गुरुवार, 15 जनवरी 2009

મહુવા મઘ્યે વિશ્વધર્મસંવાદ

મારૂ ગામ(ભાદ્રોડ) મોરારીબાપુના ગામ તલગાજરડાથી માત્ર ૪ કિલોમીટર દુર છે. નાનપણથી અત્યાર લગી મોરારીબાપુની કથાવાર્તામાં ડઝન કરતા વધારે વખત ઉપસ્થિત રહ્યો છું. અહી બદલાતા કાલચક્ર સાથે ભિંત, ખોરડા, માણસો... બધુ બદલાતું જોયું છે. મોરારીબાપુ છેલ્લા કેટલાક વર્ષોથી રામકથાના ગાનની સાથે સાથે સ્વાન્તઃ સુખાય ઘણી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ગોપીગીત પઠન, અસ્મિતા પર્વ, સંસ્કૃત પર્વ, વગેરે દ્રારા. એમાં તારિખ ૬થી ૧૧ જાન્યુઆરી ૨૦૦૯ દરમિયાન વિશ્વધર્મ સંગોષ્ઠિનું આયોજન કરીને પ્રવૃતિઓના ઝુમખામાં વધુ એક છોગુ ઉમેર્યુ હતું. મહુવાની માલણ નદીના તટે આવેલા કૈલાશ ગુરૂકુળમાં ‘વર્લ્ડ રિલિજિયન્સ ડાયલોગ એન્ડ સિમ્ફની ઃ ઘર્મસંવાદ’ના બેનર નીચે બૌધ્ધ, સુફી, ખ્રિસ્તિ, ઝેન, જૈન, મુસ્લિમ, હિન્દુ, શિખ, પારસી ધર્મના વડાઓને ભેગા કરીને પરસ્પર ધર્મસંવાદ રચવાનો કાર્યક્રમ હતો. અહી તારિખ ૬થી ૮ જાન્યુઆરી સુધી ત્રણ દિવસની મારી હાજરીમાં મેં અહી જે જોયુ, જાણ્યુ તેનાથી વાચકોને અવગત કરવાનો પ્રયત્ન કરૂ છું.

...અને કૈલાસ ગુરૂકુળ તિબેટિયન છાવણીમાં ફેરવાયું ‘વિશ્વ ધર્મસંગોષ્ઠિ’નું ઉદ્દઘાટન દલાઈ લામાના હસ્તે તુલસીના છોડને ગંગાજળ પાઈને કરવાનું હતું. દલાઈ લામા સાથે સેંકડો તિબેટીયનોનો કાફલો પધાર્યો હતો. વાતાવરણ એવું હતું કે જાણે તમે તિબેટ કે ધર્મશાલા મધ્યે વિહરી રહ્યા છો. ઉદ્દઘાટન વક્તવ્યમાં દલાઈ લામાએ કરેલી ત્રણ વાતો ટાંકુ છું ‘સાયન્સ અને અૌધોગિક વિકાસ ચરમસીમાએ છે પણ અધ્યાત્મિક વિકાસ નથી થતો તેનું કારણ એ છે કે અધ્યાત્મિક વિકાસ પાંચ ઈન્દ્રિયોની પરે છે. પશુંના સુખદુખ ભૌતિક વિકાસથી શક્ય છે કારણ કે તેમની પાસે મન નથી. મનુષ્ય મનોભુમિમાં વિચરણ કરે છે તેથી તેના સુખદુખનો ઈલાજ ભૌતિક વિકાસથી શક્ય નથી.’ ‘ભૌતિક વિકાસથી ક્યારેક ઉંધો પ્રભાવ પડે, અતિ ભૌતિક વિકાસથી માનવીની તૃષ્ણા અને લોભ વધે છે. અને તેની પુર્તિ માટે તે મન, શરીર, વચનથી વધુ ભૌતિક ક્રિયાઓમાં વધુ મચી પડે છે અને સરવાળે દુખી જ રહે છે.’ ‘મન સ્થિર હોય તે સુખી રહે છે એમ આજનું દાક્તરી વિજ્ઞાન પણ કહે છે અને મનની સ્થિરતા અને એકાગ્રતાનું નિયમન ભૌતિક વસ્તુઓથી થઈ શકતું નથી. જે કુટુંબમા મૈત્રી, કરૂણા, સંતોષ હોય તે કુંટુંબ, પરિવારમાં વધુ શાંતિ રહે છે તે વાત સ્પષ્ટ છે. મૈત્રી, કરૂણા એ ચિત્તની દેણ છે, તેને કારખાનામાં ઉત્પાદિત કરી શકાતી નથી, સ્વયં ઉત્પાદિત કરવી પડે છે.’ દાર્શનિક મતભેદો ઉદ્દભવવા અંગે લામાએ લાજવાબ વાત કરી હતી. તેઓ કહે છે કે મનુષ્યની ચિત્તવૃત્તિ, ક્ષમતા, વાસના ભિન્નભિન્ન હોય છે. તેથી રૂચિ અનુસાર દર્શન સંભળાવીને મૈત્રી કરૂણા ઉત્પન્ન કરવાનો બુદ્ધનો ઉદ્દેશ રહ્યો છે. ધર્મ અને રાજનિતિના ગઠબંધનની પણ લામાએ ખબર લઈ નાખી, રાજનિતિક અને આર્થિક અસંતુલન સર્જાય ત્યારે રાજનિતિ ધર્મને સાથે લઈને હેતું અંકે કરે છે. અંતમા લામાએ ધર્મસભાને ચુંટલી ખણતા સંભળાવી દીધુ કે આ સભા ભાષણબાજી અને ડોક્યુમેન્ટનું સ્વરૂપ બનીને અટકી ન જાય. લામાની ભિતિ સાચી ઠરી એમ કહી શકાય? ખેર, દલાઈ લામાના ગમન સાથે તિબેટિયનો પણ અદ્દષ્ય થઈ ગયા. બે નેતાઓની વાત પુરી થઈ અને ધર્મચર્ચાનો પહેલો દિવસ સમાપ્ત થયો. હવે દેશી શ્રોતાઓ વધ્યા હતા. નગીનદાસ સંઘવીએ ‘ધર્મસંવાદનું મથાળું બાંધતી વખતે કહ્યુ કે વ્યક્તિ અને સમાજને યોગ્ય આકાર આપવામાં મુખ્ય ફાળો ધર્મનો રહ્યો છે અને ધર્મ બધા રિવોલ્યુશનનો મુખ્ય પાયો રહ્યો છે. નગીનદાસે આ સાથે કાંચીપીઠના શંકરાચાર્ય ધર્મસભામાં નાદુરસ્ત તબિયતને કારણે હાજરી આપી શકે તેમ નથી એમ કહીને સભામધ્યે શંકરાચાર્યનો સંદેશ વાંચી સંભળાવ્યો. મોરારીબાપુએ પ્રાસંગિક પ્રવચનમાં સંવાદ માટે વિવેક, વૈરાગ્ય અને વિચારની આવશ્યકતા ગણાવી. બાપુને દલાઈ લામાની ભાષણબાજી અને ડોક્યુમેન્ટના નામે લીધેલી ચુંટણી જરા અકારી લાગી હશે કે મુઠ્ઠી પછાડીને કહી દીધુ કે અમે તો બીજ ફેંકી રહ્યા છીએ પછી તો વાદળ જાણેને જાણે વસુંધરા. પહેલા દિવસે સાંજે ૬ વાગ્યે ધર્મસભા વિખેરાઈ એ પહેલા જાહેરાત કરવામાં આવી કે આવતીકાલથી દરરોજ સવારે ૧૧થી ૧૨.૩૦ કલાક સુધી પ્રશ્નોતરીકાળ રહેશે. એમાં એક શ્રોતાએ બાપુ ઉપર પસ્તાળ પાડી અને બીજા દિવસે પ્રશ્નોતરીકાળમાં પ્રશ્ન ઉઠાવ્યો કે બાપુને માલુમ થાય કે વિવેક, વૈરાગ્ય અને વિચાર માનવમાં જે માનવમાં હોય તેને સંવાદની જરૂર જ ક્યાં છે?
 
બાપુ કુટીરે મહેફિલ મંડાણી 


રાત્રીભોજ લઈને ઉતારે ગયો ત્યા સંદેશ મળ્યો કે બાપુની કુટિરમાં ડાયરો જામ્યો છે. સાંકડ મુકડ ગોઠવાયેલા શ્રોતાગણમાં હું પણ જઈ બેઠો. બાપુ હિંડોળા ખાટે મંદ ગતિએ ઝુલતા હતા. કવિગણો બાપુના સાનિધ્યે કવિતમાં ઝુલતા હતા. બાપુભક્તો બાપુ તરફે ટકટકી લગાવીને સમીપસુખ માણ્યાની ધન્યતા અનુભવતા હતા. કવિત રસિક શ્રોતાગણ વાહ, વાહ કરીને કવિઓને પાનો ચડાવતું સાહિત્ય મસ્તીમાં ઝુમતું હતું. એવામાં આઈસક્રિમના કટોરાઓ ફરતા થયા, જાણે સોનામાં સુગંધ ભળી. ઘણી ઉંમરે ઝાઝું લખતા કાન્તિ ભટ્ટ બાપુની જમણી પા બેઠા ભિખુદાન ગઢવીને થાવા દ્યો કરતાકને ચારણી સાહિત્યને બે બોલમાં નવાજતા હતા. કશીક ઉતાવળમાં હોઈ ભટ્ટ બાપાએ ડાયરાને વચ્ચેથી રામ રામ કરીને કુટિર છોડી. ભિખુદાનભાઈને પહાડી ગળાને ચારણી ઢાળમાં દદડતું મુક્યું. કવિ માધવ રામાનુજે ગોપીભાવને પ્રગટ કરતા કવિત લલકાર્યા એવામાં જલન માતરી પધાર્યા એટલે રામાનુજે ખુરસી ખાલી કરીને માતરીને ધરી અને પોતે પછવાડે બેઠા. રામાનુજે ખુરસીએથી ઉભા થઈને જલન માતરીનો ટુંક પરિચય આપ્યો. બાપુની અને બાપુની આસપાસ બિરાજેલા અન્યોની ફરમાયેશના આધારે જલન માતરીએ ખિસ્સામાંથી ડાયરી કાઢીને ‘હું એટલા માટે નાસ્તિક નથી થયો જલન કે અલ્લાહ હશે તો કોક દિ કામ આવશે’...એક પછી એક ગઝલ છેડી. છેવટ કવિત અને આઈસ્ક્રિમનો બેવડો સ્વાદ માણતા સુવા માટે સૌ છુટા પડ્યા.


સવાલ જવાબોની છુટ્ટી મારામારી 


પશ્નકાળ દરમિયાન મુમુક્ષુઓ પ્રશ્નો પુંછવા માટે અને મહાનુભવોમાં લાંબા જવાબો આપવા માટે તલપાપડ જોયા. નગીનદાસજીએ સંચાલક તરીકેના અધિકારનો ઉપયોગ કરીને ધર્મગુરૂઓને ‘પ્રશ્નનો ટુંકમાં જવાબ આપવા જેથી વધુમાં વધુ સવાલો સમાવી શકાય’ એવી વારંવાર અપીલ કરવી પડી. પણ એનું પરિણામ અમે કાંઈ જોયુ નહી. અમુક ધર્મગુરૂ સવાલનો જવાબ આપવો પડતો મુકીને અમથી અમથી વાતોમાં અડધો કલાક કાઢી નાખતા હતા અને કરગરતા સુરે નગીનદાસે ટુંકમાં જ જવાબો આપવાની પ્રાર્થનાનું પુનરાવર્તન કર્યે રાખ્યું હતું. નિમંત્રણ આપીને બોલાવેલા અતિથિઓ સાથે અવિવેક ન કરવો ઘટે એમ માનીને. મોટાભાગના કેટલાક પ્રશ્નકર્તા પણ ચાલાક નિકળ્યા, જવાબ પોતે જાણતા હોય છતા નેતાગણની કસોટી કરવા સવાલ પુંછતા હતા. સંવાદ ક્યાંય નહોતો, હમામમે સબ નંગે જેવો ઘાટ અમને જણાતો હતો. કાન્તિ ભટ્ટે ખિસ્તિ વડાને તાકીને સવાલ કર્યો કે હાલ ઘણા ઇસાઈઓ ઈસ્લામ તરફ વળી રહ્યા છે, આવું કેમ થઈ રહ્યુ છે? રાજકોટથી પધારેલા વલ્લભ કથિરિયાએ સ્વ પરિચય આપીને પ્રશ્ન કર્યો કે એક જ ધર્મ ‘માનવ ધર્મ’ અને બાકી બધા પંથો છે એવું રિઝોલ્યુશન પાસ કરીએ તો કેમ? મુંબઈથી પધારેલા રમેશ ઓઝાએ ક્લેશ ઓફ સિવિલાઈઝેશનને લઈને સવાલ કર્યો. કોઈએ સુફી વડાને પુછ્યુ કે જેહાદ અને કાફિર શબ્દનો અર્થ સમજાવવામાં આવે. જૈન મુનિએ બિશમને પ્રશ્ન કર્યો કે મુંબઈમાં મારી પાસે ઘણી બહેનોએ આવીને જણાવ્યું હતું કે અમને મિશનરી સ્કુલોમાં કપાળે તિલક, હાથમાં બંગડી અને મહેંદી લગાવવા દેવામાં આવતી નથી. જવાબમાં બિશપે આવી કોઈ પ્રથા અસ્તિત્વમાં હોવાનો ઈન્કાર કર્યો હતો અને મુંબઈના વડા સાથે વાત કરીને આ પ્રથા દુર કરવાની બાંહેધરી આપી હતી. મેં પણ એક ચિઠ્ઠિમાં સવાલ લખી મોકલ્યો હતો ઃ બધા ધર્મગૂરૂઓ વારાફરતી તેમના ધર્મમાં ઘુસેલા દુષણો ગણાવે. મારો સવાલ પુંછાયો નહોતો અને સભાનો રંગ જોતા એનો રંજ રાખવા જેવો નહોતો.


સિતારો ચમકી ગયો 


ધર્મસભામાં ધર્મશાળાથી આવેલા બૌધ્ધ ધર્મની વજ્યાન શાખાના વડા પ્રો. સામધોંગ રિમ્પોચ સૌનું દિલ જીતી ગયા. હું અને ધર્મસંવાદ સધાશે એવી આશા લઈને આવેલા લોકો પૈકી મહદઅંશે મારી આ વાત સાથે સંમત હશે. રિમ્પોચે લોકોના હદયને સ્પર્શી ગયા. ધર્મના નામે થતા ડખા વિશે રિમ્પોચેએ કારણ આપ્યુ હતું, ‘મોટાભાગના ડાયલોગ મોનોલોગ બનીને રહી જાય છે. કહેવાવાળો પોતાની વાસના મુંજબ કહેવું છે તે કહી દે છે અને સાંભળવાવાળો વાસના મુંજબ સાંભળી લે છે. બુદ્ધ ઉપદેશ આપતા પહેલા ચેતવણી આપે છે કે હું જે કંઇ કહેવા જઈ રહ્યો છું તેને સુવર્ણની જેમ તપાવીને તપાસીને પરિક્ષણ કરો. વિવેકથી પરિક્ષણ કરીને માનો. એવું નહી કે બુદ્ધે કહ્યુ તેથી સાચુ હશે એમ માની લેવું. કેટલીક શુક્ષ્મ વાતો સરળ શબ્દોમાં રજુ કરતા રિમ્પોચેએ કહ્યુ હતુ કે લાલ, પિળા વસ્ત્રો પહેરેલા વૃદ્ધે કહેલું સાચુ હશે એમ માની નહી લેતા. એ વિવેકશીલનું લક્ષણ નથી. ધર્મહાનિ વિશેનો રિમ્પોચેનો ઉમદા વિચાર ઃ બુદ્ધ મુર્તિઓને તોડી નાખવાથી બૌધ્ધધર્મ નષ્ટ નથી થઈ જતો, મૈત્રી, કરૂણાને તોડવાથી નષ્ટ થાય છે. પોતાના ધર્મમાં પ્રતિષ્ઠિત થઈ ગયા પછી તેને બીજા ધર્મમાં દોષ દેખાતો નથી. ટોલરન્સ નહી, સમભાવ રાખવો જરૂરી છે. ધર્મગૂરૂઓ પુરા દિવસ રોકાતા નહોતા, મોટાભાગના તેમનું ભાષણ પતે એટલે નિકળી જવાનું ઉચીત સમજતા હતા. રિમ્પોચેની વિદાય સાથે ત્રીજા દિવસે ઓડિયન્સની હાજરીમાં પણ ઘટાડો નોંધાયો હતો. ઘણાને તો ખાનગીમાં એમ કહેતા સાંભળ્યા કે રિમ્પોચના જવા સાથે ધર્મ સંવાદ અહી પુરો થાય છે. તાઓ ધર્મના પ્રતિનિધિ ડો. શુ હિકોસાકાએ ભાષણ માટે ૧૨ પાનાનું વૃતપત્ર તૈયાર કર્યુ હતું. એમાં ૧૦ પાના હિરોશિમા અમે નાગાસાકી શહેર ઉપર થયેલા અણુપ્રયોગ અને તેની અસરો વિશેના હતા. બે પાનામાં ધર્મોપદેશ તૈયાર કર્યો હતો. ધર્મો પદેશમાં તેઓ વિવિધ સંતોના અવતરણો અને ફિલસુફી ટાંકીને લાવ્યા હતા. મને અણુપ્રયોગ વિશેના નિબંધમાં રસ પડતા તેમની પાસેથી વૃતપત્રની એક કોપી મેળવી લીધી હતી.

 
છેલ્લો કટોરો...


અંતે વાત ભલે સુગાળવી લાગે તોપણ એ વાત કરવી પડે તેમ છે. કૈલાસ ગૂરૂકુળ માલણ નદીના કાંઠે આવેલું છે અને માલણ નદી મહુવાના શિમાડે સુકી પડી છે. મહુવાથી કૈલાસ ગૂરૂકુળ જતા નદી વળોટવી પડે છે. પહેલા દિવસે નદી વળોટતા જોયું તો મહુવા તરફના નદી તટે રસ્તાની બાજુમાં એક મરેલું કુતરૂ પડ્યું હતું. અતિ દુર્ગંધ વર્તાતી નહોતી તેથી માન્યુ કે કુતરૂ તાજેતરમાં મર્યુ હોવું જોઈએ. ત્રીજા દિવસે ગુરૂકુળ છોડ્યું ત્યારે એ કુતરાનો મૃતદેહ યથાવત ત્યાંજ પડ્યો હતો. એ ક્ષણે એક કંપારી સાથે તીવ્ર વિચાર ઘુમરાયો ઃ બધા ધર્માચાર્યો અને શ્રોતાજનો ધર્મસંવાદ માટે આ રસ્તેથી જ પસાર થાય છે. ત્રણ દિવસના ધર્મસંવાદમાં બધા ધર્માચાર્યોએ એક વાત કોમન કહી હતી કે અમારો ધર્મ પ્રેમ, દયા, કરૂણા, પરોપકાર, મૈત્રી શિખવે છે. અને મુમુક્ષુઓએ આ વાત પર તાળીઓ પાડી હતી. કુતરાના મૃતદેહને ત્રીજા દિવસે એજ સ્થાને પડેલો જોઈને થયુ કે આને ગતિ ન આપી શક્યા તેઓ વૈશ્વિક સિમ્ફની સર્જવાની વાતો કેમ કરે છે? કેમ સાંભળે છે?

शुक्रवार, 2 जनवरी 2009

નેતા સાથે નાતરૂ કર્યા પછી નાગાઈ કેમ?


રાજનેતાઓને ગાળો દેવી આજે અહોભાવની વાત ગણાય છે. આપણા નેતાઓ જાણે ગલીનું રખડુ કુતરૂ હોય એમ બધા કિલોકિલોની ગાળો ફટકારે છે. 

નેતાઓને ભાંડતી વખતે આપણે ભુલી જઈએ છીએ કે નેતાઓ દેશ, સમાજની કરોડરજ્જુ છે. નેતાઓની લાકડીએ આપણે ચાલીએ છીએ કે ચાલવું પડે છે. નેતાઓ કાયદાઓ અને નિતિઓ ઘડે છે. નેતાઓ પ્રત્યે નફરત વ્યક્ત કરીને શું આપણે એવું સિદ્ધ કરવા માંગીએ છીએ કે નેતાઓની આ દેશને જરૂર નથી?

તો પછી દેશ કોને નટનટીઓને હવાલે કરીશું? આપણે સમાજ જાણે કે દુધે ધોયેલો અને નેતા લોક ગામનો ઉતાર હોય એવું દેખાડવું છે? નેતાઓને આપણે બે ગાળો ભાંડીએ એથી સરવાળે એવું સાબિત થાય છે કે આપણે ચાર ગાળના હક્કદાર છીએ એ વાત આપણને કોઈ દેવદુત આવીને સમજાવશે? કુલડીમાં ગોળ ભાંગવાની મથામણ કરતા પહેલા આપણે એ પ્રાચીનસુત્ર ‘યથા રાજ તથા પ્રજા’ કેમ ભુલી જઈએ છીએ? જેવા રાજા તેવી પ્રજા અને જેવી પ્રજા તેવા રાજા બંને વાત સમાંતરે ચાલે છે.
કરોડોના ઘોટાળા ઘપલાઓનો જેમના ઉપર આરોપ છે અને અમરસિંહ જેવા જેમના મિત્રો છે તે અમિતાભ જેવા નટનટીઓ અહી આદર્શ ગણાય છે. તેનું નામ જનજનને મોઢે કંટસ્થ હોય છે. જાત નિચોવીને સેવા કરતા નેતાઓ ઘણા છે પણ તેમાના કેટલા સમાજના આદર્શ છે? અરે ‘નેતા’ શબ્દને જ આપણે તો ગાળ બનાવી દીધો છે.

આપણે બધા દેવના દિધેલા અને નેતાઓ કોઈ પાતાળ લોકમાંથી ફુટી આવેલા અસુરો હોય એવું ચિત્ર આપણે ખડું કર્યુ છે.  જે નેતાએ સેવા માટે ખરા અર્થમાં જાત ઘસી નાખી હશે તે આપણા પ્રતિભાવો મેળવીને કેટલો રિબાતો હશે એની આપણે દરકાર કરી છે કદી?
આપણે નેતાઓને ખાસડા મારીને નટનટીઓને ફુલહાર ચડાવીએ એ પ્રજા છીએ. ચારિત્રહિન અને જેનું સત્વ સાવ ખવાઈ ગયું છે તેવા નટનટીઓને આપણે આપણા આદર્શ બનાવ્યા છે તેના મંદિરો બનાવ્યા છે. તેમના વિશે કલાકો સુધી આપણે રસપ્રદ વાતો કરીએ છીએ. અને નેતાઓને ખાસડા મારવાની, હુતાત્મા ચોકમાં કોરડા ફટકારવાની અને કોઈ કોઈ ક્ષણે માનવબોંબ બનીને ‘નેતા’ જાતને ઉડાવી દેવાની વાત કરીએ છીએ.
સમાજમાં નેતાઓ માટે એટલી નફરત પેદા કરીએ છીએ કે આપણા સંતાનો નેતા શબ્દ સાંભળીને ભડકે છે. નેતા સમાજ માથે શાસન કરે છે, સમાજનો સૌથી શકેિતશાળી વર્ગ છે, તેમને આદર આપવો જોઈએ. નિષ્ઠાવાનોને નેતા બનવા ઉશ્કેરવા જોઈએ. 

કવિ, કલાકાર કે અન્ય કર્મશીલ કરતા નેતા સમાજની વધુ કિંમતી જણસ છે તે વાત સમજાવી જોઈએ. સારા લોકો નેતા બને તેવા વાતાવરણનું નિર્માણ કરવુ જોઈએ. નહી ગમતા નેતા પ્રત્યેનો તિરસ્કાર સમાજને ઠપકો આપીને વ્યક્ત કરવો જોઈએ. નેતા તરફે આંગળી ચિંધતા પહેલા આપણા સમાજ સામે આંગળી ચિંધવી જોઈએ. કારણકે તેના એવા નેતાઓને તે સ્થાને બેસાડનાર સમાજ દોષી છે. અમરસિંહો, નટવરસિંહો, સુખરામોને આપણે આપણા શાસકો તરીકે પસંદ કર્યા હતા. આવી પસંદગી માટે સમાજને હુતાત્મા ચોકમાં કોણ લઈ જશે? આપત્તિને સામે જોઈને શાહમૃગની જેમ રેતીમાં માંથુ છુપાવીને પછી સાધના કરી રહ્યા હોવાનો ડોળ કરવાના વલણમાંથી આપણને કોણ બહાર કાઢે?