मंगलवार, 30 नवंबर 2010

એઇડ્સ પ્રિવેન્શન કે પ્રોત્સાહન?જ્યારે જ્યારે એઇડ્સ શબ્દ સ્મૃતિમાં આવે ત્યારે સૌ પહેલા મારી નજર સામે એ બે એચઆઈવી પોઝીટિવ પાત્રો તરી આવે છે જેનો મેં નજીકથી અભ્યાસ કર્યો છે. એક આઘેડવયની પ્રોસ્ટિટ્યુટ છે જેને સુરતથી એચઆઇવી પોઝીટીવ થઈને આવેલા હિરા વ્યવસાયિકે વરસો પહેલા એચઆઇવીનો ચેપ લગાડ્યો હતો. આજે આ બાઈ એ ગામના અડધો ડઝન લોકોને એચઆઈવીનો ચેપ લગાડી ચુકી છે. બીજો એચઆઈવી પોઝીટીવ યુવક હતો જે ચારેક વરસ પહેલા મરી ગયો. આ યુવકના નિદાનમાં એચઆઇવી પકડાયો તે દિવસથી એણે સ્વિકારી લીધુ હતું કે બહુ જલ્દી મરી જવાનું છે (આઈ થિંક ત્યારે એન્ટી રેટ્રોવાઇરલ ટ્રિટમેન્ટ અમલમાં નહોતી). મરણિયા બનેલા આ યુવકે એક મિશન આદર્યુ હતું કે પોતે મરે એ પહેલા શક્ય એટલા વધુ લોકોને એચઆઇવી પોઝીટીવ બનાવી દેવા. આ માટે એણે મહુવા મ્યુનિસિપલ હોસ્પિટલને ટાર્ગેટ કરી હતી. (એ વખતે હું મહુવા બ્લડબેંકનું સંચાલન કરતો હતો એટલે હોસ્પિટલના ડોક્ટરો પાસેથી મને આ વાત જાણવા મળી હતી) કશા જ કારણ વગર એ તાવ તરીયાનું બહાનુ આપી હોસ્પિટલમાં દાખલ થઈ જતો હતો. ડોક્ટરો એને દાખલ થવાની જરૂર નથી એવું કહે ત્યારે તે પોતાને બહુ અશક્તિ આવી ગઈ હોવાનું અને ઘરે કોઈ સારવાર કરનારૂ નહી હોવાનું બહાનુ આપીને દાખલ કરવા માટે કરગરી લેતો. પોતાનું ચેપગ્રસ્ત લોહી શક્ય એટલા વધુ લોકોના સંપર્કમાં આવે એ માટે એ પૈસા ખર્ચી નાખતો, આર્થિક સ્થિતિ નબળી હોવા છતા.
‘સાહેબ, જરા મેલેરિયાનો રિપોર્ટ કરાવી લોને ટાઢ વાય છે.’
‘સાહેબ, જરા લોહીની ટકાવારીનો રિપોર્ટ કરાવવો છે.’
‘સાહેબ, શક્તિના બાટલો ચડાવવો છે.’
ગમે તે રીતે લોકો પોતાના એચઆઈવી ગ્રસ્ત લોહીના સંપર્કમાં આવે એની એ હંમેશ ફિરાકમાં રહેતો. આમાંથી એ વિકૃત આનંદ મેળવતો હતો. હવે હોસ્પિટલના સ્ટાફ માટે એ રહસ્યમય વ્યક્તિ બની ગયો હતો. આખરે હોસ્પિટલના સ્ટાફે રહસ્ય ઉપરનો પડદો ઉચક્યો અને એને ‘ખબરદાર, હવેથી હોસ્પિટલના પરિસરમાં પગ ન મુકતો’ એવી ધમકી આપીને માંડ છંડવાડ્યો. જોકે એ મર્યો ત્યાં સુધી તેણે એક યા બીજા પ્રકારે એનું એઇડ્સનો ચેપ ફેલાવવાનું કાર્ય ચાલુ જ રાખ્યુ હતું. જોકે ઇન્જેક્શન કે ઘાવ થકી બહાર આવેલા લોહીમાં થોડા સમયમાં જ એચઆઇવીના જીવાણુઓ મૃત્યુ પામે છે તો પણ લોહીના સંસર્ગથી ચેપની શક્યતાને સંપુર્ણ નકારી શકાય નહી. એચઆઈવીનો ચેપ એ સુરતથી વરિયાળી ભાગોળ વિસ્તારથી લાવ્યો હતો અને એમના પત્નિ અને બાળકને પણ એણે એચઆઈવીનો ચેપ આપ્યો હતો.


પેલી પ્રોસ્ટિટ્યુટે અડધો ડઝન વધુ લોકોને એચઆઈવી વાહક બનાવ્યા એમને હું ઓળખુ છું. ગામમાં એમના ક્લાયન્ટનું લિસ્ટ તો ઘણુ મોટુ છું. એ બાઇને ખબર છે કે પોતાને એચઆઇવીનો રોગ છે અને પોતાનો ક્લાયન્ટ કોન્ડોમનો ઉપયોગ કરે તો તેનાથી બચી શકે. પણ તે તેમ કરતી નથી.


બિલ ગેટ્સનું મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અને સરકાર અને બીજા ઘણા એઇડ્સ નાબુદી માટે અબજો અબજો રૂપિયાનું ભંડોળ ફાળવે છે જેનો મહદઅંશે ઉપયોગ એઇડ્સગ્રસ્તોને સહાનુભુતિ માટે થતો જોયો છે. એચઆઇવી પિડિતો જાણે શહિદસપુતો હોય એમ સંસ્થાઓ એમને સ્ટેજ ઉપર બેસાડીને આમંત્રિત સેલિબ્રીટી સાથે નૃત્ય અને હસ્તધુનનના કાર્યક્રમો યોજે છે. એમના વાંસા થાબડે છે. એ અક્કલના ઓથમીરોને ખબર નથી કે એ એઇડ્સની નાબુદી માટે કામ કરી રહ્યા છે કે ફેલાવા માટે?


અહી કરોડો લોકો કાળી મજુરી કરીનેય બે ટંક રોટલો પામતા નથી એનું તમને કાંઈ દાઝતું નથી અને તમને અસલામત વ્યભિચારને કારણે એઇડ્સનો શિકાર બનેલાઓ ઉપર એવું તે કેવું હેત ઉભરાય છે કે તમે એમના ક્ષેમકુશળનું જતન કરવા નિકળ્યા છો. એઇડ્સ નાબુદી ઝુંબેશની માને કુતરા પૈણી ગ્યા કે એઇડ્સનો ગધો ખાઈમાં ગયો? આખરે થયુ શું એ કોઈ કહેશે અમને.....

सोमवार, 22 नवंबर 2010

સમાજકલ્યાણખાતુ અને તાંત્રિકોનું તરકટઃ બે માંથી કોણ વધુ હલકટ?ધર્મ ધનપ્રાપ્તિ માટેનો સૌથી સરળ રસ્તો છે. લક્ષ્મીની ઝંખના કરનારાઓ આ વાતનું મહાત્મય સારી પેઠે સમજી ગયા છે એટલે જ તો ડગલે ને પગલે જ્યાં નજર નાખો ત્યાં એકાદ સાધુબાવો, મંદિર કે આશ્રમ તો દેખાઈ જ જશે. મંદિરોમાં મુર્તિ એકાદ જ હશે અને કદાચ મુર્તિ તમારી પહોંચથી દુર હશે પણ ચારપાંચ વ્યુહાત્મક જગ્યાએ ગોઠવેલી દાનપેટીઓ ઠેબે ચડતી હશે. ‘ભેટની રકમ દાનપેટીમાં જ પધરાવવી’ એવી સલાહ એટલા માટે લખવામાં આવે છે કે દેવ આગળ ભેટ ધરશો તો પુજારી ગળશી જાશે અને પુજારી આ મંદિરનો એમ્પ્લોઈ હોઈ મંદિરના અસલ માલિક સુધી ગરાસ પહોચે એ માટે ભેટ દાનપેટીમાં પધરાવવી. જો કે આની પાછળ ‘અન્યથા તમારી ભેટ રદબાતલ ઠરશે’ એટલુ ઉમેરવામાં આવે તો મંદિર માલિકોને વધુ ફાયદો થાય એમ છે. અમે તો સુચન આપ્યુ, માનવુ ન માનવુ માલિકની મરજી.

ધર્મનો વ્યાપાર એટલી ઝડપે વૃદ્ધિ પામી રહ્યો છે કે બહુ નજીકના ભવિષ્યમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા મહાત્વાકાંક્ષી ઉદ્યોગસ્વામીઓ ભક્તોની લક્ષ્મીને આકર્ષવા વિશિષ્ટ મંદિરો ચણાવશે જેમાં દર્શનાર્થીએ રોકડ ભેટ નું જોખમ લઈને મંદિરે ન આવવું હોય કે બારોબાર આવેલા ભક્તના ખિસ્સામાં ભેટ માટેની રોકડ ન હોય તો તેમની સગવડતા ખાતર ગર્ભગૃહના ટોડલે જ ‘અહી ક્રેડિટકાર્ડ, ડેબિટકાર્ડ સ્ક્રેચ કરીને ભગવાનને ભેટ ધરાવી શકાશે’ વિજ્ઞપ્તિ લખવામાં આવી હશે.

બિઝનેસ ચેનલોમાં પણ રોકાણ માટેની સલાહ આપતા એક્સપર્ટ કહેશે કે તમારી પાસે બહુ નહી તો એકાદ વ્યવસ્થિત મંદિર બંધાવવા જેટલી પુંજી હોય તો એમ કરવું વળતરની અને સલામતીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ રોકાણ ગણાશે. ‘મંદિર બાંધવા માટે લઘુત્તમ વ્યાજદરે ધિરાણ આપવામાં આવશે, નો પેપરવર્ક, નો ગેરન્ટી રિક્વાયર્ડ. માત્ર સવા દિવસમાં જ ઘેર બેઠા લોન મેળવો અને શ્રી સવા કરો’ એવી બેંકોની જાહેરખબરોથી છાપા છલકાશે. વૈષ્ણોદેવી, તિરૂપતિ, શિરડીના મંદિરોની લઘુઆવૃત્તિઓ બધા શહેરોમાં નિર્માણ પામશે.

હાસ્ય વિનોદ બહુ થયો હવે જરા ગંભિર વાત કરીએ.

અત્યારે ધર્મના નામે રોકાણ વગર, નજીવા શ્રમે, વધુ વળતર આપતો ધંધો તાંત્રિકોનો છે. કામમાં સફળતાને લઈને અને એમનુ બાંધેલું કોઈ તોડી ન શકે એ માટે 100 ટકાથી લઈને 1000 ટકાની ગેરંટી આપતા તાંત્રિકોની જમાતની ટચુકડી જાહેરખબરથી રોજ ગુજરાતી છાપાનું અડધુ પાનું ભરાઈ જાય છે. તાળો મેળવો તો જરી, રોજ તાંત્રિકો જા.ખ. પાછળ કેટલા ખર્ચે છે.

ધર્મની તાંત્રિક શાખા પ્રત્યે અમારૂ ધ્યાન એટલા માટે ખેંચાયુ કે કાલે-પરમદિવસ અમદાવાદની નરોડા પાર્શ્વનાથ ટાઉનશીપ પાસે વૈભવી ધરણીધર વિલામાં રહેલા રાજેશ ઉનાકરે તેની પત્નિ અને બે બાળકો સમેત ચારેય જણાયે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી તેની સ્યુસાઇડ નોટમાં તેમણે આપઘાત માટે વિનુ નાયક નામના તાંત્રિકને જવાબદાર ઠેરવ્યો હતો. આ તાંત્રિકે રાજેશની સમસ્યાઓના ઉકેલ માટે વિધીઓના નામે રાજેશ પાસેથી પૈસા પડાવવાનું ચાલુ કર્યુ. એ પૈસેટકે ખાલી થઈ ગયેલા રાજેશ પાસેથી ઉઘરાણીઓ કરતો અને મારી નાખવાની ધમકી આપતો હતો. તાંત્રિક ગઠીયા હોય છે એ વાત તો હું જાણતો હતો પણ એ ગુંડાય હોય છે એની ખબર નહોતી.

અમે તાંત્રિકોની મોડસ ઓપરેન્ડીનો વર્ષો પહેલા અભ્યાસ કર્યો હતો. અઘોરી બાબા, સાંઈ જ્યોતિષી, કાલી ઉપાસક, હનુમાન ઉપાસક સિદ્ધ તાંત્રિકના ભળતાસળતા નામે તેઓ જાહેરખબર છપાવે છે. બાબા હોટલમાં ઉતરે છે અને જાહેરખબરમાં સંપર્ક માટે બોગસ નામે મેળવેલો મોબાઇલ નંબર છાપેલો હોય છે. મુલાકાત માટે ક્લાયન્ટ ફોન કરે એટલે બાબા કે બાબાનો અનુયાયી ફોનમાં બે-ત્રણ દિવસ પછીની એપોઈન્ટમેન્ટની તારીખ અને સમય લખાવી દે છે. વચ્ચેના બે-ત્રણ દિવસમાં ક્લાયન્ટના નંબરની મદદથી ક્લાયન્ટનું નામ-સરનામુ મેળવી લે છે અને બાબા એના માણસો દોડાવીને ક્લાયન્ટના એરિયામાં દોડાવીને છુપી રીતે ક્લાયન્ટના પરિવારની અછડતી હિસ્ટ્રી મેળવી લે છે. તાલિમ પામેલા બાબાના માણસો ક્લાયન્ટના પાસ-પડોશમાંથી ક્લાયન્ટના પરિવારના સભ્યોની સંખ્યા, તેમના નામ અને કામ જેવી શક્ય એટલી પ્રાથમીક જાણકારી મેળવી લે છે. દાખલા તરીકે, ક્લાયન્ટનું નામ રમેશચંન્દ્ર છે. એમનો 7 વર્ષનો દિકરો આશુ છે. રમેશચંન્દ્રના બે ભાંડુઓ સૌરાષ્ટ્રમાં આવેલા વતન પેથલપરમાં રહે છે, રમેશચંન્દ્રની પ્રાથમિક સમસ્યા વિશે જરા જાણવા મળે તો ઉત્તમ બાકી આટલુ ઇનફ છે.

બે દિવસ પછી રમેશચંન્દ્ર જેવા તાંત્રિક જ્યોતિષીની કેબીનમાં દાખલ થાય કે તરત તાંત્રિક કહેશે, ‘આવો રમેશભાઈ. દિકરો આશુ તો મજામાં છેને.’
રમેશચંન્દ્રઃ !!!
‘ગામડે પેથલપરમાં બધા સકુશળ તો છેને.’
રમેશચંન્દ્રઃ !!!
બાબાની દુરદ્રષ્ટિથી અવાક્ બનેલા રમેશચંન્દ્ર બાબાના ચરણોમાં માથુ મુકી દેશે. કોઈ દલીલ નહી, કોઈ શંસય નહી...તાહિમામ શરણાગતમ્.
‘રમેશભાઈ ચિંતાનું કોઈ કારણ નથી, તમને જરાક ફલાણા ફલાણાની નડતર છે, ફલાણી વિધી કરાવશુ એટલે બધી નડતર છુ થઈ ગઈ સમજો. ખર્ચ બહુ ઝાઝુ નથી ચાર-પાંચ હજારમાં પતી જશે.’

બાબાના ચમત્કારથી અભિભુત થયેલા રમેશચંન્દ્ર ફરી એકવાર બાબાના ચરણોમાં માંથુ નમાવીને વિધી માટે ‘હા’ ભણી દેશે. રમેશચંન્દ્ર વાંકી કેડે જ નમન કરતા બાબાના કમરામાંથી વિદાય લેશે અને બાબા ‘નેકસ્ટ્’ કસ્ટમરનું કાઉન્સેલિંગ કરશે. પછી નેકસ્ટ, નેકસ્ટ, નેકસ્ટ.... જધેલના તાંત્રિકોનું સંગઠિત તરકટ વર્ષોની ચાલે છે અને સમાજકલ્યાણખાતાને કોઈ પરવા નથી. બે માંથી કોણ વધુ હલકટ?

વર્ષો થયા ઓઢવ-અમદાવાદમાં માત્રા એક રેશનાલિસ્ટ મિત્રે એક જુનાગઢી બાબાને સમસ્યા નિવારણ માટે ઘરે બોલાવીને બાબાને મેથીપાક ચખાડ્યો હતો અને વારંવાર અમદાવાદમાં પધારવાની કૃપા કરતા આ બાબાને ફરીથી અમદાવાદમાં નહી ડોકાવાનું વચન લઈને જવા દીધો હતો એ વાતનું પણ અહી સ્મરણ થાય છે.