गुरुवार, 26 मार्च 2009

આ લોકો સમાજસર્જકો કે સમાજ વિધ્વંસકો?




ખબર નહીં કેમ ઉત્સવો આવે એટલે ચળવળવાદીઓ અતિગંભીર થઈ જાય છે. ગઈ ઉત્તરાયણમાં રાબેતા મુજબની ખિટખિટ પિટપિટ સંભળાતી હતી, પતંગ ચગાવવાથી પંખીની પાંખો કપાઈ જાય છે, રાહદારીઓનાં ગળાં કપાઈ જાય છે.’ હમણાં હોળી ગઈ ત્યારે પણ પર્યાવરણવાદીઓ અને ચળવળવાદીઓ સળવળ્યા અને અનુરોધ કરવા લાગ્યા કે માત્ર ગુલાલનું તિલક કરીને હોળી ઊજવો. રંગોથી હોળી રમવામાં રંગો દૂર કરવા વધુ પાણીનો વપરાશ થશે. લાખો ગૅલન પાણીનો બગાડ અટકાવવા રંગોથી હોળી રમવાનું છોડી દેવું જોઈએ. હોલિકાદહન વિશે કહે છે કે હાલના સમયમાં હોલિકાદહનનું પ્રમાણ ઘટ્યંુ હોવા છતાં એકલા અમદાવાદમાં આ વર્ષે હોલિકાદહનમાં ૧૦ હજાર ટન લાકડું બળી જશે. આટલો વસવસો કર્યા પછી હોલિકાદહનમાં વધુ લાકડા ન બાળવાની સલાહ આપી જ દીધી. આ લોકો દિવાળીના તહેવાર વખતે પર્યાવરણ પ્રદૂષિત ન થાય તે માટે ફટાકડાઓ ફોડવાની ના પાડે છે.

પોતાને સમાજના હિતૈષી અને સમાજ માટે ચિંતિત ગણાવતા આ ચળવળકારો હજારો વર્ષોથી ચાલી આવતી અને ખાસ ઉદ્દેશો સાથે બનાવવામાં આવેલી આપણી ઉત્સવપ્રણાલી ઉપર ઘા કરે છે અને સમાજને ગંભીર આંતરિક નુકસાન કરે છે. તેથી આવા લોકોનાં મોંએ તાળાં મારવાં જરૂરી બને છે.

આવો આપણે આપણી એ મૂલ્યવાન અને દૂરંદેશીવાળી પરંપરાઓને એકબે દાખલા સાથે સમજીએ.
ઉતરાયણમાં આખો દિવસ અગાશીએ પતંગ ચગાવવાના બે મોટા ફાયદા છે, બીજાનો પતંગ કાપીને આપણી અંદર પડેલાં ક્રોધ, ઈર્ષા જેવા તમસ તત્ત્વોનું કૅથાર્સિસ થઈ જાય છે. બીજાને કે જાતને નુકસાન પહોંચાડ્યા સિવાય આનંદિત રહીને. બીજો ફાયદો એ કે વર્ષમાં એક આખો દિવસ સૂર્યની રૂબરૂ રહેવાનું થાય છે. સૂર્ય ઊર્જાનો ભંડાર છે અરે, જગતની ઊર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. બીજો કશો આહાર લીધા સિવાય માત્ર સૂર્યઊર્જાના સહારે જીવનઊર્જા મેળવી શકાય છે એના જીવંત દાખલાઓ આપણી આસપાસ મોજૂદ છે. એવામાં ઉત્તરાયણમાં સૂર્યઊર્જામાં આખો દિવસ નહાવા મળતાં ચામડીના ઘણા રોગો નાશ પામે છે અને સૂર્ય પાસેથી સકારાત્મક ઊર્જા મળે છે. કહોને કે ઉત્તરાયણના દિવસે આખો સમાજ શરીરશુદ્ધિ કરે છે. પતંગબાજોને વારંવાર ટપારીને ચળવળકારો આ હેતુને મારવા ઊભા થયા છે. 

હોલિકાદહનના કિસ્સામાં હું મહાત્મા ગુર્જિયેફે દુનિયાભરના પરિભ્રમણ, પ્રયોગો અને અભ્યાસના નિચોડરૂપે લખેલા પુસ્તક ‘મિટિંગ વિથ રિમાર્કેબલ મૅન’માં તેમણે લખેલો એક અનુભવ ટાંકીશ.
ગુર્જિયેફ દર્વિશ જાતિના ગંદા લાગતા અને ભિખારીનું જીવન જીવતા નાનકડા સમૂહના સંપર્કમાં આવ્યા હતા. આ લોકો કદી પાણીથી સ્નાન કરતા નહોતા. તેમના શરીરે મેલના થર જામ્યા હોય અને માથામાં જીવાતો રમતી હોય. આ લોકોમાં ગુર્જિયેફે અસાધારણ તત્વ એ જોયું કે તેઓ આટલા ગંદાગોબરા હોવા છતા ક્યારેય બીમાર નહોતા પડતા. ગુર્જિયેફે તેઓના બિમાર ન પડવા પાછળની તપાસ આદરી તો ખબર પડી કે તેમના દરેકના ઘરે એક મોટા ચુલા ઉપર થોડી ઉંચાઈએ એક બેઠક બનાવી હોય. ચુલામાં તાપ કરીને દર્વિશ બેઠક ઉપર બેસી જતો. તેમાં અમુક અૌષધિઓલાકડાઓ નાખતા હતા. તાપ અને ધુમાડાથી તેના શરીરનાં છિદ્રો ખૂલી જતાં અને ગુર્જિયેફે તેમના માથામાંથી જીવાતો કૂદીને ભાગી જતી જોઈ. ગુર્જિયેફને આ અગ્નિસ્નાનમાં રહસ્ય જણાતાં તેમણે પણ સ્નાન લીધંુ અને લખ્યંુ કે, ‘એ સ્નાન લીધા પછી મારા શરીરમાં શક્તિનો ધોધ વહેવા લાગ્યો. મેં ઘણા દિવસ સુધી શરીરમાં એ શક્તિધોધને વહેતો અનુભવ્યો.’ મારા ગામમાં હોલિકાદહન વખતે મેં પણ આવું જ કંઈક જોયું છે. ૭૮ માળના મકાનને આંબે એવડી ઊંચી હોલિકાની જ્વાળા અને એના ફરતે સમસ્ત ગામના લોકો ૭, ૧૧, ૫૧ કે ૧૦૧ આંટા ફરતા. બને એટલા આગની જ્વાળાઓની નજીક આંટા ફરવાના. શરીર ધગેલા ત્રાંબા જેવું થઈ જાય. નાના બાળકો તાપથી દાઝવાના કારણે રડારડ કરતાં હોય તો પણ માતાઓ કે વડીલો બાળકોને પરાણે હોળી ફરતે સાત ફેરા ફેરવતા અને બાળકના આખા શરીરને ફેરવીફેરવીને તપાવે. પછી બાળકને છાનાં રાખતાં કહે કે, ‘હવે, તને આખંુ વર્ષ બીમારી નહીં અડે.’ મેં હોળી ફરતે ફરતાં મારા શરીરમાં શક્તિસંચારને અનુભવ્યો છે. એટલે અનુભવે કહું છંુ કે આ શરીર શુદ્ધિની એક પારંપરિક પ્રક્રિયા હોવી જોઈએ. હવે આપણે ધુળેટીનો એક પ્રસંગ ટાંકીને વાત કરીએ.

વર્ષભરમાં ધુળેટીમાં લોકો શારીરિક રીતે પરસ્પર વધુ નજીક આવે છે. રંગવા જતાં એકબીજાને ચોળીચીમળી નાખે છે. આમાં ઊર્જાનું આદાનપ્રદાન થતું હોય છે. જિસસને શૂળીએ લટકાવ્યા હતા ત્યારે તેમના છ શિષ્યોએ પરસ્પર એકબીજાના શરીરનું માંસ તોડીને ખાધંુ હતું. આપણને એ ક્રૂરતા લાગે છે, પણ એ વાસ્તવમાં એકબીજામાં ભળી જવાની વિધિ હતી. અસ્તુ.

એમ તો કૅમિકલની ફૅક્ટરીઓમાંથી રોજનો કરોડો ગૅલન રાસાયણિક કચરો પર્યાવરણમાં ઠલવાય છે. એનું કંઈ નહીં? ધુળેટીના રંગોથી અને દિવાળીના ફટાકડાઓથી પર્યાવરણને નુકસાન જાય તે આ લોકોને દેખાય છે, નિર્દોષ આનંદ અને બીજા જીવનોપયોગી તત્ત્વોની પુરવણી થાય છે તે નથી દેખાતું. એ તેમનું અને તેમના માર્ગે જતા સમાજનું દુર્ભાગ્ય છે. બીજંુ શું.

1 टिप्पणी:

बेनामी ने कहा…

સરસ પોસ્ટ. લખવાનું કેમ બંધ કરી દીધું?