सोमवार, 23 अगस्त 2010

હે પ્રભો, બુડથલને બુદ્ધિ દયો



સોમનાથનું વિશેષ વળગણ. ભવ્ય મંદિર, મંદિરના કોટે અફળાતી અફાટ જળરાશિ, શરણાઈ-નગારા-ઝાલરના મધુર ધ્વની સાથેની આરતિ... મને મહાદેવ અને મહાસાગરને પ્રણિપાત કરવા માટેનું કાયમ ખેંચાણ રહે છે. સુર્ય આથમતીવેળાએ એકતરફ સુવર્ણજડિત લાગતા મંદિરના કાંગરાએ અંડિંગો જમાવતા સેંકડો કબુતરોનો મેળો, બીજી તરફ ક્ષિતિજ સુધી નજર નાખો ત્યાં સોનું પથરાયુ હોય તેવો આભાસ કરવતો મહાસાગર(આખો દિવસ મહાદેવના ચરણોમાં માથુ અફાળવાનું આ ઇનામ હશે)... રમણિય દ્દશ્ય જોતા ઘડીભર તમામ જીવનઆંકાંક્ષાઓ કોરાણે મુકાઇ જાય છે, સમય થંભી જાય છે, જીવનસંગીતનો વિખરાયેલો સુર ફરી તાલ સાથે સંગત મેળવી લે છે.


ગયા અઠવાડિયે એકલો સોમનાથ ગયો ત્યારેય બહાર ઘુઘવતા મહાસાગરની જેમ હદયમાં પણ ઉર્મિઓનો સાગર ઘુઘવતો હતો પણ આ વખતે એ મોજાઓનો વેગ અને ઉછાળો જરા મંદ હતા. આમ કેમ થયુ દૈવ.


પિનાકપાણી,
મદિરની શ્વેત દિવાલોના ગર્ભમાં શ્યામ રંગના લિંગને જોવા ટેવાયેલી મારી આંખો સુવર્ણજડિત મંદિરની ભિંતો અને અટ્ટાલિકાઓ તરફ પરાણે દોરવાઈ ગઈ. હાય, મહાદેવ સાથે નજર અનુસંધાન માટે તરસતી મારી આંખોને દિવાલ અને અટ્ટાલિકાઓ કેમ ખેંચી જાય છે. મહાદેવ, મહાદેવ...શું અમગળ થવા બેઠુ છે?
કોઈપણ મંદિરનું કેન્દ્રબિંદુ એના ગર્ભગૃહમાં સ્થાપેલા દેવ જ હોય, એની દિવાલો નહી. સુવર્ણ અલંકારોથી દેવને શણગારવાનો બધો અભરખો મુર્તિ નીચેના પેટાળમાં સોનુ-રૂપુ-નાણુ પધરાવીને પુરો કરવાની છુટ છે પણ દિવાલોને સુવર્ણથી અલંકારિત કરીને દેવ કરતા દિવાલોને વધુ મહત્વ આપવાની ચેષ્ટા મહાદેવ માફ ન કરો. મંદિરની સાત્વિકતાને હણવા તૈયાર થયેલા સોમનાથ ટ્રસ્ટના કારભારીઓને ડારો દયો પ્રભુ અને એમ કરતાય પાછા ન વળે તો અડબોથ જ ચોપડી દેજો.


પ્રભુ આ દાસની એક અરજ છે કે એને ધમકાવતા કે ધોલધપાટ કરતા પહેલા કારભારીઓ સાથે શાંતિમંત્રણા કરજો. અહિંસા પરમો ધર્મ પ્રભુ. એમને કહેજો કે સૌરાષ્ટ્રના મોટાભાગના દેવ-સ્થાનકોમાં સદાવ્રત ચાલે છે. સોમનાથ ટ્રસ્ટ જો મંદિરને સોને મઢવા જેટલુ સમૃદ્ધ થઈ ગયુ હોય તો ગુજરાતી થાળીના 25 રૂપિયા લેવાનું બંધ કરી દે અને વિનામુલ્યે હરિહરનો સાફ પડાવે અને આ ઉજળી પરંપરાને વધાવે.


પ્રભુ, અવિવેક માફ પણ બીજી એક વાતે આપનું ધ્યાન દોરવું છે. મંદિરમાં દાનબારી ખોલી છે તે બંધ કરાવી દો. મંદિરમાં તો માત્ર અને માત્ર દર્શન જ હોય. પ્લીઝ એમને કહો કે દાનનું કાઉન્ટર મંદિરની બહાર રાખે. બહુ ગુસ્સે થયા વગર પ્રેમથી વાત કરજો પ્રભુ, તમારી વાત એ માની જશે. મંદિરમાં સાંસારિક વ્યવહારોને સ્થાન કેવુ? ત્યાં તો ભક્ત અને ભગવાન, આત્મા અને પરમાત્માના મિલન શિવાય કશુ ન ખપો.


આજે તમને અરજ કરી છે ત્યારે ભેળાભેળ ત્રીજી એક નાની પણ અગત્યની વાત આપના કાને નાખ દઉ, પ્રભુ અમને તો એવી સમજણ મળી છે કે મંદિરમાં જવાનો મુખ્ય હેતું માનવને શાંતીના વાતાવરણમાં જાત સાથે સંવાદ સાધવાનો મોકો આપવાનો, આત્મસ્મરણ જગાવવાનો છે. મંદિરમાં ઘોંઘાટને વળી સ્થાન કેવું. પણ મહાદેવ, અહી આ લોકો માઇક ઉપર ધુન-ભજનની કેસેટ લગાવીને નકરો ગોકીરો કરે છે. શાંતિ મેળવવા માટે અને ભિતરી કોલાહલ ઉપર નજર નાખવા તમે અમને મંદિરનો આશ્રય આપ્યો, પણ બહાર કરતા તો અહી માઇક વધુ મોટા અવાજે ઘાંટા પાડે છે.


પિનાકપાણી, એતો અમને ખબર છે કે આપ અમારા દિલમા વાસ કરો છો એ અર્થે અમારે છેક સોમનાથ સુધી લાંબા થવાની જરૂર નથી, પણ પ્રભુ અમારૂ દિલ જ અમને તમારી તમારી કને મજબુરન ખેંચી જાય એનું શું? માવતર વછોયા સંતાન જેમ માવતરને ભેટવાનું સપનું સંજોતા હોય એમ અમે હે જગતપિતા, તારી કને દોડી આવીએ તો એમાં અમારો વાંક ન જોઈશ.


ઓહ પ્રભુ, હું તો મારા દુખને તારી આગળ ગાઈ બેઠો બાકી એ કંઈ તારાથી થોડુ છાનું રહે? ક્ષમા. સોમનાથ ટ્રસ્ટવાળા ડઠ્ઠર દિલના હોય અને તારી વાત ન માને તો એમને બહુ ઘઘલાવીશ નહી પ્રભુ, મને એ બધી અવ્યવસ્થા વચ્ચે રહીને પણ તારૂ આરાધન કરવાનું ગજુ આપી દે જે. બસ પછી... જાગીને જોઉ તો જગત દિસે નહી...જેવો ઘાટ થાય તો ગંગા નાહ્યા.