गुरुवार, 2 सितंबर 2010

ઝેરના ખવડાવનારાને અને ઝમીર ગીરવે મુકી દેનારાને શું કેવુ?


ચારેકોર એકબીજાને મહાત કરવાનું, લુંટી લેવાનું, પડાવી લેવાનું, ઓળવી જવાનું, દુ બનાવવાનું દંગલ ચાલે છે. આવુ દંગલ નિચતાની સરહદો વળોગી ગયુ છે. એની ભાટાઈ કરનારાઓનોય તોટો નથી.

તમે બાળકોને ખવડાવવા-પિવડાવવા દુધ-દહી-છાસ પેકીંગમાં બજારમાંથી ખરીદો છો. તે ખાદ્ય છે કે નહી તેની ખાતરી માટે તેને ઉપરતળે લખેલી ઉત્પાદન અને અવસાન(એક્સપાઇરી) તારીખ વાંચી લો છો અને ટીવીના પડદે વારંવાર જાહેરખબર ઉછળતી જોઈને તમે કંપની સ્ટાન્ડર્ડ હોવાનો સધિયારો મેળવો છો. પણ સબુર, ઉત્પાદન અને અવસાન તારીખ કાળી શાહીથી અંકિત કરેલી હોય છે. તમને ક્યાં ખબર છે કે આઉટડેટેડ થઈ ગયેલા માલને ઇનડેટ કરી શકાય છે. અને એય માત્ર શાહી ભુંસવાના એક રસાયણથી. કંપની રસાયણની મદદથી અવસાન પામેલી તારિખને ભુંસી નાખે છે અને નવી તારીખનો સિક્કો મારી દે છે. અને નીચના પેટની મોટાભાગની બ્રાંન્ડેડ-નોનબ્રાન્ડેડ કંપનીઓ આ રીતે ઉકરડાનો માલ મારા-તમારા પેટમા પધરાવે છે. આવી તેને શી જરૂર પડી. તો કે એના આકાઓને નફો વધારવો છે, ટર્નઓવર વધારવું છે અને પોતે મરી જાય એ પહેલા ટાટા-બિરલા-અંબાણીઓની યાદીમાં પોતાની જાતને ખાતે કરાવવી છે. જલ્દીથી લાખોની કંપનીને કરોડોમાં, કરોડોની કંપનીને અબજોમાં ગલોટિયા ખાતી કરવી છે. તેમણે સેવેલી આ ઉંધિયા વાનીની હાંડીમાં કડછો ફેરવાની ભુમિકા હરામના હમેલ એવા આજના મોટાભાગના મેનેજમેન્ટ ગુરૂ-ચેલાઓ નિભાવે છે.

6 મહિના પુર્વેની વાત છે. હું એક મોલમાં ખરીદી કરવા ગયો એમાં બિસ્કુટના રેકમાં એક જાણીતી બ્રાન્ડના 15 રૂપિયે પડીકુ ભાવના 4 પડીકા બિસ્કુટના બાંધાનો ભાવ 40 રૂપિયા રાખ્યો હતો. આ જ બ્રાન્ડના બિસ્કુટના પડીકા બાજુમાં છુટા પડ્યા હતા અને તે 15 રૂપિયે પડીકુ વેચાતા હતા. એક જ પ્રોડક્ટના બે ભાવ. મેં ધારીને જોયુ તો 15 રૂપિયાવાળા બિસ્કુટનું રેપર નવું હતું અને 40 રૂપિયે બાંધો બિસ્કુટનું રેપર ઘણુ જુનું. એના રેપરનો રંગ ઘણોખરો ઉડી ગયો હતો અને બાહ્ય દેખાવ જોતા એમ જ લાગે કે પાંચ-દસ વરસ જુનો માલ હશે. મને શક જતા મેં ઉત્પાદન-અવસાન તારિખ જોઈ પણ આશ્ચર્ય, ઉત્પાદન તો તાજેતરનું જ હતું. મેં એકબાંધો ખરીદ્યો. એ બિસ્કુટ ખાધા ત્યારે એમાં મુળભુત ટેસ્ટ ગાયબ હતો પણ એમ કેમ થયુ તે તે વખતે નહોતું સમજાયું.
સમજાયુ તાજેતરમાં બજારમાંથી દહીની પડીકુ લાવ્યો ત્યારે. દહીનો મુળભુત ટેસ્ટ ગાયબ જોઈને મેં ઉત્પાદન-અવસાન તારિખ જોઈ. અહો આશ્ચર્યમ્, ગદ્યનુ તારિખ જોડે અડપલું દીઠું.

સજ્જનો અને સન્નારીઓ, ઉત્પાદન-અવસાન તારિખ લખવા ભુંસવાનું કામ માત્ર દુધ-દહી-છાસ-ઘી પુરતુ સિમિત નથી. ચવાણા, વેફર્સ, બિસ્કુટ, દવાઓ...કંઈક ઉત્પાદનોમાં આ તકનિક ઉપયોગમાં લેવાઈ રહી છે. ઇ ઝેરના ખવડાવનારાને, ઈ ઝમીર ગીરવે મુકી દેનારાને, જીવાતની પ્રજાતિ કરતાય નીચે ગયેલા કમબખ્તોને શું કેવું એની ગમ પડતી નથી અને ગાફેલને એલફેલ બોલવાનું અમારૂ ગજુ નથી. છતાય ગાફિલ ગાઈ ગયા કે, તમે કેમ છો ગાફેલ હજુયે છો ગાફેલ, જુઓ બદલે દુનિયા તકાજે તકાજે.

સાંભળો વાત અહી પુરી નથી થતી, વધુ એક અગત્યની પણ આડવાત કરવી છે. મારા ગામની વસ્તી વીશેક હજાર આસપાસની હશે. 95 ટકા ગામનો ગુજારો ખેતીવાડી પર થાય. બાકીના પાંચ ટકામાં સુરત જઈને હિરા ઘસે કે મારા જેવા ટેલટપારીયુ કામ કરે. મારા ગામમાં સેંકડો ગાયો-ભેંસો છે છતા બપોરવરત દુધની જરૂર પડે તો કશેથી ન મળે અને કરિયાણાની દુકાનેથી પડીકાવાળુ દુધ લેવુ પડે છે. અમુક વરસ પહેલા હતી એટલી ગાયો-ભેંસો અને ગૌચર ચરાણમાં વરસો જતા ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. પહેલા મારા ગામમાં આઠદીએ ઘી ઉના કરતા, હવે કોઈ ઘી ઉનુ કરતુ જોવા નથી મળતું. આ કહાણી મારા ગામની એકલાની નથી. મહદઅંશે આખા ગુજરાતની અને કવચિત આખા દેશની છે. તો અંતતોગત્વા મારાભાઈ અને મારીબાઈ, અમારા ગામની ગાયુ-ભેંશ્યુ અમારા ગામની વસ્તીને દુધમાં નથી પહોંચી વળતી તે મુંબી, અમદાવાદ અને સાગરપાર ગલ્ફના દેશો માટે એની માના નેફામાંથી દુધ આવવાનું હતું. હા, કેટલાક જણ પૈસા વધારે મળે ઇ લોભે ગામમા દુધ આપવાને બદલે ડેરીમાં દુધ ભરી દયે છે ઇ હાચુ. પણ એમ ચાંગળે દુધે અબજો પરજા કંઈ દુધે વાળુ કરવાની હતી ? રામ ક્યો મારાભાઈ.

ખેર, તમતમારે ઉજળુ એટલું દુધ ગણવુ હોય તો ના કોણ પાડે છે. અમારે તો ટેસડો છે, અમે તો એયને મજેથી મમરા ફાંકીએ છીએ ખાટલે આડા પડીને.