शुक्रवार, 2 जनवरी 2009

નેતા સાથે નાતરૂ કર્યા પછી નાગાઈ કેમ?


રાજનેતાઓને ગાળો દેવી આજે અહોભાવની વાત ગણાય છે. આપણા નેતાઓ જાણે ગલીનું રખડુ કુતરૂ હોય એમ બધા કિલોકિલોની ગાળો ફટકારે છે. 

નેતાઓને ભાંડતી વખતે આપણે ભુલી જઈએ છીએ કે નેતાઓ દેશ, સમાજની કરોડરજ્જુ છે. નેતાઓની લાકડીએ આપણે ચાલીએ છીએ કે ચાલવું પડે છે. નેતાઓ કાયદાઓ અને નિતિઓ ઘડે છે. નેતાઓ પ્રત્યે નફરત વ્યક્ત કરીને શું આપણે એવું સિદ્ધ કરવા માંગીએ છીએ કે નેતાઓની આ દેશને જરૂર નથી?

તો પછી દેશ કોને નટનટીઓને હવાલે કરીશું? આપણે સમાજ જાણે કે દુધે ધોયેલો અને નેતા લોક ગામનો ઉતાર હોય એવું દેખાડવું છે? નેતાઓને આપણે બે ગાળો ભાંડીએ એથી સરવાળે એવું સાબિત થાય છે કે આપણે ચાર ગાળના હક્કદાર છીએ એ વાત આપણને કોઈ દેવદુત આવીને સમજાવશે? કુલડીમાં ગોળ ભાંગવાની મથામણ કરતા પહેલા આપણે એ પ્રાચીનસુત્ર ‘યથા રાજ તથા પ્રજા’ કેમ ભુલી જઈએ છીએ? જેવા રાજા તેવી પ્રજા અને જેવી પ્રજા તેવા રાજા બંને વાત સમાંતરે ચાલે છે.
કરોડોના ઘોટાળા ઘપલાઓનો જેમના ઉપર આરોપ છે અને અમરસિંહ જેવા જેમના મિત્રો છે તે અમિતાભ જેવા નટનટીઓ અહી આદર્શ ગણાય છે. તેનું નામ જનજનને મોઢે કંટસ્થ હોય છે. જાત નિચોવીને સેવા કરતા નેતાઓ ઘણા છે પણ તેમાના કેટલા સમાજના આદર્શ છે? અરે ‘નેતા’ શબ્દને જ આપણે તો ગાળ બનાવી દીધો છે.

આપણે બધા દેવના દિધેલા અને નેતાઓ કોઈ પાતાળ લોકમાંથી ફુટી આવેલા અસુરો હોય એવું ચિત્ર આપણે ખડું કર્યુ છે.  જે નેતાએ સેવા માટે ખરા અર્થમાં જાત ઘસી નાખી હશે તે આપણા પ્રતિભાવો મેળવીને કેટલો રિબાતો હશે એની આપણે દરકાર કરી છે કદી?
આપણે નેતાઓને ખાસડા મારીને નટનટીઓને ફુલહાર ચડાવીએ એ પ્રજા છીએ. ચારિત્રહિન અને જેનું સત્વ સાવ ખવાઈ ગયું છે તેવા નટનટીઓને આપણે આપણા આદર્શ બનાવ્યા છે તેના મંદિરો બનાવ્યા છે. તેમના વિશે કલાકો સુધી આપણે રસપ્રદ વાતો કરીએ છીએ. અને નેતાઓને ખાસડા મારવાની, હુતાત્મા ચોકમાં કોરડા ફટકારવાની અને કોઈ કોઈ ક્ષણે માનવબોંબ બનીને ‘નેતા’ જાતને ઉડાવી દેવાની વાત કરીએ છીએ.
સમાજમાં નેતાઓ માટે એટલી નફરત પેદા કરીએ છીએ કે આપણા સંતાનો નેતા શબ્દ સાંભળીને ભડકે છે. નેતા સમાજ માથે શાસન કરે છે, સમાજનો સૌથી શકેિતશાળી વર્ગ છે, તેમને આદર આપવો જોઈએ. નિષ્ઠાવાનોને નેતા બનવા ઉશ્કેરવા જોઈએ. 

કવિ, કલાકાર કે અન્ય કર્મશીલ કરતા નેતા સમાજની વધુ કિંમતી જણસ છે તે વાત સમજાવી જોઈએ. સારા લોકો નેતા બને તેવા વાતાવરણનું નિર્માણ કરવુ જોઈએ. નહી ગમતા નેતા પ્રત્યેનો તિરસ્કાર સમાજને ઠપકો આપીને વ્યક્ત કરવો જોઈએ. નેતા તરફે આંગળી ચિંધતા પહેલા આપણા સમાજ સામે આંગળી ચિંધવી જોઈએ. કારણકે તેના એવા નેતાઓને તે સ્થાને બેસાડનાર સમાજ દોષી છે. અમરસિંહો, નટવરસિંહો, સુખરામોને આપણે આપણા શાસકો તરીકે પસંદ કર્યા હતા. આવી પસંદગી માટે સમાજને હુતાત્મા ચોકમાં કોણ લઈ જશે? આપત્તિને સામે જોઈને શાહમૃગની જેમ રેતીમાં માંથુ છુપાવીને પછી સાધના કરી રહ્યા હોવાનો ડોળ કરવાના વલણમાંથી આપણને કોણ બહાર કાઢે?

कोई टिप्पणी नहीं: