शनिवार, 5 जून 2010

ગગલા ન થાવ અને અમને કિકલા ન સમજો તો સારૂ

સ્વર્ણિમ ગુજરાતનો વાયરો તેજીથી ફુંકાઈ રહ્યો છે. ચારે કોર જય હો, જય હો, ના નારાઓ ગુંજી રહ્યા છે. ભાટચારણો ગુજરાતમાં રોકાણનું સ્તુતિગાન કરી રહ્યા છે. ગુર્જર ધરા પર રોકાણ કરવા નેનો-મોટો સૌ કોઈ દેવની દુહાઈ દઈ રહ્યુ છે. ભલકારા અને પડકારા દઈ સ્વર્ણિમને ઝળહળતુ રાખવા સૌ કોઈ દેવતાની રાખ સંકોરી રહ્યુ છે. તાન તો અમનેય ચડે છે કે માભોમની સ્તુતિમાં અમેય દુહો લલકારી દઈએ. અમે લહલહતા ડાયરાને પાનો ચડાવવા ઉતાવળે ડેલી બહારા પગ માંડ્યા પણ હાય અમને એએમટીએસે દગો દીધો. ઈ ખુટલની બસોથી અમારૂ સુખ નો જીરવાણુ તો અમે ઇન્કમટેક્સ ભાયાતુને સંગાથ કરવા સ્ટાર બજારના લોકલ બસ ડિપોટે ત્રાહિમામ ગરમીમાં ખરા બપોરે એક કલાલ ઉભા પણ ગધની એકેય બસ અમારી બાજુ નો ફરકી. એએમટીએસના પેટમા તેલ રેડાણુ કે પછી અમારા પેટમાં પાપ હતું? ઇ અમે નો હમજ્યા પણ એક કલાકમાં એકલદોકલ નિકળી(બસ) ઇ ઘુંઘટો તાણીને લાલ દરવાજા અને અન્ય માર્ગે ફંટાઈ ગઈ. અકારૂ તો અમને ત્યારે લાગ્યુ કે અમે 50 નંબરવાળીને જોઈ ન જોઈ ત્યા તો એ સડસડાટ અમારી નજર સામેથી ઓજલ થઈ ગઈ. અમારો પિત્તો ગયો. સાલુ, અમે જ ખુટલના તે જય જય ગાંગર્યા કરીએ, એએમટીએસવાળા અને આ બધાને તો મનમાય નથી.
અમે મુંબઈની 'બેસ્ટ' બસ સેવાની યાદમાં સરકી ગયા. બેસ્ટ અને એએમટીએસ વચ્ચે સ્વર્ણિમ ટાણે જ અમારાથી સરખામણી થઈ ગઈ. મૌલા માફ કરે.
મુંબઈ પાંચ વરહ ગાળ્યા પણ બેસ્ટ બસે અમને ક્યારેય પાંચ મિનિટથી વધારે રાહ જોવડાવી હોય એવું બન્યુ જાણ્યુ નથી. 7:45ની બસ પકડવા 7:47 કલાકે પહોંચો તો બસ નિકળી ગઈ હોય. અહી એએમટીએસે તો અમને કલાક-દોઢ કલાક સુધી અમારા ધૈર્યની પરિક્ષા કરતી હોય એમ રાહ જોવડાવી છે.
બપોરના ગાળામાં બે-પાંચ પેસેન્જરને લઈનેય બેસ્ટની બસો પ્રેમથી દોડતી હોય. અહી પિક-અવર્સમાં પણ અડધો કલાક-કલાકે એક બસ આવે છે. અહી બસની રાહમાં કાયમી ઉતારૂઓની ડોક ખેંચાઇને બગલા જેવી થઈ ગઈ છે એ એએમટીએસના પ્રતાપે જ તો. લોક તો એમ કહે છે કે પ્રેમમાં નેણે હાથના સજા કરીને એટલી તો રાહ જોઈ કે આમની ડોકો લાંબી થઈ ગઈ છે. ગધનું લોક દાઝ્યા ઉપર ડામ દે છે.
બેસ્ટની બસો ભલે વરસો જુની હોય પણ હોય નટી રેખા ગણેશનની જેમ પાછલી ઉંમરેય અપ-ટુ-ડેટ. બસમાં કાટનું નામ નિશાન નહી, સહેજેય રંગ ન ઉખડ્યો હોય, અંદરથી સાવ ચોખ્ખી ચણાક હોય. એનું કારણ એ કે દરેક બસ રોજ કે એકઆંતરા ધોવાઇ જતી હોય. નિયમિત રીતે નવો રંગ ચડાવી દેવામાં આવે. ઝીણી ખરાબીઓને પણ ત્વરીત દુરસ્ત કરી દેવામાં આવે. ફેક્ટરીમાંથી આવેલી એએમટીએસની બસ ભંગારવાડામાં જાય ત્યા સુધી કદી સાફ થતી જાણો ઇનામ મારા તરફથી મફત લઇ જજો.
બેસ્ટ બસનો એવો નિયમ કે સ્ટેન્ડ ઉપર એક ઉતારૂ ઉભુ હોય તોય બસ ઉભી રાખવી, ઉતારૂઓના પેટનું પાણીય ન હાલે એ રીતે બસની બ્રેક મારવી, બે રૂપિયાની ટિકિટમાં સોની નોટ કંડકટરને મળે તો મોઢુ સહેજ પણ કટાણુ કર્યા વગર છુટ્ટા સાથે ટિકિટ આપવી. એએમટીએસની બસ સર્વિસમાં તો આ બધા નિયમોની માને કુતરા પૈણી ગયા છે.
કોક ઇ કમ અક્કલના ઘણી એએમટીએસવાળાઓને હમજાવો કે પરિવહન તંત્ર એ કોઈ પણ શહેરનું/રાજ્યનું કરોડરજ્જુ છે, એના વગર દોડવાની તો વાત દુર ઉભા પણ નહી રહી શકો. કોક એને બે મહિના બેસ્ટના ગેરેજમાં મુકી આવો તો સાલાઓને અક્કલ આપોઆપ આવશે.
સાથે અમારા વતી વાતમાં આટલુ પણ ઉમેરજો કે સ્વર્ણિમ ગુજરાતમાં અમને ગમ નથી પડતી પણ બેસ્ટની હરોળનું પરિવહન તંત્ર અમદાવાદમાં ઉભુ કર્યા વગર અમદાવાદને સ્વર્ણિમ ગણાવતી વાત કરી છે તો તમને ચોસઠ જોગણીની આણ. પાંચ ટકા પ્રજા બાઈક-મોટર્સમાં ફરતી હોય એટલે બાકીના 95 ટકા જાય ભાડમાં એવું વલણ ડાહી પ્રજાનું લક્ષણ નથી હોં.

...અને છેલ્લે, પર્યાવરણની માનેય કુતરા પૈણે, જો આવું જ ચાલ્યુ તો અમારેય પબ્લિક પરિવહન સેવા પડતી મુકીને પ્રાઇવેટ વાહન વસાવવું પડશે.