાભ બચ્ચન પણ આના માટે જવાબદાર છે. સિસ્ટમને ખોટા માર્ગે કબ્જે કરવાનું ફિલ્મોમાં આવે છે. દાખલા તરીકે... એક ફિલ્મમાં સ્કૉટલેન્ડ યાર્ડની પોલીસને નાયકે હેરાન કરી હતી અને એ દ્દશ્ય જોઈને ઓડિયન્સ તાળીઓ પાડતું હતું.


સરકારની જવાબદેહી વિશે વાત કરીએ તો રાજકીય નેતાઓ પોતાના માટે થઈને જ કાયદો અને વ્યવસ્થાતંત્રને ઉપયોગ કર્યે જાય છે. ઘણી વખત પોલીસ અધિકારીને દુર્ઘટના વિશે પુંછતા તેનો જવાબ મળે છે કે ત્યારે હું તો ફલાણા નેતાના બંદોબસ્તમાં હતો. નેપાળી સ્ત્રીનું મૃત્યુ ન થયું હોત તો સુરતની ગેંગ રેપની ઘટના ન બનત. કારણ કે આ ટોળકી જ એ નેપાળી સ્ત્રી ઉપરના બળાત્કાર માં સંડોવાયેલી હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. એકલદોકલ કેસમાં ફાસ્ટ્રટ્રેક કોર્ટ રચવાથી શું? પાટણ રેપકાંડની તપાસ પણ એક મહિના સુધી નહોતી થઈ અને નેપાળી યુવતીના પ્રકરણમાં પણ એમ જ થયું. દરેક સામાન્ય ઘટનામાં પણ પદ્ધતિસરની તપાસ થવી જોઈએ. અમે રસ્તા ઉપર ઉતર્યા અને પછી તમે તપાસ સોંપી એ પ્રશાસનની સાચી પદ્ધતિ નથી. આનો અર્થ એ થયો કે સામાન્ય રીતે સરકારી તંત્ર સુતું હોય છે અને તેને દરેક વખતે ઢંઢોળવું પડે છે.


આમા આપણી લવચિકતા(ફ્લેક્સિબિલિટિ) પણ આપણને વધુ નડી રહી છે. આપણે ધોતીયું પહેરીને લાખોકરોડોનો વેપાર કરતા આપણા પુર્વજોનું મોડલ ફગાવીને કોટટાઈમાં વેપારનું મોડલ અપનાવ્યું. દંભ દેખાડો પરાકાષ્ઠા એ પહોચ્યા અને સમાજનિષ્ઠા અને મુલ્યોની જાળવણીના નામે આપણે સાવ નાઈ નાખ્યું. બિઝનેસ માર્કેટનું તો સ્પષ્ટ ગણિત છે કે જે વેચાય તે વેચવું. એટલે સ્ત્રીને પ્રોડક્ટ તરીકે ન ગણવાની અપેક્ષા ત્યાં કેમન ફળે? ખુદ બી.એડ. કોલેજોમાંથી બળાત્કારના કિસ્સાઓ બહાર આવે ત્યારે આશા કોની કને રાખવી? વેલ્યુ એજ્યુકેશન આખી દુનિયામાં ગાયબ છે.


આજે સ્ત્રી પ્રોડક્ટ્સ તરીકે રજુ થઈ રહી છે. ગુજરાતમાં પાર્ટી કલ્ચર અત્યારે છે એટલું પહેલા નહોતું. મેકઅપ, બ્યુટી પાર્લરનું ચલણ આટલું નહોતું. સ્ત્રીએ મેકઅપ ન કરવો કે બ્યુટી પાર્લરમાં ન જવુ કે સાજસજ્જા ન કરવી એવો મતલબ નથી. એમ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ એ ખરૂ પણ તે સમાજમાં ફરજિયાત બને તે ખોટું છે. પછી તે કરે તે બધી ફેશનેબલ અને ન કરે તે બધી અનફેશન્ડ છે એ દ્રષ્ટિ ખોટી છે. આજકાલ પેરન્ટ્સ પણ છોકરીને પ્રોડક્ટ્સ તરીકે મેળવડામાં લઈ જાય છે એ વલણ ખતરનાક છે. પાર્ટી કે સાજસજ્જાને ચોઈસનો વિષય રાખો, પબ્લિસિટીનો વિષય ન બનાવો. ફ્રીડમ અને પ્રોડક્ટ વચ્ચેનો ફરક સમજો.

गुरुवार, 23 जुलाई 2009

હોમો સેપિયન્સની પ્રજાતિ ‘હોમો’ કેમ?

‘ઝાલરટાણુ’ બ્લૉગની શરૂઆત ‘હોમો સેપિટન્સની પ્રજાતિ ‘હોમો’ કેમ?’ નામની પોસ્ટથી કરી હતી. આજે ફરજ પડતા ફરી એ જુની પોસ્ટમાં ૪૫ લીટી નવી ઉમેરીને રજુ કરૂ છું.

માનસશાસ્ત્રના નિષ્ણાત મિત્ર સાથે હોમોસેક્સના વધતા ચલણ વિશે વાત થઈ. તેમણે ૨૦ હજાર જેટલી વસતિ ધરાવતા ગામની વાત કરી. આ ગામમાં 1૦૦ કરતા વધારે હોમોસેક્સમાં રાચતા લોકો અસ્તિત્વ ધરાવે છે. આ આંકડો પ્રગટ લોકોનો છે. પ્રચ્છન્ન રીતે સજાતીય સંબંધ ધરાવતા લોકોનો આમાં સમાવેશ નથી. સજાતીય સંબંધોમાં માનતી જાતિના ‘ઍક્ટિવ’ અને ‘પૅસિવ’ એમ બે પ્રકાર હોય છે તેનાથી વાચક વિદિત હશે જ. ઉપલક રીતે ફોડ પાડીએ તો સજાતીય સમાગમમાં સક્રિય રોલ અદા કરે (ઉપર) તેને ઍક્ટિવ અને નિષ્ક્રિય અર્થાત્ નીચેનો રોલ અદા કરે તે પૅસિવ. ટૂંકમાં દાતા તે ઍક્ટિવ અને સ્વીકારતા તે પૅસિવ. મિત્રના ગામે એક સજાતીય સંબંધોનું પ્રચારક જાણીતું પાત્ર છે, એને આપણે ‘ફલાણો’નામ આપીએ. આ ફલાણાનો ગામમાં હોમો સમુદાય વિકસાવવામાં મોટો ફાળો છે. તે હજામતનો વ્યવસાય કરે છે અને ગામમાં તેની દુકાન એવી મોકાની છે કે ગામમાં આવતા જતા દરેક છોકરા ઉપર તેની નજર સામેથી પસાર થાય. ફલાણો ઍક્ટિવ અને પેસિવ એમ બંને રોલ અદા કરી જાણે છે. આ ત્રીજા પ્રકારનો હોમો સમુદાય છે તે તો જણાવવાનું રહી જ ગયું. ફલાણો કુમળી વયના છોકરાઓને તેની આગવી ટ્રિકથી પકડી લે છે અને તેની સાથે સજાતીય સંબંધ બાંધે છે. જો છોકરો દુર્બળ હોય તો તેને ‘પૅસિવ’ બનાવીને પોતે ‘ઍક્ટિવ’ બની જાય છે અથવા છોકરો સબળ હોય તો ફલાણો પૅસિવ રોલમાં આવી જાય છે. સજાતીય સંબંધોને કાયદા તરફથી છૂટ મળી ગયા પછી ફલાણો હવે ૧૦ ગણા વેગથી નવા ‘હોમો’નું સર્જન કરવા માંડશે એમાં બેમત નથી. ‘હોમો’ની હિસ્ટ્રી મેળવવામાં આવે તો મોટા ભાગના કેસમાં તેમણે કિશોરકાળમાં સજાતીય સંબંધ બાંધ્યો હોવાનું જાણવા મળશે. સેક્સના આવેગો કુદરતી છે, સહજ છે તેથી તેને ખાળી શકાતા નથી કે સેક્સને ગાળો ભાંડી શકાતી નથી.


આટલું મથાળું બાંધ્યા પછી મારે અહીં સમાજ જેને ખતરનાક ગણે છે એવી વાત મૂકવી છે. સજાતીય સંબંધોમાં અસ્પૃશ્ય રહી ગયેલા મુદ્દા ઉપર મારા વિચારો રજૂ કરવા છે. મારે કહેવું છે કે આપણા પૂર્વજોના ૧૪૧૫ વર્ષની ઉંમરે સંતાનને પરણાવી દેવાના નિર્ણયમાં ડહાપણ હતું.


આપણે અને આપણા કાયદાએ આપણા પૂર્વજોના કિશોરવયે લગ્ન કરવાની પ્રથાની અવગણના કરીને હોમોસેક્સને ફૂલવાફાલવાનો અવસર આપ્યો છે. સમાંતરે લેસ્બિયન સંબંધને પણ, પરિણામે આજે સમાજમાં ‘ગે સોસાયટી’ બંધાઈ રહી છે. કોઈકોઈ દલીલ કરશે કે સજાતીય સંબંધો તો પરાપૂર્વથી ચાલ્યા આવે છે, આજકાલના નથી. સજ્જનો અને સન્નારીઓ આ દલીલને હું વજૂદ વગરની બનાવીશ.


પૂર્વે કિશોરવયે લગ્ન થઈ જતાં હતાં તેના બેચાર મોટા ફાયદા ગણાવીને પછી મુખ્ય વિષય પર પાછા ફરીએ. એકંદરે ગ્રહો, નક્ષત્રો અને ગૅલેક્સીઓ કોઈ અજ્ઞાત આકર્ષણ બળને લીધે એકબીજા ફરતે ફરે છે. જરા ધારીને જોશો તો જણાશે કે આખી પૃથ્વીના લોકો સેક્સ ફરતે ફરે છે. દરેક પ્રવૃત્તિમાં પ્રગટ કે પ્રચ્છન્નપણે સેક્સ જ ઝળકે છે; અર્થાત્ સંસારી જીવો માટે જીવનઆનંદની સૌથી મોટી ચીજ સેક્સ છે. આ વાતને કોઈ સંસારી નકારે તો એને દંભી ગણજો. આ વાસ્તવિકતા વચ્ચે આપણે છોકરાઓને ૩૦૩૫ વર્ષના થાય ત્યાં સુધી વાંઢા રાખવાને વાજબી ઠરાવીએ તે ક્યાંનો ન્યાય? જરા વધુ ઊંડે ઊતરીએ, તમે ત્રીશી વટાવી ચૂક્યા હો તો જરા અંદર ઝાંખીને જવાબ આપજો કે તમારી અંદરનું રોમાન્સનું, પ્રેમનું તત્ત્વ કઈ ઉંમરે સૌથી વધુ ઊછળતું હતું તે કહેશો? ઉતાવળે જવાબ નથી જોતો, જરા એકાગ્ર થઈને ફ્લેશ બૅકમાં જાવ અને પછી પ્રામાણિક જવાબ શોધો. એ ઉંમર હશે ૧૬૧૭ વર્ષની. તમને ૩૦૩૫ વર્ષે પરણાવ્યા ત્યારે તમે કિશોરકાળનો જીવનરસ જાળવી શક્યા હતા? તમને પરણ્યા પછી જીવનસાથીના એક સ્પર્શથી ૩૩ કરોડ રોમરાઈ જાગી ઊઠી હોય એવું થતું હતું? રોમેરોમે શરણાઈઓના સૂરો સંભળાતા હતા? હાલ તો રોમાન્સના આ વાક્યો પણ તમને ચોખલિયાવેડા લાગતા હશે.


કારકિર્દી ઘડવાની મથામણમાં એથી અનેકગણા કીમતી એવા પ્રેમ, રોમાંસને ધરાઈને માણવાનું થાળે પડી ગયું. તમે અફલાતૂન કારકિર્દી ઘડી પછી પૂછવાનું કે તમને જે કિશોરકાળે પ્રેમ રોમાંસમાંથી મળતો હતો તેટલો જીવનરસ કારકિર્દીમાંથી મળે છે ખરો? ખેર! પ્રેમરોમાંસને ધરાઈને માણ્યો જ નથી એ સંજોગોમાં સરખામણીય તમે કેમ કરશો? અહીં મુદ્દાની વાત આટલી હતી કે લગ્ન પછી કારકિર્દીનો વિકલ્પ હોવો જોઈતો હતો તેની જગ્યાએ આપણે તેને પહેલાં ઘુસાડી દીધો. મારા પિતા ૨૦ વર્ષની ઉંમરે નદીના તટે કબડ્ડી રમતા હતા, કારકિર્દીની ખેવના રાખ્યા વગર. તેમને આજે જીવનની ઢળતી સંધ્યાએ જીવન પ્રત્યે કે કારકિર્દી પ્રત્યે કંઈ ફરિયાદ નથી.


ત્રીશી પછી લગ્ન થાય તેવામાં કેટલીક અનિચ્છનીય માનસિક ગ્રંથિઓ બંધાઈ જાય છે. માઇન્ડની મેમેરીનો મોટો હિસ્સો સેક્સ અને રોમાન્સ અંગેના ખ્યાલોથી ભરાઈ જાય છે. પછી બહુ થોડી ખાલી મેમરીથી ચલાવવાનું રહે છે. આપણે કારકિર્દી બનાવવા લગ્નથી તો દૂર રહ્યા પણ મગજમાં વિજાતીય પાત્રો અને તે સંબંધેના વિચારોનો જમેલો તો કાયમ વધતો જાય એનું શું? નાની ઉંમરે લગ્ન કરી લીધાં હોય તો જિજ્ઞાસા અને એષણાઓથી તૃપ્ત મગજ વ્યવસાયલક્ષી વિચારવાને વધુ ફ્રી થાય. આવેગોને અટકાવીને કારકિર્દી પ્રતિ મન પરોવો તો આવેગો એમ અટકવાના છે કંઈ? એ તો સરળતાથી ઉપલબ્ધ સજાતીય માર્ગે વળી જશે.


પૂર્વે ગણિકાઓ, વેશ્યાઓનાં આલખો નગર મધ્યે હતાં. આજે આપણા બંધારણે દેહવ્યાપારને ગેરકાનૂની ઘોષિત કર્યો છે. તેવામાં મફતનું અને સરળતાથી ઉપલબ્ધ સજાતીય શરીર હાજર સો હથિયાર બની જાય છે. જોકે પૂર્વે જે ગણિકાની કોઠીએ થતો હતો તે દેહવ્યાપાર આજે કૉર્પોરેટ ઑફિસોમાં પણ થાય જ છે. પણ આ મુદ્દે આપણે અહીં ચૂપ રહીશું; નહીંતર તમે વળી મુદ્દાથી ભટકી જવાનું આળ ચડાવશો.

ઇક તરફ મંદિર, ઇક તરફ મયકદા


દારૂબંધી અને દારૂમુક્તિ બંને વિષયના લોકો પોતાના મતને વાજબી ઠરાવવા વિવિધ દલીલો કરતા રહે છે.
બંને પક્ષની દલીલો પ્રસ્તુત છે. તમારે કોને મત આપવો તે તમે નક્કી કરો.દારૂમુક્તિની તરફેણમાં...


આખંુ જગત દારૂ પીએ છે અને પશ્ચિમમાં વિશેષ દારૂ પિવાય છે છતાં બધા ત્યાં અનુશાસનમાં વર્તે છે. ત્યાં કોઈ વાતે ઊણપ નથી.


આપણે દંભી છીએ તેથી આપણે છડેચોક નહીં પણ છાને ખૂણે દારૂ પીવામાં માનીએ છીએ. એટલે આપણે દંભનો અંચળો ફગાવીને રાજ્યની દારૂબંધી ફગાવી દેવી જોેઈએ.


ગુજરાતમાં દારૂની રેલમછેલ છે, માગો ત્યારે અને માગો તેટલો દારૂ મળે છે તો પછી ખોખલી દારૂબંધી શા કામની? આનાથી ગુજરાત સરકારની તિજોરીને વર્ષેદહાડે અમુક કરોડ રૂપિયાનું નુકસાન જાય છે. પોલીસ અને બુટલેગરો અબજોમાં આળોટે છે. દારૂબંધીથી માફિયાગીરી ઘટવાને બદલે પોલીસ અને બુટલેગરોની ગઠજોડના કારણે માફિયાગીરી વધે છે. દારૂબંધી ઉઠાવી લેવામાં આવે તો સરકારને કરોડો રૂપિયાનો ટૅક્સ બૅનિફિટ મળે, પોલીસબુટલેગર્સ વચ્ચેની સાઠગાંઠ ખતમ થાય તો સુરક્ષાતંત્ર વધુ મજબૂત થાય.


દુનિયા આખી મનફાવે ત્યારે દારૂ પી શકતી હોય અને અહીં લોકતંત્રમાં માનતા દેશનો હું નાગરિક મને પીવાનું મન થાય તો પણ ગુજરાતમાં દારૂ પી ન શકું તેમાં મારા મૂળભૂત માનવીય અધિકારોનું હનન થાય છે તેનું શું? તેમ છતાં સરકારને દારૂબંધી જ મંજૂર હોય અને મારી વાત નામંજૂર હોય તો મને મારા અધિકારોના હનન બદલ તેનું કમ્પેન્શેસન મળવું જોઈએ.


આપણે ઉદ્યોગસાહસિક પ્રજા ભલે રહી પણ મૂલતઃ આપણે ડરપોક પ્રજા છીએ એટલે નવા પરિવર્તનને ઝટ આવકારી શકતા નથી અને પરિવર્તનને લઈને જાતજાતની અશુભ શંકાઓ વ્યક્ત કરવા માંડીએ છીએ. એટલે આગુસે ચલી આતી દારૂબંધીને આપણે બિનજરૂરી રીતે આગળ ખેંચ્યે જઈએ છીએ.


સેંકડોહજારો દારૂ પીનારા સજ્જન લોકો ગુજરાતમાં વસે છે એટલે દારૂને દૂષણમાં ખપાવી દેવું ઠીક નથી. ‘અતિ સર્વત્ર વર્જ્યતે’ કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાનકારક છે એમ દારૂ નહીં પણ દારૂનો અતિરેક નુકસાનકારક છે.


દારૂબંધીને કારણે ઘણી બહારની ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં આવતા અચકાય છે. દારૂબંધી હટાવવામાં આવે તો ગુજરાતનો અૌદ્યોગિક વિકાસ વધુ થશે.


દારૂબંધીની તરફેણમાં...દારૂમુક્તિ માણસને પરિવારકેન્દ્રી ઓછો અને સ્વકેન્દ્રી વધુ બનાવે છે. કેમકે દારૂ પીનારો મજૂરવર્ગ કમાણીનો મોટોભાગ દારૂ પીવામાં વેડફી નાખે છે. ક્યારેક તો પત્નીની મજૂરીના પૈસાનું પણ ઢીંચી જવામાં અચકાતો નથી.


વાતે વાતે પશ્ચિમી દેશોમાં દારૂમુક્તિનો હવાલો આપીને અહીં પણ એવું વાતાવરણ ઝંખતા લોકોને માલૂમ થાય કે પૂર્વ અને પશ્ચિમનો કોઈ વાતે સંગમ કરી શકાય તેમ નથી, કેમ કે એક તો એ બરફીલો પ્રદેશ છે, ત્યાંની પ્રજાની તબિયત માટે દારૂ નુકસાનકારક કરતાં લાભદાયક વધુ છે. આપણે ગરમ પ્રદેશમાં રહીએ છીએ અને એમાંય પેટમાં લાય પેદા કરતો દારૂ પધરાવશું તો ફેફસાં ફાટી જવા સિવાય શું ભલું થશે? બીજંુ કે એ પશ્ચિમી દેશોને દારૂ પીવો આર્થિક રીતે પોસાય તેમ છે, ત્યાં ડ્રિન્ક ભર્યા પેટના ચાળા છે. જ્યારે આપણે ત્યાં દેશની ૫૦ ટકા વસ્તી ગરીબીરેખા નીચે જીવતી હોય, બે ટંકના રોટલા માટે નસીબ સાથે માથા પછાડતી હોય ત્યારે આપણે કયા મોઢે દારૂમુક્તિની અને તેમાંથી રાજ્યની કરકમાણીની વાતો કરીશું?


હિન્દુ, બૌદ્ધ, જૈન, ઇસ્લામ... આ બધા ધર્મો ઘણી બાબતે જુદા પડે છે, પણ એક વાતે સંમત છે, બધા ધર્મોમાં દારૂબંધી ફરમાવવામાં આવી છે. મંદિરની દીવાલોએ ‘કામસૂત્ર’નાં નગ્ન શિલ્પો કોતરાવવાની ઉદારતા દાખવી શકતો ધર્મ મદ્યપાનની છૂટ નથી આપતો તે કંઈ સાવ અમસ્તંુ જ!

મૂળભૂત માનવીય અધિકારના હનનની વાત કરનારા એ વાત સમજે કે દારૂબંધીના પ્રતાપે બહેનદીકરીઓ હજુય ગુજરાતમાં મોડી રાત્રે એકલી બહાર નીકળી શકે છે. એ તમારા અધિકારહનનનું વળતર ગણશો.


ગુજરાતના કોઈ પણ શહેરમાં મોડી રાત્રે સ્ત્રીઓ ડર વગર બજારમાં નીકળી શકે છે. મદ્રાસમાં રાત્રે સાત વાગ્યા પછી કોઈ મહિલા રસ્તા ઉપર જોવા નહીં મળે. ત્યાં રાતે કામવશાત્ પણ એકલી નીકળેલી મહિલા સાથે ‘ક્યાંક દારૂડિયાઓ છેડતી કરી બેસશે’ એવા ભયથી આ પ્રથા પડી છે.


દારૂ મુક્તિવાળાં રાજ્યોમાં શેરીના નાકે આવેલી દારૂની દુકાનેથી વડીલોની ફરમાશથી દારૂ લેવા જવું પડતું હોવાથી ટીનેજ અવસ્થા સુધીમાં મોટા ભાગના છોકરાઓએ દારૂનો ટેસ્ટ કરી લીધો હોય છે અને ઘણાને દારૂનું વ્યસન પણ થઈ જાય છે જે એના ચારિત્ર ઘડતરમાં બાધક બને છે.


દારૂબંધી છતા ગુજરાતમાં છડેચોક બેફામ દારૂ પિવાય છે એવી દલીલ કરનારાઓને કહેવાનું કે દારૂબંધી ઉઠી જાય પછી હાલ પિવાય છે એના કરતા સેંકડો ગણો વધારે પિવાશેે.


નાની રકમની બચત કરીને વેપારી બનવાનું સપનું જોતા અનેક ગુજરાતી યુવકો છે. તેમનું મન એક જ દિશામાં કેન્દ્રિત હોય છે. દારૂબંધી ઉઠાવી લેવામાં આવે તો નાની બચત પણ નહી થાય અને એક લક્ષ્ય પ્રતિ મન કેન્દ્રિત પણ નહી થાય. ગુજરાત દાયકાઓથી વેપારવણજમાં દેશદુનિયામાં પંકાતું રહ્યંુ છે તેમાં અહીંની દારૂબંધીનો પણ ઘણો ફાળો છે.