सोमवार, 9 मार्च 2009

ડગલું ચાલતા ગોઠીંમડું ખાઈ જનારા રાજકારભાર ચલાવે છે





૫૩ વર્ષના તેલુગુ અભિનેતા ચિરંજીવીએ સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યુ છે. ગયા વર્ષના અંત ભાગે તેણે ‘પ્રજા રાજ્યમ્ પાર્ટી’ના નામે આંન્ધ્રપ્રદેશમાં નવો સ્થાનિક પક્ષ રચ્યો હતો. લોકસભાની ચુંટણીઓ નજીક આવી ચિરંજીવ ઉપરાછાપરી રેલીઓ કાઢી રહ્યો છે અને તેલુગુ ફિલ્મોનો સુપરસ્ટાર છે એ નાતે તેની સભાઓમાં સૈલાબની જેમ લોકો ઉમટી પડે છે. કારણ કે દક્ષિણમાં સુપરસ્ટાર અભિનેતાને લોકો ભગવાનના ઠેકાણે બેસાડે છે.

ના, મારે ચિરંજીવીની લોકપ્રિયતા વિશે, ઉપલબ્ધિઓ વિશે કે તેના નવા પક્ષની ખાસિયતો વિશે કંઈ કહેવું નથી. 

મારે કહેવું છે તેના ૫૩ વર્ષે રાજકારણમાં પ્રવેશ વિશે. 
રાજકારણ સમાજને સૌથી વધુ અસર કરતું પરિબળ છે. ફિલ્મ, મિડિયા, બ્યુરોક્રસી, બિઝનેસ...આ બધા ક્ષેત્રનવિશો સમાજ ઉપર પ્રભાવ પાડી શકે છે એ કરતા સમાજ ઉપર અનેક ગણો વધારે પ્રભાવ રાજનેતાનો પડે છે. છતાય, તમારે આઈઆઈએમ, નિફ્ટ જેવી સંસ્થાઓમાં એડમિશન લેવું હોય તો આકરી કસોટીઓમાંથી પસાર થવાનું અને એય પાછુ ૩૦૩૨ વર્ષની નીચેને ઉંમર સુધીમાં, પણ રાજકારણમાં પ્રવેશ માટેની કોઈ નિશ્ચિત વયમર્યાદા નહી? રાજકારણમાં તમે ૫૦ વર્ષે પ્રવેશ મેળવી શકો અને ૮૨ વર્ષે પ્રધાન (વડાપ્રધાન ઓલ્સો) પણ થઈ શકો. અન્ય કોઈ ક્ષેત્રમાં જોઈએ એ કરતા રાજ ચલાવવામાં વધારે આવડતની જરૂર પડે છે એ વાતની આપણને બધાને ખબર હોવા છતા વનપ્રવેશ કરી ચુકેલાને આઈઆઈએમમાં નહી ને રાજકારણમાં એન્ટ્રી કેમ આપવામાં આવે છે? કહું છુ કે મોટી ઉંમરનાઓને રાજકારણમાં પ્રવેશનિશેધ ફરમાવશો અને આઈઆઈએમ જેવી પ્રિમિયર શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ આપશો ચાલશે. કારણકે એક પ્રધાનનું બળ હજાર અધિકારી જેટલું જાણજો. 

આપણે સંસ્કારી સમાજ હોવાની ડિંગ હાંકીએ છીએ તે વનપ્રવેશ કરી ગયેલાને રાજકારણમાં પ્રવેશ આપીએ છીએ એમાં આપણુ સંસ્કારીપણુ ઝળકે છે? શરીરમાં ગેસ અને બદહજમીએ કબજો જમાવી લીધો હોય એનામાં રાજ્યનું કલ્યાણકારી વિચારો સ્ફુરે એવી આશા ઠગારી નહી નિવડે? ૨૦૨૫ વર્ષે જીવનમાં કંઈક કરી દેખાડવાનો જે જુસ્સો હોય છે તે ૫૦ વર્ષે નથી રહેતો, આદર્શોને વળગીને ચાલવાની ધખના હોય છે તે મોટેભાગે ખતમ થઈ ગઈ હોય છે. વંડીઓ ઠેકી જતો હતો તેને ચાર ડગલા ચાલવામાં હાંફ ચડી જાય છે. કરમદા, બોર કાચાપાકા ઝાપટી જતો હતો તેને કાયમ ચુર્ણ અને મધુપ્રમેહને અંકુશમાં રાખવાની ગોળીઓ ખાવી પડે છે. જીવનની અડધી સદી ઓળંગ્યા પછી માણસ સેટિંગો પાડતા શિખી જાય છે. જીવનમાં આદર્શો જેવું કશું હોતું નથી એવી તેને ખબર પડી જાય છે. ટુંકમાં, માણસ રીઢો બની જાય છે. એક ગરીબડા પ્રજાજનની ઘા એના ડઠ્ઠર જેવા થઈ ગયેલા હદય સુધી પહોંચતી નથી એટલો રીઢો. એને તમે પરિપક્વ પણ કહી શકો. આ ઉંમરે આપણે તેને નેતા બનાવીએ છીએ. અને પછી રાજકારણમાં નિચ, ગંદા, ગલીચ લોકો ભરાયા છે એવી ફરીયાદ કરીએ છીએ. પચાસ વર્ષે રાજકારણમાં પ્રવેશીને લોકપ્રિયતાની રોકડી કરી મુખ્યપ્રધાન બની જતા નેતાઓને અને પછી ૮૦ વર્ષે જરા જોરથી ડગલું ચાલવામાં ગોઠીંમડું ખાઈ જવાય એવી સ્થિતિએ પણ રાજકારભાર નહી છોડતા સત્તાલાલચુઓ આપણી સંસ્કૃતિનો જ એક ભાગ છે?

આ સ્થિતિનું નિર્માણ આપણે જ કર્યુ છે. તેથી નેતાઓ સામે એક આંગળી ચિંધીશું તો ચાર આંગળી આપણી તરફ તકાયેલી રહેશે. 

(તા.ક. આમાં બાજપેયી, અડવાણી જેવા વૃદ્ધોને વાચકો ન સમાવે. કારણ કે તેઓ યુવાવસ્થાથી જ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા હતા.)

कोई टिप्पणी नहीं: