એમને ‘રત્નકલાકાર’ના નામે શિક્ષિતોએ નવાજ્યા પણ એમને એ રાજ ન આવ્યું અને એમણે ‘હિરાઘસુ’ના નામે ઓળખાવવાનું વધુ પસંદ કર્યુ. આજે ગુજરાતમાં હિરાઘસુઓ હડેહડે થયા છે ત્યારે...
એક વર્ષ સુધી સુરતમાં હિરાઘસુઓનો રૂમપાર્ટનર હતો. ઘણી વખત હિરાઘસુ મિત્રો સાથે કારખાને ઘંટી નીચે પગ ભરાવીને સુઈ જતો હતો, પગે પ્લાસ્ટિકની કોથળી વિંટાળીને. કારણ કે ઉઘાડા પગ ઉંદર ફોલીને ખાઈ જતા હતા. જો કે આટલી તકેદારી વચ્ચે પણ બેએક વાર ઉંદરોએ મારા પગની પાનીઓ કરડી ખાધી હતી. સવારમાં મિત્રો સાથે કારખાનાના ખુણાની ખુલ્લી કંુડીમાં હરહર મહાદેવ કર્યુ છે. હિરાઘસુઓના મુડને પારખ્યો છે, તેમની ચિંતા, દર્દ અને બેફિકરાઈ, રઘવાટ અને રખાવટ, વરિયાળી ભાગોળની વિઝીટ અને પરિવાર સાથેનું આત્મિક સંધાન, ગંડસ્થલના ઘા અને જીંદાદીલી...ને મેં ઝીલ્યા છે.
દમ હતો ત્યા સુધી એમણે પંડ્યના પાથરણા કર્યા છે. જાત સામુ કદી જોયું નથી. રોજ ૧૧ કલાક એક લાકડાના ફુટ બાટ ફુટના ટેબલ ઉપર તશરિફ રાખીને ઘંટીએ હીરા ઘસવાના અને રાત પડ્યે એજ ઘંટી નીચે પગ ભરાવીને સુઈ જવાનું. હું હજારો હિરાઘસુઓને મળ્યો, આટલી આકરી મહેનત છતા એકપણના ચહેરા ઉપર જીવનને વેંઢારતા હોય એવો ભાવ ન જોયો. ૧૫ વર્ષ પહેલા હિરાની મજુરીનો ભાવ હતો એટલો જ આજે છે, હિરા ઘસવામાં એને ભલે ઘરના બે છેડા ભેગા ન થતા હોય, કારખાનેદારએ મોટી હવેલીઓ બાંધી લીધી, પ્રાઈવેટ વિમાનો ખરીદી લીધા અને મુશ્કેલ કાળમાં પોતાને રસ્તે રઝળતા મેલી દીધા છતા એને સરકાર કે માલિકો પ્રત્યે મનમાં રત્તિભારની નફરત નથી. પોતે હજુ એની એજ પટ્ટાવાળી લુંગી પહેરીને ઘંટીએ બેસે અને એની નજર સામે ‘માલિકો’ મહાલયો બંધાવી રહ્યા હતા છતા એમને એની ઈર્ષા નહોતી. શાકબકાલાવાળી મોબાઈલ લઈને ફરતી હોય પણ ‘માલિકો’ એમની પાસે હજુ હમણા સુધી બાઈક, ફોન હોય તો તેમને કારખાનેથી છુટ્ટા કરતા. એવુ માનીને કે નક્કી તેમણે હીરા ચોર્યા હશે (કે બદલાવ્યા હશે) નહીતર મોબાઈલ, બાઈક ખરીદવાનું સામ્યર્થ ક્યાંથી આવે?!
ચપટીભર શેઠિયાઓએ લાખો હિરાઘસુઓ ઉપર જોહુકમી કરી અને તેમણે ચલાવ્યે રાખી. નાના ગુનામાં કે ગુનાના શક બદલ તેમની ચામડી ઉતરડી લેવાઈ, કોઈ કિસ્સામાં તો ઉંચા માળની અટારીએથી નીચે ફેંકી દેવાયા. ના, તેઓ કંઈ ગભરૂ પ્રજા નથી. શેઠિયાને નહી મારવાનું એના એથિક્સમાં નહી આવતું હોય એટલે બાકી તાપીના પુર સુરતમાં ઘસી આવ્યા ત્યારે સુવાવડી બાઈને વેણ ઉપડતા માથાડુબ પાણીમાં ખાટલા સોતી દવાખાને લઈ ગયા હતા ત્યારે સ્ત્રીરોગ નિષ્ણાંત ડોક્ટરે એડવાન્સમાં મોટી રકમ માંગી અને પછી જ દર્દીને હાથમાં લેવાનું કહ્યું હતું. એની ૧૦ મિનિટમાં હિરાઘસુઓનું વિરાટ ટોળુ ઘસી આવ્યું અને ત્રણ ફોર વ્હિલર સહિત આખેઆખા દવાખાનાને આગ ચાંપી દીધી. દવાખાના સાથે જોડાયેલું ડોક્ટરનું ઘર પણ બળીને ખાખ થઈ ગયું હતું. ડોક્ટરને અગાઉ ઘટનાનો અંદાજ આવતા ભાગી છુટ્યો હતો, નહિતર કદાચ એમનેય બળતામાં પધરાવી દીધો હોત.
બીજો દાખલો વરાછાની પ્રસિદ્ધ ક્રિષ્ના ડેરીનો, એક બાજુ તાપીનો કેર અને બીજી બાજુ કિષ્ના ડેરીના મારવાડી માલિકનો. દુધની ભારે અછત. બાળકોને પાવા માટેનું દુધ કિષ્ના ડેરીમાં લેવા આવે ત્યારે અછતનો ફાયદો ઉઠાવીને દુધમાં એજ તાપીનું ગંદુ પાણી મેળવીને કાળાબજારે વેચવા માંડ્યું. દુધનો રંગ સફેદ ન રહ્યો. હિરાઘસુઓએ આખેઆખી ડેરી ફુંકી મારી હતી.
હિરાઘસુઓના મહોલ્લામાં એ આખા મહોલ્લાને ઓળખે અને આખો મહોલ્લો એને. તેઓ પરસ્પરના મદદગાર. ગાંઠે બે પૈસા હોય તો ભાંગ્યાનો ભેરૂ થવામાંય એ વાર ન લગાડે.
તેમના જીવનના કાયદાઓ અને રસમો સાવ નોખા. આમ સાવ દરિદ્ર પણ લાખોનો વહિવટ ચિઠ્ઠિની લેવડદેવડ ઉપર થાય તોય ઈરાદનો પાક્કો. વહેવાર તોડવા કરતા જીવ આપી દેવાનું વધુ પસંદ કરે. ખાવાનું ભલે પ્રાઈમસે ચડતું પણ મહેમાનગતિમાં એને કોઈ ન પુંગે. મહેમાનગતિમાં અટ્ટારીઓવાળાને એ ટપી જાય. એમાંય ઉંચુ ભણેલો કોઈ એનો મહેમાન બને ત્યારે તો પાણીપાણી. દુનિયા જંકફુડ અને ફાસ્ટફુડને રંગે રંગાતી હતી ત્યારે તેઓ ફ્રુટની લારીએ ટોળે વળતા હતા. ફ્રુટ ખાવામાં અને ખરીદવામાં હિરાઘસુઓને કોઈ ન પોગે. વરાછા વિસ્તારમાં રોજના ૧૦ હજારના કેરી, તરબુચ વેચી નાખનારા લારીવાળાના દાખલા તમે એક માંગો હજાર મળે. હિરાઘસુઓની સાથે આજે એય નવરા થઈ ગયા. એમને મહેનતથી વધુ કંઈ ખપતું નથી. એટલે ઘર ચલાવવામાં મહેનત ઓછી પડે તો દિવાળી વેકેશનમાં ખેતીકામે લાગી જતા. ચોક્ખાચણાક અને ફુલફટાક બનીને મહાલવું એમને ગમે પણ સમય આવ્યે ધુળમાં ધુળ બની જતાય વાર ન લાગે. એકલપંડ્યે આખા પરિવારનો ભાર ખેંચતો હતો છતાય એના વર્તનમાં જરીકેય અભિમાન ન મળે.
પંદરવીસ ચોપડીના ભણતર પછીય નોકરીની સલામતિનો પ્રશ્ન લોકોને સતાવતો હોય પણ અભણ હિરાઘસુઓ જાણે કે કમ્મરતોડ મજુરી અને શ્વાસનળીમાં ઘસાયેલા હિરાની રજકણ ભરાઈ જતા અકાળે વૃદ્ધત્વ આવી જશે, ૪૫ વર્ષની ઉંમર પછી અંગુર કટોરાને હાથ અને આંખો સપોર્ટ નહી આપે છતા બેફિકરાઈ એના બાપની.
આ સ્થિતિમાં આમતો એને પાઈપાઈની બચત કરીને જીવવું જોઈતું હતું પણ એણે પાઈનીય બચત કરવાનું મુનાસિબ ન ગણ્યું. જે વખતે જેટલી કમાણી થઈ તેનું તુરત દાન અને મહા પુણ્ય. આજે જે સ્થિતિ આવી છે તેનો અણસાર તેને વર્ષોથી હતો. પણ હતો જરા અલગ અંદાજમાં. તેઓ માનતા કે નજીકના ભવિષ્યમાં જ એક સમય એવો આવશે કે હિરાની ખાણો ખુટી પડશે કે હિરાની ‘ડિમાન્ડ’ તુટી પડશે ત્યારે આપણે બધા ‘નવરા’ થઈ જવાના. ભલે અલગ કારણોથી પણ એમનો ભય સાચો ઠર્યો.
હિરા ઉદ્યોગને ગ્રહણ લાગવાથી હિરાઘસુઓના ગણિત ખોરવાઈ ગયા, વહેવારો અટકી ગયા. કરોડો કમાઈ બેઠેલા શેઠિયાઓને એની કોઈ બળતરા નથી?!
અને આમાં દિલને રાહત આપે એવી વાત એ છે કે હિરાઘસુઓએ આજની તારીખે કોઈની કને મદદની ઘા નથી નાખી. એના માલિકોને મદદની જરૂર હોય તો હોય, હિરાઘસુઓને પડી નથી. ‘દેવાવાળો હજાર હાથવાળો છે એ કીડીને કણ અને હાથીને મણ દઈ રે છે’ એવી એમની મુળ માનસિકતા. હિરાના કારખાનામાં મજુરી કરતા હતા તે હવે ખેતરવાડીએ કરશે. વર્તમાનમાં જીવવાવાળી આ પ્રજા અપરિગ્રહમાં માનતી. ખાવુંપિવું અને પરિવારને ખુશ રાખવો એ એની પ્રાથમિકતા. અને વળી એકલો માણસ આખા પરિવારની ધુંસરી કાંધે ઉપાડીને ચાલતો હોય ત્યારે એની પાસે પૈસો ક્યાંથી હોય. ચારેકોર દંભપાખંડકૃત્રિમતાની બોલબાલાની વચ્ચે હિરાઘસું આટલો સરળ કેમ રહી શક્યો હશે?
બે કારણો હશે એની પાછળના. એને ભણતર બહુ ચડ્યુ નહી અને મુળે એ ગામડાની મિટ્ટીનો માણસ, ધરતીપુત્ર.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें