रविवार, 6 मार्च 2011

ગરવા ગિરનારની ગોદમાં


ગુજરાતનું સૌથી મહત્વપુર્ણ ધાર્મિક સ્થાન ગિરનાર. એક જમાનો હતો કે સાત સમદર પારથી ખોજી લોકો અધ્યાત્મની શોધમાં ગિરનાર ખુંદતા હતા. ગરવા ગિરનારના દર્શન માત્ર અનુભુતિનો વિષય છે. શાળામાં હતો ત્યારે ગિરનાર ચડ્યો હતો. તે વખતે પગથિયા ઉપર પગ ચાલતા નહોતા, ઉડતા’તા. ચરણને જરીકેય થાક નહી. એ પછીના ત્રણ દિવસનો પ્રવાસ દોડાદોડી અને કુદાકુદી સાથે પુરો કર્યો હતો. એ જાણે ગઈકાલની ઘટના હોય એમ એ દ્દશ્યો આંખ સામેથી પસાર થતા હતા. મનમાં હતું કે દત્તને ચરણે માથું નમાવવામાં તે કેટલીવાર. રમતા રમતા ડુંગરો ચડીશું અને બે-ચાર દિવસ મોજ પડે ત્યાં સુધી તળેટીમાં નાગા સન્યાસીઓને નિહાળ્યા કરીશું. હું અને મારા જીગરનો ટુકડો ડુંગર ચડીને ઉતરી ગયા પછી મને ખિજ ચડી મારી જાત ઉપર. દત્તાત્રેયની ટુંકના દર્શન કરવામાં તો ભવસાગર તરવા જેવો થાક લાગી ગયો.
‘પહેલા કામ અને પછી રામ’- જીવનમાં વનપ્રવેશ ટાણે વ્યવહારના કામ ઉકલી ગયા પછી સુખેથી શ્રીગોપાળ ભજવાની વાત કરનારી કમજાત પ્રજાને બે બે કીલોની ચોપડવાની ઇચ્છા થઈ. એક ગિરનાર ચડવામાં 33 વર્ષે શરીરના કડાકા બોલી જતા હોય તો 55 વરસે એની માનું નળુ પ્રભુ ભજન થાવાનું હતું! હરામની પ્રજા અને એથીય હરામના ગુરૂમહારાજો એમ કહીને નાની ઉંમરે ઉઠી રહેલા વૈરાગ્ય ઉપર પાણી ફેરવાનું કામ કરે છે. અરે ભાઈ, વનપ્રવેશ પછી બહુબહુ તો છુટથી વાછુટ થાય. બાકી શરીર સખ નો લેવા દે.

સમય બદલાઈ ગયો. ગિરનારના પગથિયા ઘસાઈને સાવ લિસ્સા થઈ ગયા અને લોકોના સુંવાળા મન ખરબચડા થઈ ગયા. પહેલા ગિરનાર ચડતા ત્યારે શરૂઆતમાં થોડા પગથિઆ સુધી શિંગ-ચણાની દુકાનો હતી. હવે છેક દત્તાત્રેય સુધી પાનબીડા, વેફર, વટાણા, શાકપુરી મળે છે. લોકોને જ્યાં થાય ત્યાં ધંધો કરી લેવો છે. બાકી બધુ જાય મા પૈણાવા.
પહેલા રસ્તામાં ગિરનાર સાથેનો મૌન સંવાદ થતો હતો હવે ડગલેને પગલે લોકોના ખિસ્સાના મોબાઈલમાંથી ફિલ્મી ગીતો ફુંટે છે. સાત હજાર ફુટની ઉંચાઈએ પણ, અલખ ધણીના ઓટલે પણ લોકોને ફિલ્મીગીતોનો સંગાથ જોઈએ છે.

કો સુતેલા ઋષિ જેવો ગિરનાર શિવરાત્રીટાણે વધારે ભોળુડો લાગે છે. કદાચ ભોળુડા બાળ નાગા સન્યાસીઓ એની ગોદમાં આળોટવા આવે એનું એને હેત ઉભરાતુ હશે. અંગે ભભૂત ચોળીને પોતાના લંગોટ, થેલો, ચિપિયો, તુંબડી સાથે ગિરનારની ગોદમાં ધુણી ધખાવીને જય ગિરનારીની અહાલેક જગાવતા પાંચ વર્ષથી લઈને પંચ્યાશી વર્ષના નાગા સન્યાસીઓ. ઓહ, સેંકડો નાગા સન્યાસીઓના એક જેવા નિર્દોષ ચહેરાઓ. એમાં કપટની આછી લકીરેય ન દેખાય. ભભૂત ચોળેલો આખો નગ્ન દેહ અને એમાં કોઈક કોઈક નાગાએ આંખે કાળા ચશ્મા ચડાવ્યા હોય. પાંચેક વરસના એક નાગા તો રમકડાની બંદુક ફોડતા હતા અને મુડ ચડે ત્યારે બાજુમાં પડેલા વાડકામાંથી યાત્રાળુઓના કપાળે ભભૂતનું તિલક કરતા હતા.

એક નાગા યાત્રાળુ મહિલાએ કાખે તેડેલા બાળક તરફ આંગણી ચીંધીને કહે છે, “માઈ, ઉસકો મુજે દે દે. વો હમારે લીયે હૈ. તેરે પાસ તો કારખાના હૈ. ફિર તું જીતના ચાહે બના લે.”

ભવનાથનો મેળો અધ્યાત્મના યાત્રીઓ માટે, ખોજીઓ માટે પણ સવિષેષ મહત્વ ધરાવે છે. અહી આખો માહૌલ સાત્વિક ઉર્જાથી છલકાતો હોય છે. નાગાઓના ચહેરા ઉપરની નિર્દોષતાથી આકર્ષાઈને કોઈકોઈ વિદેશી પણ ઝટાધારી બનીને ગાંજાની ચિલમ ફુંકતા જોવા મળે છે. કયા પરિબળોએ એમને નાગા બનવા પ્રેર્યા હશે? પોતાના ચિંથરેહાલ પરિવારને જોઈને ભિતર વૈરાગ્યની એવી અગનજ્વાળા પ્રગટી અને મનમાં ભાવ ઉઠ્યો કે આમ કાગડા, કુતરા પેઠે રવડી રવડીને મરવા કરતા સન્યાસી બનીને જાતને ઓળખવામાં જીવતર ખર્ચી નાખવું સારૂ? આર્થિક રીતે બેહાલ, પ્રેમભગ્ન યુવકો પણ નાગા સન્યાસ લેવા ઝંપલાવતા હશે?

સન્યાસમાં ઠેર-ઠેર દંભ ભાળ્યો અને નાગા સન્યાસીઓને જોઈને, એમના ચહેરાઓ ઉપરની માસુમિયતને જોઈને થતુ હશે કે સત્વ-તત્વ અહી મળશે? ફિર તો આગે આગે ગોરખ જાગે. નાગા સન્યાસીને ફરી સંસારમાં જવાની ઇચ્છા થાય તો?’ એક બાબા કહે છે, “એ સંભવ નથી. 12 વર્ષની આકરી તાલીમ પછી સન્યાસ આપવામાં આવે છે. કસોટીઓ કરીને સન્યાસ આપવામાં આવે છે. યહા પર ભી જુઠ, કપટ બહુત હે. ફિર ભી આપકી દુનિયા સે યે દુનિયા બહેતર હૈ.” તમને જાણીને નવાઈ લાગશે પણ તળેટીમાં ધુણી ધખાવીને બેઠેલા આ નાગા સન્યાસીઓએ પણ એમના આશ્રમમાં 500 રૂપિયા જેટલી ભેટ આપવી પડે છે. યુવાનોના નાગા બનવાના આકર્ષણ પાછળનું કારણ? સૌથી મોટુ કારણ ગાંજાનો નશો. નશેડીઓ નાગા સન્યાસી બનવા વધુ આકર્ષિત થાય છે. પછી સતત ગાંજો ફુંકવો અને નશામાં રહેવું એજ એમનું જીવન બની જાય છે. ગાંજા શિવાય એની કોઈ આસ કે પ્યાસ નથી રહેતી. તેઓ આજના કપટી સંસારીઓથી સારા પણ વાસ્તવિક અધ્યાત્મથી માઇલો દુર છે. અને આ દુરી વધતી જાય છે.

તળેટીથી જુનાગઢ બસ સ્ટેશન તરફ આવવા એસ.ટી.ની સ્પેશિયલ બસો મુકવામાં આવે છે. બસ ભરાય એટલે બસ ઉપડે. ટિકીટ 10 રૂપિયા. એવી જ વ્યવસ્થા જુનાગઢ એસ.ટી. ડેપોથી તળેટી જવા માટેની. સ્વાભાવિક જ સ્ટેશનથી તળેટી જનારા યાત્રાળુઓનો પ્રવાહ વધારે હતો. હલીલાખ માણસ ભવનાથના મેળામાં આવે છે. તળેટીમાં પાર્કિંગમાં બસોનો ઢગલો થઈ ગયો અને ડેપોમાં યાત્રાળુઓ બસની રાહમાં હજારો ફુટ લાંબી કતારમાં ઉભા હતા. વર્ષો પહેલા મારા પિતા અહી લાઈનમાં ઉભા હતા અને અઢી કલાકે તળેટીની બસમાં ચઢવા મળ્યુ હતું. એ વાતને દાયકો થયો. આજે વસ્તી વધી છે, ઘસારો વધ્યો છે. કતાર જોતા 4-5 કલાકની રાહ જોવી પડી હોય તો પણ નવાઈ નહી. કેવી વિટંબણા! સરકારી મેળાવડામાં ખાલી બસો દોડાવાય અને લોક મેળાવડામાં એસ.ટી. તંત્ર કમાણી કરવા લોકોને કલાકોની રાહ જોવડાવે. રિક્ષાવાળાઓને દુર ખદેડી મુકવામાં આવ્યા હતા નહીતર તેઓ બે પૈસા રળત અને લોકોને 10 રૂપિયામાં વગર હાલાકીએ તળેટીએ મુકી જાત. નો ડાઉટ, ભવનાથના મેળામાં આ રીતે એસ.ટી.એ લાખોની કમાણી કરી હશે. પણ એ કમાણીનો અર્થ શું? યાત્રાળુ ગિરનાર ચડવાના હોઈ બે પૈસાની કમાણી કરવા એમને હાલાકીનો શિકાર બનાવવો એ વિકૃત માનસિકતા નહી તો બીજુ શું? અરે કમનસીબો, તમારે દરેક જગ્યાએથી કમાણી જ કરવી છે તો વાપરશો કઇ જગ્યાએ? કમબખ્તો જવાબ તો આપો. નીચના પેટનાવ.

4 टिप्‍पणियां:

बेनामी ने कहा…

તમારો અનુભવ મારો પોતાનો હોય એવું લાગ્યું

viral trivedi blogspot.com ने कहा…

હિંમતભાઇ
ટૂંક સમયમાં મળીશું

बेनामी ने कहा…

tari to

बेनामी ने कहा…

tari to