शनिवार, 24 जुलाई 2010

પ્રિત કી લત તો હે એસી લાગી?


પરમ વિજ્ઞાન એમ કહે છે કે વિશ્વ એ અંતતોગત્વા વિચારોનો સમુહ માત્ર છે. દારૂડિયાના વિચારો સતત નશાની અને દારૂ રિલેટેડ બાબતો અંગેના હોય છે. એટલે એનું વિશ્વ દારૂનું પિઠું, મહેફિલના સાથીદારો, અમલ અને છુપાઈને અમલ કરવા માટેના ઝાડીઝાંખરાવાળા નિર્જન સ્થળો...વગેરે હોય છે. દારૂડિયાને ક્યાંય અજાણ્યા સ્થળે જવાનું થાય તો ત્યાં ટુંક સમયમાંજ તેનું વિશ્વ સર્જાઈ જાય છે.

પત્રકારો, વકિલો, ઉદ્યોગકારો, રાજનિતિજ્ઞો, ગવૈયા-ભવૈયાઓ, પ્રેમીઓ, કામીઓ વગેરેનું પણ આવું જ હોય છે. આમાથી પ્રેમીઓની જાત ઉપર જરા બિલોરી કાચ ફેરવીએ,

તમે તમારા કાને અત્યાર સુધી જે શબ્દો અથડાયા કે તમારી આંખે જે દ્રષ્યો ઝીલ્યા એના આધારે પ્રેમ માટે તમારા મનોવિશ્વમાં એક ચોક્કસ વિજાતિય પાત્ર ઘડ્યુ છે. એનો નાક-નકશો, વાણી-અદા સાથેનું પ્રેમી પાત્રનું શિલ્પ તમારા મનોવિશ્વમાં ઘડી કાઢ્યુ છે. બજારમાંથી તમને આ ક્રાઈટેરિયા ધરાવતું કોઈ મળ્યુ એટલે તમારી અંદર છુપાયેલી પ્રેમમુર્તિ સપાટી ઉપર આવે છે અને તમને શરીરમાં વિજળીક કરંટ પસાર થઈ ગયાનો અનુભવ થાય અને અંદરની મુર્તિનો બહાર પડઘો પાડતી એ વાસ્તવમુર્તિને પામવાના એનકેન પ્રકારે પ્રયત્નો આદરી દો છો. તમે એ પાત્રને જુઓ કે તુરંત તમારી અંદરની નિષ્પ્રાણ પ્રેમમુર્તિમાં એની પ્રતિચ્છાયા પ્રવેશી જાય છે અને તમે અંદરની મુર્તિ સાથે ઇચ્છિત ક્રિયાઓ કરવા લાગો છો, રોમેન્ટિક સંવાદોથી લઈને સહશયનની ક્રિયા. તમારી અંદરની જૈવરાસાયણિક પ્રક્રિયાની બહાર અસર પડે છે અને લોકો કહે છે કે 'બદલે બદલે સે જનાબ નજર આતે હૈ.'

આખરે તમે કોઈ ભિખારી કે અસ્થિર મગજના વિજાતિય પાત્રના પ્રેમમાં કદી નથી પડતા એનું કારણ પણ આ જ છે.

અહી એવું નથી હોતુ કે તમારી મનમુર્તિના સો એ સો ટકા ગુણધર્મો એ વિજાતિય પ્રેમી પાત્રમાં મોજુદ હોય ત્યારે જ દિલની ઘંટી વાગે. શક્ય છે કે હોઠનો મેળ ન ખાતો હોય પણ આંખો અદ્દલ એવી જ હોય. ચાલમાં ન જામતું હોય પણ ગાલ, હડપચી અને હથેળીમાં 99 ટકાની સામ્યતા હોય. 75 - 80 ટકાની સામ્યતા હોય એટલે ચોકઠુ ફિટ થઈ જાય. ચક્કર ચલાવવામાં પનો ટુંકો પડે કે ચક્કર ચલાવ્યા પછી કોઈ વાતે વાંકુ પડે અને પ્રેમભંગ થઈ જવાય તો નો પ્રોબ્લેમ. ગાલ, હડપચી, હથેળી વગેરેને જવા દો, મુર્તિના હોઠ, કૂલા, હાથ, છાતી જેવા અન્ય પરિણામો સાથે મેળ ખાતો હોય એવું પાત્ર મળી જાય એટલે પાછી દિલની ઘંટી વાગશે. અને તમે પહેલામાં ન લપેટાયા એ જ સારૂ થયુ આ બીજુ પાત્ર જ તમારા ખરા પ્રેમને પાત્ર છે એવી સાંત્વના સાથે આગળ વધશો.

ફરી પાછી જૈવ-રાસાયણિક પ્રક્રિયા અને એના બાહ્ય ફેરફારોને કારણે લોક કહેશે કે 'બદલે બદલે સે જનાબ નજર આતે હે.' અને પછી તમે પણ નફકરા થઈને કહેશો કે 'કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હે કહના.'

અલબત્ત આ કેમેસ્ટ્રીમાં વિજાતિય પાત્રની મનોમુર્તિ સાથે તમારો ઘણેઅંશે મેળ ખાવો જરૂરી છે નહિતર એના દિલની ઘંટી નહી વાગે અને તમને ફોગટના ફેરા ખાઈને પગમાં આંટણ પડી જશે. તમે ફ્લેક્સિબલ થઈને કલ્ટી મારવાને બદલે અહી જ ગંગા જમનાનું રટણ ચાલુ રાખશો તો દેવદાસ બનવાનો વારો આવશે. આવી રીતે આજીવન વહેમમાં રખડી ખાનારાઓની તાદાત પણ ઓછી નથી હોં. વળી બધા પ્રેમમાં ઠરીઠામ થયા પછી કાંદો કાઢી લેનારા નથી ઠરતા, આવું કેમ? એ વાત ફરી ક્યારેક. આમાંથી જ એક બીજો આડપ્રશ્ન ઉદ્દભવે છે કે પ્રેમ અને સેક્સ વચ્ચે કેવોક સખ્યભાવ? એ ચર્ચા પણ આજની જેમ ફરી વરસાદ પડે ને મૂડ ચડે ત્યારે માંડશું.

रविवार, 4 जुलाई 2010

ગધેડાઓ સિંહ બચાવોના નારા લગાવે છે

વાઘ બચાવો,
સિંહ બચાવો,
દિપડા બચાવો,
રોઝ-રેડા(કાળીયાર) બચાવો
થોડાક વર્ષો પહેલા સિંહની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થઈ જતા વન્યપ્રાણી હિતરક્ષકોને ભારે ગભરામણ થઈ ગઈ હતી પણ છેલ્લા વર્ષોમાં સિંહની વસ્તીગણતરીમાં સિંહોની આબાદીમાં ઘણો વધારો થયો છે એટલે હવે તેઓ ઘણી શાતા અનુભવે છે. ભાવનગર પાસે કાળીયારનું વિશાળ અભ્યારણ આવેલું છે. એક દાયકા પહેલા વન્યપ્રાણી હિતરક્ષકો શિંગડાવાળું કાળુ હરણ ઉર્ફે કાળિયાર પ્રાણી ટુંક સમયમાં પૃથ્વી ઉપરથી અદ્દશ્ય થઈ જશે એવુ કહીને મ્હો વાળતા હતા. રોઝ અને રેડાના જતન ખાતર એમને સંરક્ષિત પ્રાણી ઘોષિત કરવામાં આવ્યુ એટલે આજે કાળીયાર અભ્યારણમાં રોઝ-રેડાનો ફાલ એટલો તો ફુલ્યો ફાલ્યો છે કે આ સંરક્ષિત પ્રાણીઓ ભાવનગરના છેક છેવાડાના મહુવા તાલુકાના ગામડાઓની સીમમાં લહેરથી આંટા મારે છે, લીલો ચારો ચરે છે.
આ બુડથલ વન્યપ્રાણી હિતરક્ષકોમાં એવો કોઈ મહુવા-તળાજા-ભાવનગરના ગામડાનો ખેડુત નહી હોય, જેની મહિનાઓની મહેનતના પરિણામે લહેરાતો થયેલો પાક એક રાતે રખોપામાં સહેજ ઝોકુ આવી જતા રોઝડાઓએ ખુંદીને જમીનદોસ્ત કરી નાખ્યો હતો.

સિંહ બચાવો કે વાઘ બચાવો ના સુત્ર વાળી ટીશર્ટ પહેરનારાઓની ટોળકીમાં ગીરના નેસનો એ એક પણ આહિર-રબારી નહી હોય જેની રાંકના રતન સમી રૂપિયા પચાસ હજારની કિંમતની ભેંસને સિંહે ફાડી ખાધી હતી.

વાત મારા અનુભવની છે. રોઝની ચામડી ગેંડાની ચામડી જેવી હોય. પુરી તાકાતથી તમે એના વાંસે ધોકો મારો તો ત્યા ન્યુટનનો ગતિનો ત્રીજો નિયમ “આઘાત અને પ્રત્યાઘાતી બળો સરખા અને વિરૂદ્ધ દિશાના હોય છે” લાગુ પડશે. જો તમે સહેજ પણ ગફલતમાં રહ્યા તો ધોકો રોઝની પીંઠ ઉપરથી ઉછળીને તમારે લમણે અફળાશે અને તમારી માલિકીની વાડીમાં ઉભેલું રોઝ તસુભર પણ નહી ખસે અને રોઝને પાડી દેવાનો મનસુબો ધરાવતા ખુદ તમે જમીનદોસ્ત થઈ જશો.

બુલફાઈટનો બુલ લાલ કપડાને જોઈને ભડકે છે એમ રોઝને ભગાડવું હોય તો સફેદ કપડુ ફરકાવો. હું 15 – 17 વર્ષનો હતો ત્યારે અમારી સીમમાં ક્યારેક રોઝ-રેડા ભુલા પડી જતા અને અમે એમને ભગાડી મુકતા. આજે આલમ એ છે કે ખેડુતોએ પાકના રક્ષણ માટે આખી રાત વાડીનું રખોપુ કરવું પડે છે. એકલ-દોકલ રોઝ ભાગ્યે જ હોય, ટોળાના રૂપમાં ત્રાટકે છે. એક રાત ગફલતમાં ગઈ કે ઝોકુ આવી ગયુ તો પાકના નામનું નાહી નાખવાનું. પાડા કરતાય વધુ શક્તિશાળી રોઝને પાકથી દુર રાખવા કાંટાના તારની વાડ પણ કામ નથી આપતી. એવી વાડ એ ઠેકીને તોડી પાડે છે. કેટલાક ખેડુતોએ આનો મજબુત અને ખતરનાક ઉપાય શોધી કાઢ્યો છે. તેઓ રાત્રે કાંટાની તાર સાથે વિજપ્રવાહના વાયરને જોડી દે છે અને સવારે ડિસકનેક્ટ કરી દે છે.

વર્ષ પહેલા વતન ગયો ત્યારે બાળગોઠીયા ખેડુ મિત્રના મોઢેથી એક કિસ્સો સાંભળીને હું ધ્રુજી ગયો, મને રાજ્ય પ્રશાસન અને વન્યપ્રાણી હિતરક્ષકો પ્રત્યે દાઝ ચડી. મારો બાળગોઠિયો મિત્ર મને વાડીમાં રોઝ-રેડાના આંતકની કથની સંભળાવતો હતો. એ દશ્યની સીમનો એક ખેડુત સવારે તારની વાડે આપેલો ઇલેક્ટ્રિસિટીનો વાયર ડિસકનેક્ટ કરવાનું ભુલી ગયો. સવાર સવારમાં એણે ચુલો ફુંકીને ચા બનાવી અને શેઢા પાડોશીને ચા પીવા બુમ મારી. પાડોશી યુવક ચા પીવા આવતો હતો અને વાડ ઠેકવા ગયો અને કરંટ લાગતા ત્યાં જ મૃત્યુ પામ્યો.

સાસણગીરના જંગલમાં ત્રણ દિવસ એક નેસમાં રહેવાનું થયુ. નેસડાના પરિવારો અને સિંહને સાવ નજીકથી જોવાનું બન્યુ હતું. એમની ચરવા ગયેલા ભેંસના ખાડામાંથી એકાદ ડાલામથ્થી સિંહનો શિકાર થઈને ઓછી થાય તો એનો આ નેસવાસીઓને બહુ રંજ નથી, કારણ કે તે મોટા મનના અને સમદર પેટા માનવીઓ છે. પણ...

વાઘ શિંહ કુતરા બિલાડા અને કીડી મંકોડીના અધિકારો માટે મેદાને પડતા એ કમઅક્કલો- પ્રશાસનના સંબંધિત અધિકારીઓ અને વન્યપ્રાણી હિતરક્ષકોને કોઈ એ સમજાવો કે પાંચ ઇન્દ્રિય અને મન-બુદ્ધિ ધરાવતુ મનુષ્ય પ્રાણી પૃથ્વી પરના બધા જ પ્રાણીઓમાં સૌથી કિંમતી પ્રાણી છે.