અંદર ઘુમરાઈ રહેલા વિચારોને અભિવ્યક્ત કરવા પાત્ર શોધતો હતો અને અહી ખાલી જગ્યા મળી ગઈ. અહી કોઈના મસ્તિષ્કને વિચારોથી ભરવાની ક્વાયત આદરી નથી, મારે મન સ્વંયંના મગજમાંથી વિચારોનું વમન કરવાનો આ માર્ગ છે.
गुरुवार, 23 जुलाई 2009
ઇક તરફ મંદિર, ઇક તરફ મયકદા
દારૂબંધી અને દારૂમુક્તિ બંને વિષયના લોકો પોતાના મતને વાજબી ઠરાવવા વિવિધ દલીલો કરતા રહે છે.
બંને પક્ષની દલીલો પ્રસ્તુત છે. તમારે કોને મત આપવો તે તમે નક્કી કરો.
દારૂમુક્તિની તરફેણમાં...
આખંુ જગત દારૂ પીએ છે અને પશ્ચિમમાં વિશેષ દારૂ પિવાય છે છતાં બધા ત્યાં અનુશાસનમાં વર્તે છે. ત્યાં કોઈ વાતે ઊણપ નથી.
આપણે દંભી છીએ તેથી આપણે છડેચોક નહીં પણ છાને ખૂણે દારૂ પીવામાં માનીએ છીએ. એટલે આપણે દંભનો અંચળો ફગાવીને રાજ્યની દારૂબંધી ફગાવી દેવી જોેઈએ.
ગુજરાતમાં દારૂની રેલમછેલ છે, માગો ત્યારે અને માગો તેટલો દારૂ મળે છે તો પછી ખોખલી દારૂબંધી શા કામની? આનાથી ગુજરાત સરકારની તિજોરીને વર્ષેદહાડે અમુક કરોડ રૂપિયાનું નુકસાન જાય છે. પોલીસ અને બુટલેગરો અબજોમાં આળોટે છે. દારૂબંધીથી માફિયાગીરી ઘટવાને બદલે પોલીસ અને બુટલેગરોની ગઠજોડના કારણે માફિયાગીરી વધે છે. દારૂબંધી ઉઠાવી લેવામાં આવે તો સરકારને કરોડો રૂપિયાનો ટૅક્સ બૅનિફિટ મળે, પોલીસબુટલેગર્સ વચ્ચેની સાઠગાંઠ ખતમ થાય તો સુરક્ષાતંત્ર વધુ મજબૂત થાય.
દુનિયા આખી મનફાવે ત્યારે દારૂ પી શકતી હોય અને અહીં લોકતંત્રમાં માનતા દેશનો હું નાગરિક મને પીવાનું મન થાય તો પણ ગુજરાતમાં દારૂ પી ન શકું તેમાં મારા મૂળભૂત માનવીય અધિકારોનું હનન થાય છે તેનું શું? તેમ છતાં સરકારને દારૂબંધી જ મંજૂર હોય અને મારી વાત નામંજૂર હોય તો મને મારા અધિકારોના હનન બદલ તેનું કમ્પેન્શેસન મળવું જોઈએ.
આપણે ઉદ્યોગસાહસિક પ્રજા ભલે રહી પણ મૂલતઃ આપણે ડરપોક પ્રજા છીએ એટલે નવા પરિવર્તનને ઝટ આવકારી શકતા નથી અને પરિવર્તનને લઈને જાતજાતની અશુભ શંકાઓ વ્યક્ત કરવા માંડીએ છીએ. એટલે આગુસે ચલી આતી દારૂબંધીને આપણે બિનજરૂરી રીતે આગળ ખેંચ્યે જઈએ છીએ.
સેંકડોહજારો દારૂ પીનારા સજ્જન લોકો ગુજરાતમાં વસે છે એટલે દારૂને દૂષણમાં ખપાવી દેવું ઠીક નથી. ‘અતિ સર્વત્ર વર્જ્યતે’ કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાનકારક છે એમ દારૂ નહીં પણ દારૂનો અતિરેક નુકસાનકારક છે.
દારૂબંધીને કારણે ઘણી બહારની ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં આવતા અચકાય છે. દારૂબંધી હટાવવામાં આવે તો ગુજરાતનો અૌદ્યોગિક વિકાસ વધુ થશે.
દારૂબંધીની તરફેણમાં...
દારૂમુક્તિ માણસને પરિવારકેન્દ્રી ઓછો અને સ્વકેન્દ્રી વધુ બનાવે છે. કેમકે દારૂ પીનારો મજૂરવર્ગ કમાણીનો મોટોભાગ દારૂ પીવામાં વેડફી નાખે છે. ક્યારેક તો પત્નીની મજૂરીના પૈસાનું પણ ઢીંચી જવામાં અચકાતો નથી.
વાતે વાતે પશ્ચિમી દેશોમાં દારૂમુક્તિનો હવાલો આપીને અહીં પણ એવું વાતાવરણ ઝંખતા લોકોને માલૂમ થાય કે પૂર્વ અને પશ્ચિમનો કોઈ વાતે સંગમ કરી શકાય તેમ નથી, કેમ કે એક તો એ બરફીલો પ્રદેશ છે, ત્યાંની પ્રજાની તબિયત માટે દારૂ નુકસાનકારક કરતાં લાભદાયક વધુ છે. આપણે ગરમ પ્રદેશમાં રહીએ છીએ અને એમાંય પેટમાં લાય પેદા કરતો દારૂ પધરાવશું તો ફેફસાં ફાટી જવા સિવાય શું ભલું થશે? બીજંુ કે એ પશ્ચિમી દેશોને દારૂ પીવો આર્થિક રીતે પોસાય તેમ છે, ત્યાં ડ્રિન્ક ભર્યા પેટના ચાળા છે. જ્યારે આપણે ત્યાં દેશની ૫૦ ટકા વસ્તી ગરીબીરેખા નીચે જીવતી હોય, બે ટંકના રોટલા માટે નસીબ સાથે માથા પછાડતી હોય ત્યારે આપણે કયા મોઢે દારૂમુક્તિની અને તેમાંથી રાજ્યની કરકમાણીની વાતો કરીશું?
હિન્દુ, બૌદ્ધ, જૈન, ઇસ્લામ... આ બધા ધર્મો ઘણી બાબતે જુદા પડે છે, પણ એક વાતે સંમત છે, બધા ધર્મોમાં દારૂબંધી ફરમાવવામાં આવી છે. મંદિરની દીવાલોએ ‘કામસૂત્ર’નાં નગ્ન શિલ્પો કોતરાવવાની ઉદારતા દાખવી શકતો ધર્મ મદ્યપાનની છૂટ નથી આપતો તે કંઈ સાવ અમસ્તંુ જ!
મૂળભૂત માનવીય અધિકારના હનનની વાત કરનારા એ વાત સમજે કે દારૂબંધીના પ્રતાપે બહેનદીકરીઓ હજુય ગુજરાતમાં મોડી રાત્રે એકલી બહાર નીકળી શકે છે. એ તમારા અધિકારહનનનું વળતર ગણશો.
ગુજરાતના કોઈ પણ શહેરમાં મોડી રાત્રે સ્ત્રીઓ ડર વગર બજારમાં નીકળી શકે છે. મદ્રાસમાં રાત્રે સાત વાગ્યા પછી કોઈ મહિલા રસ્તા ઉપર જોવા નહીં મળે. ત્યાં રાતે કામવશાત્ પણ એકલી નીકળેલી મહિલા સાથે ‘ક્યાંક દારૂડિયાઓ છેડતી કરી બેસશે’ એવા ભયથી આ પ્રથા પડી છે.
દારૂ મુક્તિવાળાં રાજ્યોમાં શેરીના નાકે આવેલી દારૂની દુકાનેથી વડીલોની ફરમાશથી દારૂ લેવા જવું પડતું હોવાથી ટીનેજ અવસ્થા સુધીમાં મોટા ભાગના છોકરાઓએ દારૂનો ટેસ્ટ કરી લીધો હોય છે અને ઘણાને દારૂનું વ્યસન પણ થઈ જાય છે જે એના ચારિત્ર ઘડતરમાં બાધક બને છે.
દારૂબંધી છતા ગુજરાતમાં છડેચોક બેફામ દારૂ પિવાય છે એવી દલીલ કરનારાઓને કહેવાનું કે દારૂબંધી ઉઠી જાય પછી હાલ પિવાય છે એના કરતા સેંકડો ગણો વધારે પિવાશેે.
નાની રકમની બચત કરીને વેપારી બનવાનું સપનું જોતા અનેક ગુજરાતી યુવકો છે. તેમનું મન એક જ દિશામાં કેન્દ્રિત હોય છે. દારૂબંધી ઉઠાવી લેવામાં આવે તો નાની બચત પણ નહી થાય અને એક લક્ષ્ય પ્રતિ મન કેન્દ્રિત પણ નહી થાય. ગુજરાત દાયકાઓથી વેપારવણજમાં દેશદુનિયામાં પંકાતું રહ્યંુ છે તેમાં અહીંની દારૂબંધીનો પણ ઘણો ફાળો છે.
सदस्यता लें
टिप्पणियाँ भेजें (Atom)
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें