सोमवार, 16 फ़रवरी 2009

ભાર જરૂરી છે નહીતર ઉડી જવાશે


ગોખણપટ્ટીનો છેદ ઉડાડવાના અને ભાર વગરનું ભણતર પિરસવાના આશયથી પાઠયપુસ્તક સાથે રાખીને પરિક્ષા આપવાની જાહેરાત થઈ અને પછીથી જાહેરાત પાછી પણ ખેંચી લેવાઈ. ભાર સાથેનું ભણતર અને ગોખણપટ્ટીવાળુ ભણતર જરૂરી છે કારણ કે,...
સમજવા માટે પ્રથમ વસ્તુના બંધારણનો આલેખ મગજમાં હોવો જરૂરી છે. એટલે સમજણશક્તિ વિકસાવવા માટે યાદદાસ્ત વિકસાવવી જરૂરી છે. સ્મરણની ક્રિયાને આપણે નકારાત્મક અર્થમાં ‘ગોખણપટ્ટી’ નામ આપીએ છીએ. પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપીને ગોખણપટ્ટી અટકાવવાની કવાયતમાં સમજણશક્તિનો ગ્રોથ પણ ઘટી જશે. આનું ઉદાહરણ જોઈએ તો વિજ્ઞાનના અભ્યાસુએ પોતાના સંશોધનમાં આગળ વધવા માટે વિવિધ તબક્કે અનેક સમીકરણો યાદ હોવા(ગોખેલા હોવા) જરૂરી છે. આજે વિશ્વભરમાં ભારતીય પ્રોફેશનલ્સની બોલબાલા છે તેની પાછળનું એક કારણ તેમની તેજ સ્મરણશક્તિ છે.

બાળવયથી યુવાવસ્થા સુધીનો ગાળામાં જીવનઉર્જા છલોછલ હોય છે. જો આ ઉર્જા કશામાં રોકેલી રાખવામાં ન આવે કે તેનો યોગ્ય ઉપયોગ ન થાય તો તે નકારાત્મક માર્ગે ફંટાઈને પતન તરફ લઈ જાય છે. આપણે ભાર વગરના ભણતરની વાત કરીએ ત્યારે આ વાત કેમ વિસરી જઈએ? યુરોપ અને અમેરીકાના દેશોમાં બાળગુનાખોરીનું પ્રમાણ ઘણુ વધારે છે. બાળક કે કિશોર દ્રારા આડેધડ ગોળીબાર જેવા ગુનાનાં કિસ્સાઓના સમાચારો સમયાંતરે પ્રગટ થતા રહે છે તેની પાછળના ઘણા કારણો પૈકીનું એક પ્રમુખ કારણ ત્યાંનું ભાર વગરનું ભણતર છે.

એક નિયમ છે કે મગજને સતત પ્રવૃત રાખવાથી મગજની ક્ષમતા ઘટતી નથી પણ ઉલટાની વધે છે. આ નિયમ હેઠળ ભણતરને આવરી લઈએ તો ગોખણપટ્ટીના ભારવાળુ ભણતર સરવાળે મગજનો વિકાસ કરનારૂ સાબિત થાય છે. ભારવગરનું ભણતર લાવીને મગજને આળસુ ન બનવા દેવું જોઈએ.

પુસ્તકના પાઠને મગજમાં બેસાડવા માટે( ગોખવા માટે) તમારી સમગ્ર ચેતના તમારા પઠન પ્રત્યે કેન્દ્રિત હોવી જરૂરી છે. આ વાતને એકાગ્રતાના સંદર્ભમાં લઈએ તો ગોખણપટ્ટી વખતે આપણુ ધ્યાન દરેક બાબતોમાંથી હટીને માત્ર પઠન પ્રત્યે જ એકાગ્ર થયુ હોય છે. જો આ એકાગ્રતામાં રતિભારની પણ ખોટ હોય તો વાંચેલુ યાદ રહેતુ નથી. માટે ગોખણપટ્ટી ૧૦૦ ટકાની એકાગ્રતા માંગે છે. એકાગ્રતા સૌથી વધુ જીવનઉપયોગી ચીજ છે એમાં બેમત નથી અને ગોખણપટ્ટીથી એકાગ્રતામાં વિકસે છે.

પાકા ઘડે કાંઠા ન ચડે એમ મગજને કસવા માટે બાળપણથી જ તેવી કસરતો કરવી જરૂરી છે. ગોખણપટ્ટી આ પ્રકારની કસરત છે. પાઠ્યપુસ્તકમાંથી ગોખણપટ્ટી કરવા માત્રથી તે વિષયો લાંબા સમય સુધી યાદ રહી જતા નથી. વાંચેલું લાંબા સમય સુધી યાદ રાખવા માટે પ્રથમ જે તે વિષય પ્રત્યેનો અણગમો દુર કરવો પડે. પછી અનેક વિષયોમાં રત રહેતા વેરવિખેર મનને અનેક ઠેકાણેથી હટાવીને જરૂરીયાતના વિષયો ઉપર જ કેન્દ્રિત કરવું પડે. એકાગ્રતા કશેથી સીધી મળતી નથી. રસ પરિપક્વ થાય અને ધ્યાન વેધક થાય એ પછી જ વાંચેલું બધું છબી રૂપે કે શબ્દ રૂપે મનમાં અંકિત થાય છે. ગુરૂ દ્રોણની પરિક્ષામાં અર્જુનને શરુઆતમાં ડાળ સહિતની ચકલી દેખાતી હતી અને પછી માત્ર ચકલીની આંખ જ દેખાતી હતી તેમ ક્રમશઃ એકાગ્રતા પ્રગટે છે. યાદ રાખવાની વારંવારની મથામણથી શ્રમનો ગુણ વિકસે છે. આમ ગોખણપટ્ટી શક્તિનું એકેન્દ્રિકરણ છે અને તેના પરિણામે શિસ્ત અને શ્રમના ગુણો વિકસે છે.

વર્તમાન પરિક્ષા પદ્ધતિના વિરોધમાં એવી દલીલ કરવામાં આવે છે કે વર્ષ દરમિયાન ગોખેલુ પરિક્ષાના ડરને કારણે પરિક્ષા હોલમાં યાદ ન આવે ત્યારે વિદ્યાર્થીએ નુકશાન ભોગવવું પડે છે. આ દલીલ વ્યાજબી નથી કારણ કે મુશ્કેલ સંજોગોમાં સ્વસ્થતા રહે એ જ તો મોટી કસોટી છે. ભણી લીધા પછી જીવનમાં ઘણીવાર અતિસંકટની ઘડીઓ આવે તે સમયે તમારે સ્વસ્થતાપુર્વક માર્ગ કાઢવાનો હોય છે. જો સ્વસ્થતાનો ગુણ તમારામાં ન હોય તો મુશ્કેલ સમયે તમારી હોશિયારી કામ નહી લાગે અને ડગલેને પગલે તમારે નુકશાન ભોગવવું પડશે.

પુસ્તક સાથે પરિક્ષાની છુટ આપવાથી યાદ રાખવાની મથામણ અને ‘હોમવર્ક’ કરવાનું બંધ થઈ જશે. પરિણામે વિદ્યાર્થી આળસુ પ્રકૃતિનો થી જવાની સંભાવના રહે છે.

ઓપન બુક એક્ઝામમાં તમારી પાસે તૈયાર માહિતિ છે અને તમારે માત્ર તેની ‘કોપી’જ કરવાની રહે છે ત્યારે તેમાં વિદ્યાર્થીઓની હોંશિયારીનું આકલન કઈ રીતે કરવું? અભ્યાસમાં નબળા અને તેજસ્વી વિદ્યાર્થીની તારવણી કઈ રીતે કરશો?

બૌદ્ધ ધર્મના વડા દલાઈ લામાએ એક મુલાકાતમાં કહ્યુ હતુ કે બાળપણમાં મારા પર લાદવામાં આવેલા અંકુશો મને ત્રાસદાયક અને અન્યાયી લાગતા હતા પણ આજે હું કબુલુ છુ કે મારા વિકાસમાં બાળપણના મારા પર લદાયેલા વ્રત અને અનુશાસનનો મોટો ફાળો છે. તત્વચિંતક જી.આઈ. ગુર્જીએફે વ્યક્તિનિતિ ઉપર બે બોલ કહ્યા તેમાં યુવાવસ્થા સુધી શિસ્ત અને અનુશાસનમાં રહેવા ઉપર ભાર મુક્યો છે. માટે બાળક ઉપરથી પુસ્તકો યાદ રાખવાનો ભાર હટાવી દેવાથી તેની એકાગ્રતા, શિસ્ત, અનુશાસન, શક્તિ સંચયને ફટકો પડશે.

અભ્યાસનો ભાર હળવો થઈ જવાથી નિરંકુશ અને દિશાહિન બાળકનું ઘડતર કરવા માટે માવતર પાસે પોતે પોતાની જ પળોજણમાં હોઈ પુરતો સમય નથી. ત્યારે બાળક કુછંદે, કુટેવે ચડી જવાની સંભાવનાઓ વધી જાય છે.

कोई टिप्पणी नहीं: