सोमवार, 1 मार्च 2010

ગુજરાતી ભાષાની સમૃદ્ધિ અંગે...

શ્રી મોદી,
આપની કુશળતાની કામના સહ જણાવવાનું કે ઘણી ભાષાનો જાણકાર ફાધર વાલેસ ગુજરાતી વિશે કહે છે કે ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે ક્યાંક જોવા મળે તો તમે નવીન શોધ કરી છે એમ માનજો. એટલે ગુજરાતી ભાષાની શસક્તતા વિશે કંઈ કહેવાપણુ નથી જોતો. પણ એય હકીકત છે કે સંસ્કૃત જેવી વિશ્વશ્રેષ્ઠ ભાષાય આજે નામશેષ થવામા છે. સંસ્કૃત અંગે બ્રિટિશ વિદ્વાન સર વિલિયમ જોન્સ (૧૭૪૬-૧૭૯૪) લખે છે કે સંસ્કૃત ભલે ગમે તેટલી પ્રાચિન હોય, તેનુ બંધારણ અદ્દભુત છે, સંસ્કૃત ગ્રીક કરતા વધુ પૂર્ણ છે, શબ્દ વૈવિધ્યમાં લેટિન કરતાય વધુ સમૃદ્ધ છે અને બીજી કોઈપણ ભાષા કરતા વધુ સુંદર છે.

આવી વિશ્વની સૌથી સુંદર અને સમૃદ્ધ સંસ્કૃત ભાષા વ્યવહારમાંથી મુળ સોતી ઉખડી જવામાં છે તે હકિકત અત્યંત દુખદાયક છે પણ એની સામે એ પણ સમયનો જ તકાદો છે કે સામ્રાજ્યો, અરે આખેઆખી સભ્યતાઓ રેતીના ઢગલામાં પરિવર્તિત થઈ જાય છે. ગોબી, સહરા, થરપારકર... આજે જ્યાં છે ત્યાં એક કાળે વિશ્વની શ્રેષ્ઠ સભ્યતાઓ શ્વસતી હતી.

આટલુ મથાળુ બાંધ્યા પછી મારે રજુ કરવો છે તે મુદ્દો એ છે કે વૈશ્વિકરણના આ યુગમાં જે ભાષા વધુ સમૃદ્ધ હશે તે જીવશે, જે ભાષાની સમૃદ્ધ થવાની પ્રક્રિયા ધીમી હશે કે અટકી જશે તે ભાષાઓ ઝડપથી નાશ પામશે. અને ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવાનો એક કિમિયો મારી પાસે છે. મારો કિમિયો રજુ કરુ એ પહેલા મારે કેટલાક ગુજરાતી ભાષાવિદ્દોને ઉંધાહાથની એકાદ અડબોથ મારવી છે. ગુજરાતમુંબઇ અને ગુજરાતીઓ જ્યાં વસે છે ત્યાં નવી પેઢી વ્યવહારમાં ગુજરાતી કરતા અંગ્રેજીને વધુ પ્રાધાન્ય આપે છે તેથી ક્ષીણ થઈ રહેલી ગુજરાતી ભાષા નાશ પામશે એમ ભાષાવિદ્દો ગોકીરો કરી રહૃાા છે. અક્ષરની માંથે મિંડુ ધરાવતા શબ્દને નાકમાંથી ઉચ્ચારણ કરીને બોલવા ટેવાયેલા, હ્સ્વ અને દિર્ઘ માત્રાને એજ માપે પ્રયત્નપુર્વક સ્વરપેટીમાંથી બહાર ફેંકતા અને પોતે ગુજરાતી ભાષામાં અશુદ્ધિ નહી પ્રવેશવા દઈને ભાષાની રખેવાળી કરી રહૃાા છે અને બાકીના ગુજરાતીને દુષિત કરી રહૃાા છે એવો મત ધરાવતા આ અજ્ઞાનીઓનો નાશ થજો.

અક્કરમીના પડિયા કાણા જેવા ગુજરાતી છાપા મેગેજીનો તો ગુજરાતીને જીવાડવાને બદલે તેનું ગળું દાબવાના પ્રયત્નોમાં લાગ્યા છે. તેના એડિટરોમાલિકો લેખમાં જરાક અઘરો ગુજરાતી શબ્દ ભાળે કે તરત રાતાપિળા થઈને વાચકને સમજાય એવી ભાષામાં લખો, સરળ ગુજરાતીમાં લખો એમ કહીને કેબિન ગજવી દે છે. ગુજરાતી છાપામેગેજીનોમાં સાવ મર્યાદિત શબ્દોના ઉપયોગવાળુ ગુજરાતી વપરાય છે. શ્રી મોદી અને વહાલા ગુજરાતીઓ, ગુજરાતી ભાષા મરે ત્યારે એમાં આ લોકોનોય હિસ્સો હતો એમ જાણજો.

અને હવે રજુ કરુ છું મારો કિમિયો....
ચારણી ભાષા ગુજરાતીની નાની બહેન છે. અદ્દભુત લાઘવ છે ચારણી ભાષામાં. મડદાને બેઠા કરી શકે તેવી બળુકી આ ભાષા છે. ચારણી છે તો ગુજરાતી કુળની જ, ગુજરાતીની નાની બહેન. પણ ગુજરાતી શબ્દ કોશ ભગવદ્વોમંડળમાંથી ચારણી શબ્દો અલોપ છે, ચારણી એકેય ગુજરાતી માધ્યમોમાં દેખાતી નથી, નતો છાપાઓમાં કે ન તો પુસ્તકોમાં. શાળામહાશાળાઓમાંય ચારણીને ક્યાંય સ્થાન નથી. હા, હજુય ચારણીના વિપુલ શબ્દો સૌરાષ્ટ્રની અભણ પ્રજાની જીભે રમે છે. જરા કલ્પના કરો કે આખેઆખો ચારણી શબ્દકોશ ગુજરાતી શબ્દકોશમાં ભળી જાય તો ગરવી ગુજરાતી કેટલી સમૃદ્ધ થઈ જાય! એનો ભાષા વૈભવ દોઢો થઈ જાય! ચારણી ભાષા યુનિવર્સિટી ચાલુ કરો, કમાલની ક્રાંતિ સર્જાશે ગુજરાતી ભાષામાં. ગુજરાતીને ખાંપણ ઓઢાડવાની નોબત આવે એ પહેલા આ કામ થાય તો એનો કોઠો ટાઢો થાય બાકી મા ગુજરાતી મરી રહી છે એવી ચિચિયારીઓ પાડીને જીવતે જ એના નામના છાજીયા લેવાથી તો કાંઈ દી વળવાનો નથી. ભાષાને લાંબુ જીવાડવા માટે ભાષા શુદ્ધિ નહી, ભાષા સમૃદ્ધિની જરુર છે. ભાષાનું નદી જેવું છે એ એના સ્વરુપ બદલતી રહે છે અને ક્યારેય અશુદ્ધ થતી નથી.
આપનો અનુરક્ત,
હિંમત કાતરિયા.

(ઘણા ઉત્સાહથી વેબસાઇટ www.narendramodi.in પર શેર ધ આઇડિયા વિભાગ માટે લખેલો પણ તકનિકી કારણોસર સબમિટ ન થઈ શકેલો આ વિચાર અંતે અહી મુકવો પડ્યો. શ્રી મોદી તેની વેબસાઇટ ઉપર વિચારો સબમિટ કરી શકાતા નથી તે બાબતની તપાસ કરાવડાવે. આ તો ઘણુ ખરાબ કહેવાય. વચાર ૧૦૦૦ અક્ષરનો માંગતા હતા અને હું મારા વિચારને સંક્ષિપ્ત કરતો છેક ૫૦૦ શબ્દો સુધી લઈ ગયો, માગ્યા પ્રમાણેના ફેરફારો કરીને અડધો કલાક મથતો રહૃાો પણ હું આ વિચાર www.narendramodi.in ઉપર ન ચડાવી શક્યો.)

1 टिप्पणी:

बेनामी ने कहा…

ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.

http://kenpatel.wordpress.com/
http://saralhindi.wordpress.com/