गुरुवार, 26 फ़रवरी 2009

રહેમાનને વખોડનારાને અલ્લાહ અકલ બક્ષે


‘રહેમાન ‘ઑસ્કાર’ ઍવૉર્ડર્ને લાયક નથી. રહેમાનનું સંગીત સાધારણ કક્ષાનું છે, રહેમાનની સંગીતકલા કરતાં આંતરરાષ્ટ્રીય દબાવના કૌશલ્યને કારણે રહેમાન ઑસ્કાર જીતી ગયા...’ ઑસ્કાર ઍવૉર્ડર્ જીત્યા પછીય રહેમાન વિરોધીઓ મોળા પડશે નહીં. ચિત્રવિચિત્ર દાખલાદલીલો રજૂ કરીને રહેમાનને હીણો ચીતરવાના પ્રયત્નો કર્યે રાખશે. પણ ભારતને પ્રથમ ઑસ્કાર અપાવનાર રહેમાનને પોંખવો છે. પછી ભલે આરોપો લાગતા રહે.

રહેમાન ઉપર આરોપ છે કે ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને સંગીત નિપજાવે છે. ડ્રમર શિવમણી અને વાંસળીવાદક સિવાય તેના સંગીતકાફલામાં ઝાઝા જણ હોતા નથી. મોટા ભાગનું સંગીત રહેમાન સિન્થેસાઇઝરમાંથી ગતકડાં કરીને ઉત્પન્ન કરે છે. સંગીતકારો પાસે હોય છે તેવડંુ ૫૦૧૦૦ વાદકોનું બૅન્ડ રહેમાન પાસે હોતું નથી. તે તો બસ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને ઑરિજિનલ ન કહી શકાય તેવું સંગીત સર્જે છે.

ઘણી ખમ્મા જનાબ. આપણે તંતુવાદ્યો અને ચર્મવાદ્યો સિવાયનાં ઉપકરણોમાંથી નીકળતા સંગીતને શુદ્ધ સંગીત જ ન ગણવા માગતા હોઈએ તો પવન, પક્ષી, નદી, ઝરણાં, સમુદ્રનાં મોજાંઓ વગેરેમાંથી ઉત્પન્ન થતા સંગીતને શુદ્ધ સંગીત નહીં ગણીએ? મનોમસ્તિષ્કને ભાવતું સંગીત એક બાબત છે અને સૂતેલી લાગણીઓને વીજળિક ગતિએ જગાવી દેતું સંગીત સાવ નોખી જ બાબત છે. બેચાર વાદ્યોમાં લપેટાઈ રહેલો સંગીતકાર સમર્થ શાનો ગણાય. સિન્થેસાઇઝરમાંથી તો પછી નીકળે છે એ પહેલાં એ સૂરો રહેમાનના દિલમાંથી નીકળતા હશે ને? સંગીતમાં કોઈ નવા અવાજને ઉમેરવા પાછળનો રહેમાનનો ચોક્કસ હેતુ હોય છે. એ ઉમેરણ તેના સંગીતને નવી ઊંચાઈ બક્ષી દે છે. સંગીતની ભાષામાં વાત કરીએ તો પરફેક્ટ માત્રામેળવાળું ક્લાસિકલ સંગીત તેનું સ્થાન ભલે શોભવતું પણ લાગણીઓના સમદરમાં નવડાવતું સંગીત એથીય કીમતી છે એ વાત ન ભુલાવી જોઈએ.

‘ઇક સૂરજ નિકલા થા....આંધી આઈ થી... આહ ફિર નિકલી થી...’માં છાતી ચીરીને શબ્દો બહાર ફેંકાતા હોય, દિલની તડપની એ ચિચિયારી ઠેઠ શ્રોતાના હૃદય સોંસરવી નીકળી જાય એવી ધારદાર હોય અને એ પછી બધી ભડાશ નીકળી ગઈ હોય અને છેલ્લે થોડી વરાળ બચી હોય એમ સાવ નીચા પણ પહેલાંના જેટલા જ અસરકારક થ્રો સાથે ‘દિલ સે રે...’ નીકળે. સાથે નળમાંથી પાણીની બુંદો ટપકતી હોય એવું પશ્ચાદ્ભુ સંગીત. પણ ના, ત્યાં સુધીમાં એ પાણીની બુંદોનો નહીં પણ જિગરમાંથી ટપકતા લોહીની બુંદોનો અવાજ ધારવો પડે એટલો સશક્ત માહોલ ગીત બાંધી દે છે. આ માત્ર એક ગીત પૂરતી વાત નથી. રહેમાનનાં મોટા ભાગનાં ગીતોમાં આવો સમો બંધાય છે. ‘આજા સાંવરિયા આ... આ... આ... તાલ સે તાલ મિલા’ માં તમારંુ દિલ બેચાર ફુદરડી ન ફરી જાય તો દિલનો ઇલાજ કરાવજો કોઈ દિલદાર પાસેે. ‘ઓ હમદમ બિન તેરે ક્યા જીના’માં તમને બે ઘડી મૂર્ચ્છિત થઈ જવાનો અહેસાસ ન થાય તો ગીતનો વાંક ન કાઢશો, તમે પ્રેમ માટે પૂરતા પક્વ નથી થયા એમ જાણજો. ‘એ હૈરતે આશિકી જગા મત’માં તમે શુન્યમાં તાકતા ન થઈ જાવ તો બળી તમારી વિચારશીલતા. ‘દિલ હૈ છોટા સા છોટી સી આશા’ સાંભળતાં ડઠ્ઠર દિલ પણ રૂ જેવું નરમ ન થાય એવું બને કે? 

ફિલ્મ ‘બૉમ્બે’નું હિન્દુમુસ્લિમની સામસામી કાપાકાપી પછીનાં દ્રશ્યો. લોહી... આંસુ... આક્રંદ... અને રહેમાનનું એક પણ શબ્દ વગરનું ‘બૉમ્બે થીમ’ સંગીત. તમારી તેત્રીસ કરોડ રોમરાઈ અવળી થઈ જાય છે, રહેમાન તમને પીડાની પરાકાષ્ઠાએ લઈ જાય છે અને તમારાં રૂંવેરૂંવે રુદન ફૂટે છે. એ વખતે લોહી... આંસુ... આક્રંદ... રહેમાનના સંગીતની પછવાડે સરકી જાય છે. લાખ કોશિશ છતાં મણિરત્નમ્ એ દ્રશ્યમાં રહેમાનની ઊંચાઈને આંબી શકતા નથી. શ્રાવ્યની આગળ આખરે દ્દશ્યનો પનો ટૂંકો પડે છે. ઇન્ટેલૅક્ટ (બુદ્ધિમત્તા)ની હદ જ્યાં પૂરી થાય છે ત્યાંથી ઇમૉશન્સ (લાગણીશીલતા)ની હદ શરૂ થાય છે. કોઈ વસ્તુ તમે તાર્કિક રીતે તપાસ્યા વગર સીધી તમારા હૃદય ઉપર કબજો જમાવી દે તો જાણજો કે તેણે તમારા ઇમૉશનલ સેન્ટરને હીટ કર્યું છે. અને તેથી તે વધુ કીમતી ઠરે છે. રહેમાનનું સંગીત તમારા ઇન્ટેલૅક્ચ્યુઅલ સેન્ટર કરતાં ઇમૉશનલ સેન્ટરને વધુ સ્પર્શે છે. 

‘તૂં હી રે... તેરે બિના મેં કૈસે જીઉ’ ને અને ‘યે જો દેશ હૈ તેરા સ્વદેશ હૈ તેરા’ ને ગીત ગણવા કે બંદગી? ‘કહના હી ક્યા યે નૈન ઇક અનજાન સે જો મિલે’ સાંભળતાં નવોદિત પ્રેમીની વાચા જ હણાઈ જાય એવંુય બને. ફિલ્મ ‘રંગ દે બસંતી’માં લતા પાસે ગવડાવેલા સ્લો ટ્રેક ‘લુક્કા ચુપ્પી બહુત હૈ’ અને ઝુબૈદામાં અલકા યાજ્ઞિક પાસે ગવડાવેલા ‘મેંહદી હૈ રચનેવાલી’ને તમે કયા શબ્દોમાં નવાજશો? રહેમાનનું કયંુ સર્જન શ્રેષ્ઠ એ નક્કી કરવાનું ઘણું મુશ્કેલ છે એ જ સાબિત કરે છે કે તે સલામીને હકદાર છે. રહેમાનના સંગીતને મસ્તિષ્કના જોરે માપનારાઓએ તેમનાં પરિમાણો બદલવાં પડશે. કારણ કે એ સતત પંચતારક હોટલના મેળવડાઓ અને મીડિયાના કૅમેરાની રોશનીમાં ઝળાંહળાં રહેવા માગતો કલાકાર નથી. રહેમાન રાતવરત દરિયાકાંઠે ઘૂમે છે. પ્રકૃતિનો ખોળો ખૂંદતો ફરે છે. તેથી તેના સંગીતમાં નિસર્ગ ઝળકે છે. પ્રેમ અને ઉષ્મા ઝળકે છે. એટલે જ ઑસ્કાર ઍવૉર્ડર્ સ્વીકારતી વખતે રહેમાન કહે છે, ‘જીવનમાં જ્યારે જ્યારે મારે પ્રેમ અને ધિક્કાર વચ્ચે વરણી કરવાની આવી ત્યારે મેં હંમેશાં પ્રેમની જ વરણી કરી છે અને તેથી હું અહીં છું.’ 

આપણે રહેમાનના સંગીતની શાસ્ત્રીય સમીક્ષા કરીને સંગીતના સૌન્દર્યને પીંખી નથી નાખવું. સરળ બાનીમાં એના વજૂદને રજૂ કરવું છે. રહેમાનના કોઈ પણ ગીત સંગીતને તમે સાંભળો, તમે બૅકગ્રાઉન્ડમાં વાગતા દરેક વાદ્યના સૂરને નોખા તારવી શકશો. અને દરેક વાદ્યની એક ખાસ અસર ઊપજતી જાણશો. આવું બીજે જવલ્લે જ જોવા મળશે. અન્યોના સંગીતમાં સામાન્ય રીતે તમને બૅકગ્રાઉન્ડમાં એકસાથે અનેક વાદ્યોની ભેળસેળ સંભળાશે. 

રહેમાનની પ્રયોગશીલતા પણ ધરાતલની છે. ગાયક સુખવિંદરસિંહ રહેમાનનેે એમ કહીને નવાજે છે કે બધા સંગીતકાર પ્રયોગશીલ હોય છે અને પ્રયોગો કરે છે. રહેમાનની વાત એ છે કે તેના પ્રયોગો જટિલ નથી હોતા. એટલે શ્રોતા સરળતાથી રહેમાનના સંગીતવિશ્વમાં પ્રવેશ મેળવી લે છે. તેના સંગીતને સમજી જાય છે અને આ જ તો સંગીતકારની સફળતા છે. 

સાદગીમાં માનતા આ સંગીતકારને છવાયેલા રહેવાની ધખના નથી. એટલે જ એ એની મુનસફી પ્રમાણે ધૂનો બનાવે છે અને તેમાં બાંધછોડ ચલાવી લેતો નથી. બોલિવૂડમાં ખિટખિટ પિટપિટ વધી ગઈ તો રહેમાને બોલિવૂડને એમ કહીને રામ રામ કહી દીધંુ કે તે બોલિવૂડમાં તેમના મિત્રો સિવાયના લોકોની ફિલ્મોમાં સંગીત નહીં આપે. ધનના ઢગલા કરવાના હોય અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર રાજ કરવું હોય તો કોઈ આવું પગલું ભરે ખરંુ? જે લોકો કામ મેળવવા માટે હંમેશાં કુરનિશ બજાવતા જોવા મળે છે તેઓ રહેમાનના સંગીતની સમીક્ષા કરતા જોવા મળે છે. અલ્લાહ ઉસે અકલ દે.

વળી જગજિતસિંહ જેવા ગઝલગાયક આરોપ લગાવે છે કે રહેમાન ધૂનની તફડંચી કરે છે. જગજિતસિંહને માલુમ થાય કે આજકાલ જગતમાં જ્ઞાન એટલું બધું પ્રસરી ચૂક્યું છે કે મૌલિક જેવું ખાસ કંઈ બચતું નથી.

કોઈ સંગીતકારે સમગ્ર ભારતમાં ચાહના મેળવી હોય એવું રહેમાન સિવાયનું ઉદાહરણ નજરે ચડતું નથી. કોઈ બોલિવૂડમાં ચાલે તો દક્ષિણ ભારતમાં ન ચાલે અને દક્ષિણ ભારતમાં ચાલે તો બોલિવૂડમાં ન ચાલે. લોકચાહનામાં ઇલિયારાજા કે આર.ડી. બર્મન નહીં, રહેમાન ભાષાનો સીમાડો કુદાવી શક્યા છે. વિશ્વને ભારતીય સંગીતનું ઘેલંુ લગાડવાનું શ્રેય તેમને ફાળે જાય છે. વળી ઉત્તમ સંગીતમાં સાતત્ય રહેમાન જેટલું બીજે ક્યાં મળશે?  

સાદગી અને સંગીત સિક્કાની બે બાજુ છે પણ સંગીતને અને સાદગીને ખાસ લેવાદેવા નથી એવુંય આજના પ્રૉફેશનલયુગમાં ઘણા માને છે. અલ્લાહ એમનેય અકલ બક્ષે!

कोई टिप्पणी नहीं: