गुरुवार, 26 मार्च 2009

તમે લોકતંત્ર સાથે છો કે લોકજુવાળ સાથે?



આઈપીએલની આગામી બીજી સિઝનમાં સિક્યૉરિટીના મુદ્દે મામલો ઘોંચમાં પડ્યો છે. દેશ માટે ચૂંટણી અને ચૂંટણી વખતની સુરક્ષા સૌથી વધુ અગત્યની બાબત છે તો બીસીસીઆઈ માટે દૂઝણી ગાય સમાન આઈપીએલની બીજી સિઝન રમાડવી અને તેય પાછી સમયસર રમાડવી એ પૈસા અને પ્રતિષ્ઠાનો જંગ છે.

વાતના મૂળમાં જતાં પહેલાં જરા આઈપીએલની બીજી સિઝનની તૈયારીથી થોડા વાકેફ થઈ જઈએ તો આ વખતે પ્રથમ સિઝન કરતાં વધુ ૭૩ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને કુલ ૨૬૩ ખેલાડીઓને લીધા છે. એટલે આ વર્ષે ફ્રેન્ચાઇઝી પાસે ખેલાડીઓની પસંદગીનો અવકાશ વધ્યો છે. દરેક ટીમ પાસે એવરેજ ૨૫ ખેલાડીઓ છે. ૫૬ ખેલાડીઓ કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે છે અને તે સૌથી વધુ છે. અને સૌથી ઓછા દિલ્હીની ટીમમાં (૨૪) છે. બીજી સિઝનમાં કૉન્ટ્રાક્ટની આવક ૧૦,૦૦૦ કરોડ કરતાં વધારે રહેશે. જે ગયા વર્ષની સરખામણીએ ૧,૭૨૫ કરોડ રૂપિયાનો વધારો સૂચવે છે. આખી દુનિયા મંદી સામે ઝઝૂમી રહી છે ત્યારે આને કહેવાય મંદીમાં જૅકપૉટ. ગયા વરસે ૫૯ વિદેશી ખેલાડીઓ હતા તેમાં વધારો થઈને આ વર્ષે ૧૨૪ થયા છે. 

પણ એક મહિનાની રકઝક પછીય ટૂર્નામૅન્ટ અંગે સ્થિતિ સ્પષ્ટ નહીં થતાં અકળાયેલા ક્રિકેટ અધિકારીઓએ ૨૨ માર્ચે મુંબઈમાં આપાતકાલીન બેઠક બોલાવીને નિર્ણય લઈ લીધો કે ટૂર્નામૅન્ટ ભારત બહાર ઈંગ્લૅન્ડ કે આફ્રિકામાં રમાડવામાં આવશે. વિદેશમાં ટૂર્નામૅન્ટ રમાવાથી ભારતીય ક્રિકેટ બૉર્ડની કમાણીમાં ૭૦૦ કરોડ રૂપિયાનો ફટકો પડશે એ વાતનો અફસોસ પણ લલિત મોદીએ વ્યક્ત કર્યો. બીસીસીઆઈના પ્રમુખ શશાંક મનોહરે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે ટૂર્નામૅન્ટ માટે સુરક્ષા પૂરી પાડવાની અક્ષમતા દાખવનાર સરકારોની શું આલોચના કરવી તે માટેના શબ્દો મળતા નથી. લો, કર લો બાત!

એકાદ વરસ પહેલાંથી લોકસભાની ચૂંટણીઓ એપ્રિલ-મે, ૨૦૦૯માં આવશે એવી બીસીબીઆઈને ખબર હતી. અરે, આ વાતની લોકોને સુધ્ધાં ખબર હતી, તેમ છતાં બીસીસીઆઈ એપ્રિલ-મે, ૨૦૦૯ના સમયગાળામાં જ આઈપીએલની બીજી સિઝન રમાડવાનું આયોજન કરે? માની લઈએ કે બીસીસીઆઈને પૈસા સિવાય બીજી કોઈ વાતની તમા હોતી નથી અને બીસીસીઆઈ વેળાસર ૧૦,૦૦૦ કરોડ રૂપિયા અંકે કરી લેવા માગતી હોય જેથી ૨૦૧૦ના વર્ષમાં ત્રીજી સિઝન પણ વેળાસર રમાડી શકાય. એમ પણ માની લઈએ કે આઈપીએલની ટૂર્નામૅન્ટમાં એક મહિનાનો વિલંબ કરવાથી ઉપરોક્ત ગણતરીએ ૮૦૦-૧,૦૦૦ કરોડ રૂપિયાનું નફામાં નુકસાન જતું કરવાનું શરદ પવાર આણિ મંડળીને ન પરવડતું હોય તો તેમણે સરકાર સમક્ષ આઈપીએલ ટૂર્નામૅન્ટના મૂળ શિડ્યૂલની સાથે ચૂંટણી બાદની તારીખોનું બીજંુ વૈકલ્પિક શિડ્યૂલ મંજૂરી માટે મૂકવાની સમજદારી દાખવવાની જરૂર હતી. વાત માત્ર પૈસા પૂરતી ન રહેતાં પ્રતિષ્ઠાની પણ હોત તો આમ થયું હોત, પણ બીસીસીઆઈના આકાઓએ પહેલેથી નક્કી જ કરી રાખ્યંુ હશે કે સરકારનું નાક દબાવીને કે ગમે તેમ કરીને શિડ્યૂલ મંજૂર કરાવી લેવામાં આવશે અને જો શિડ્યૂલ મંજૂર નહીં કરવામાં આવે તો સરકાર સામે કાદવ ઉછાળવામાં આવશે. બાકી પ્રથમ વખત ભારત સરકારના ગૃહમંત્રાલયે બીસીસીઆઈને શિડ્યૂલ બદલવાનું સૂચન કર્યું ત્યારે બીસીસીઆઈએ આઈપીએલ ટૂર્નામૅન્ટનું નવું શિડ્યૂલ લોકસભાની ચૂંટણી પછીનું બનાવવું એવો શિડ્યૂલ નામંજૂર કરવા પાછળનો સરકારનો કળી શકાય તેવો છૂપો નિર્દેશ હતો. છતાંય ફરીફરીને બીસીસીઆઈએ ટૂર્નામૅન્ટની પૂર્વનિર્ધારિત તારીખ (૧૦ એપ્રિલથી ૧૪ મે)નું શિડ્યૂલ ફરીફરીને પાઠવ્યા કર્યું.

૭ માર્ચ, ૨૦૦૯ના રોજ બીસીસીઆઈએ કેન્દ્રીય ગૃહમંત્રાલય સમક્ષ આઈપીએલની ટૂર્નામૅન્ટના આયોજનની મંજૂરી માટે ટૂર્નામૅન્ટનું શિડ્યૂલ મોકલ્યું હતું જેમાં તારીખ ૧૦ એપ્રિલથી ૨૪ મે દરમિયાન ૫૯ મૅચો રમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈપીએલની ગત સિઝનની જ્યાં ફાઇનલ મૅચ રમાઈ હતી તે મુંબઈના ડીવાય પાટીલ સ્પૉર્ટ્સ એકૅડેમી સ્ટેડિયમમાં બીજી સિઝનની ઉદ્ઘાટન અને સમાપન વિધિ યોજાશે એવી પણ મોદીએ અગાઉ જાહેરાત કરી દીધી હતી. કેટલું બાલિશ! બીસીસીઆઈને એટલી તો ખબર હોવી જોઈએ કે અત્યારે ક્રિકેટ રમવાનો સમય નથી. મૅચો કરતાં ચૂંટણીઓ ઘણી મહત્ત્વની છે. ખુદાન ખાસ્તા આઈપીએલમાં એકાદ વિદેશી ખેલાડી હુમલામાં હણાઈ જાય તો ન પૂરી શકાય એવી ખોટ સર્જાશે. ગયા વર્ષે કોઈ ચૂંટણી નહોતી ત્યારે પણ જયપુરમાં બાઁબબ્લાસ્ટ થયા હતા, જ્યારે આ વખતે સિક્યૉરિટી ફોર્સનું ધ્યાન ચૂંટણી ઉપર કેન્દ્રિત રહેશે. એવામાં ભારત સરકાર ખુદ પણ જડબેસલાક સુરક્ષાની ખાતરી આપી શકે તેમ નથી. વળી વર્લ્ડ કપ માથા ઉપર છે અને આપણે તેમાં સહઆયોજક છીએ ત્યારે આઈપીએલની નાની સરખી દુર્ઘટના મોટી હેરાનગતિ ઊભી કરે.

એક સાદી સમજની વાત કરીએ. આ દેશમાં ક્રિકેટને લોકો ધર્મ ગણે છે. ક્રિકેટને દિલોજાનથી ચાહે છે. ત્યારે બીસીસીઆઈ ચૂંટણી વખતે દેશહિતને ઠેબે ચડાવીને ‘ક્રિકેટ ક્રેઝ’ની રોકડી કરી લેવા તત્પરતા દાખવતું જોવા મળ્યું છે. બીસીસીઆઈની આ હરકતથી તે ‘રોકડી’ કરી લેવા માટે કેટલી નીચી કક્ષાએ જઈ શકે તેનો અંદાજ મળે છે. આઈપીએલ ટૂર્નામૅન્ટના આયોજનના સમગ્ર વિવાદની સ્ટોરીમાં આપણને દેખાય છે તે લલિત મોદી કે શશાંક મનોહર તેના પટકથાલેખક નથી. આઈપીએલ વિવાદ કથાના પટકથાલેખક મરાઠી માનુસને વડા પ્રધાન બનાવવાની જીદે ચડેલા, કૃષિમંત્રી કમ અને ક્રિકેટમંત્રી વધારે એવા શરદ પવાર છે. આ માણસમાં કૃષિ કરતાં ક્રિકેટનું કલ્યાણ કરવાની ભાવના વધારે હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે તે ખેતીવાડીવિષયક બાબતે પ્રકાશમાં આવે છે તેના કરતાં વધારે ક્રિકેટને લઈને મીડિયામાં છવાયેલો રહે છે. તેની ‘નેકસ્ટ વડા પ્રધાનપદે તો મરાઠીમાનુસ જ’ની જીદને લઈને તેઓ સરકારને નીચાજોણું કરાવવા તત્પર બન્યા જણાય છે. આ બંદો એવો તો ખંધો રાજકારણી છે કે પોતે પ્રકાશમાં નથી આવતો અને તેના ઇરાદાઓ આઈપીએલ ચૅરમૅન લલિતચંદ્ર મોદીની પછવાડે ધરી રાખે છે. જુઓને ખૈરનારે આ માણસ વિશે જ સરાજાહેર કહ્યંુ હતું કે તેને દાઉદ ઇબ્રાહીમ સાથે સંબંધ છે. છતાં આજે ખૈરનારને કોણ પૂંછે છે? અને આ માણસ? એ તો વિદ્વાન રાજનેતાઓની પંગતમાં જઈ બેઠો. વડા પ્રધાન બનવાનાં સપનાંઓ જોઈ રહ્યો છે.

ખેર! આપણે ખૈરનાર પ્રકરણ ઉપર ન ભટકતાં આઈપીએલ વિવાદ ઉપર જ કેન્દ્રિત થઈએ. લલિત મોદી અને ચિદમ્બરમ્ની સરખામણી કઈ રીતે કરીશું? લલિત મોદી અને મનોહર જેવા લોકોને સુરક્ષાની અને નીતિરીતિની સરકાર કરતાં વધારે ખબર પડે છે કે તેઓ કહે છે કે ટૂર્નામૅન્ટ માટે સુરક્ષા પૂરી પાડવાની અક્ષમતા દાખવનાર સરકારોની શું આલોચના કરવી તે માટેના શબ્દો મળતા નથી. આ લોકો દેશની સુરક્ષામાં લાગેલા જવાનોને પોતે આયોજિત કરેલા ખેલ પાછળ ફાળવવા માગતા હતા જેમાં એને ‘ના’ સાંભળવા મળતાં હવે તેમની પાસે આલોચના કરવાના શબ્દો મળતા નથી. બીસીસીઆઈ અધિકારીઓના આ ગુસ્સામાં ટૂર્નામૅન્ટના આયોજક ઉદ્યોગજગતની ઊર્જા ભળી છે, કારણ કે આઈપીએલમાં ફ્રેન્ચાઇઝી, પ્રસારણથી માંડીને સ્પોન્સરશિપ પાછળ ઉદ્યોગજગતે ઘણો પૈસો રોક્યો છે. એટલે તેમણેે ટૂર્નામૅન્ટ નિર્ધારિત સમયમાં ભારતમાં જ રમાય એ માટે બીસીસીઆઈ ઉપર ઘણું દબાણ ઊભંુ કર્યું હોઈ શકે.

આપીએલ ટૂર્નામૅન્ટ સુરક્ષાના મુદ્દે વિદેશમાં ખસેડવી પડી તેથી ભારતનું નાક કપાયંુ છે એવું માનનારાને વિદિત થાય કે ક્રિકેટ કરતાં ચૂંટણીનું મહત્ત્વ દેશ માટે અનેકગણું વધારે છે. ટૂર્નામૅન્ટ રદ થાય તો થાય પણ ચૂંટણીમાં ગેરરીતિ કે તોફાનોને અવકાશ ન રહે તે માટે સમગ્ર ધ્યાન લોકસભાની ચૂંટણી ઉપર કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે આખરે ક્રિકેટ એ રમત છે અને ચૂંટણી એ દેશના શાસકો નક્કી કરવાની પ્રક્રિયા છે. ટૂર્નામૅન્ટ વિદેશમાં ભલે રમાય પણ અહીં દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણી ઉપર ૧૦૦ ટકા ધ્યાન આપવું જરૂરી બની જાય છે, ચીટિંગ અને બોગસ વોટિંગના વર્તમાન સમયમાં તો ખાસ.

વળી ચેન્નાઈમાં ઈંગ્લૅન્ડ અને ભારત વચ્ચેની ટેસ્ટ દરમિયાન ગત વર્ષે નવેમ્બરમાં મુંબઈ ટૅરરઍટેકની ઘટના બની હતી. એ પછી લાહોર ઍટેકમાં શ્રીલંકન ક્રિકેટ ટીમ આતંકવાદીઓની બંદૂકોનું નિશાન બની તેથી સુરક્ષાના મુદ્દે સરકારે વધુ સાવચેતી દાખવીને ચૂંટણી વખતે ટૂર્નામૅન્ટના આયોજનની ના કહેવી તેમાં ખોટું શું છે?


ધારો કે ટૂર્નામૅન્ટના આયોજનને અહીં મંજૂરી આપી દેવામાં આવે અને આતંકવાદી હુમલો થાય તો? તો વિશ્વ આખાને એ સંદેશો જાય કે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા સવા કરોડની આબાદીના દેશમાં ચૂંટણી ચાલી રહી હતી ત્યારે જ સરકાર એક ખેલ ટૂર્નામૅન્ટને મંજૂરી આપે? બેદરકારીનો બીજો આનાથી મોટો નમૂનો કયો હોઈ શકે? તો ભારતનું નાક ચોક્કસ કપાય. ચૂંટણી વખતે સુરક્ષાના મુદ્દાને લઈને રમતના આયોજનને વિદેશમાં ખસેડવું પડે એ ઘટનાને અને ભારતનું નાક કપાય એ ઘટના વચ્ચે કોઈ વાતે મેળ નથી બેસતો. જો બીસીસીઆઈને ૧૦ હજાર કરોડ રૂપિયા કરતાં ભારતના નાકની વધારે કિંમત હોય તો તે આઈપીએલ ટૂર્નામૅન્ટ વિદેશમાં ખસેડવાને બદલે ટૂર્નામૅન્ટ રદ કેમ નથી કરતું? ચિદમ્બરમે લોકો સમક્ષ આવીને કહેવું પડે કે રમતને રમતની રીતે જોવાવી જોઈએ, પણ આઈપીએલ રમતથી કંઈક વિશેષ છે. રમતમાં રાજકારણ ઘૂસ્યંુ છે. આ વાત બીસીસીઆઈની અંદરબહાર રજૂ કરે છે.

कोई टिप्पणी नहीं: