અંદર ઘુમરાઈ રહેલા વિચારોને અભિવ્યક્ત કરવા પાત્ર શોધતો હતો અને અહી ખાલી જગ્યા મળી ગઈ. અહી કોઈના મસ્તિષ્કને વિચારોથી ભરવાની ક્વાયત આદરી નથી, મારે મન સ્વંયંના મગજમાંથી વિચારોનું વમન કરવાનો આ માર્ગ છે.
शुक्रवार, 21 मार्च 2014
નેતા મોટો કે નિતિમત્તા?
'ચૂંટણીઓમાં જ્ઞાતિવાદને કોઈ કાળે નકારી શકાય તેમ નથી' લગભગ તમામ રાજકીય ચર્ચાઓમાં આવુ સમીકરણ ઉભરે છે અને બહુમત કહોને કે લગભગ લોકો, એને હોંશેહોંશે વધાવે છે. આવી આબોહવા ચોમેર ફેલાયેલી જોઈને થયું ચલો આમાંથી સચ્ચાઈનો તાગ મેળવીએ...
વાતની શરુઆત હું મારાથી કરીશ. હું આહિર જ્ઞાતિમાંથી આવું છું. આહિરો મુળે માલધારી પ્રજા એટલે રાજકારણ સાથે બહુ લેવાદેવા નહોતી પણ હમણાથી સમુહલગ્નો સહિત જ્ઞાતિના દરેક મેળાવડામાં રાજકીય આગેવાનો જ્ઞાતિબંધુઓને એક થવાની વાત પર ભાર મુકે છે. રાજકીય પહોંચ વધારવાની વાત કરે છે. એકસંપ થવાની વાતે પટેલ જેવી અન્ય જ્ઞાતિઓના દાખલા દઈને તેઓ કેટલા આગળ નિકળી ગયા અને તમે કેટલા પાછળ રહી ગયા તેનું મેદનીને ભાન કરાવે છે. સફેદ વસ્ત્રોમાં મેળાવડાઓમાં ફરતા રહેતા આવા નેતાઓ દેવદુત જેવા લાગે છે પણ વાસ્તવમાં આવા લોકો સમાજના મોટા દુશ્મન છે. તેઓ પોતાની અંગત મહાત્વાકાંક્ષા સંતોષવા, રાજકીય મોરચે જીત મેળવવા, નિર્દોષ પ્રજાને ભરમાવે છે.
કૃષ્ણ આહિર કુળમાં જનમ્યા હતા. એમના સંતાનો અંદરોઅંદર લડી મર્યા, યાદવાસ્થળી સર્જાઈ ત્યારે પણ કૃષ્ણએ તેમને બચાવવાની ચેષ્ટા નહોતી કરી. કૃષ્ણ પરમાત્મા ઇચ્છત તો તેમના સંતાનોને બચાવીને, અન્ય રાજ્યો પર વિજય મેળવીને સૌ સંતાનોને અક્કેકુ રાજ સોંપી શકત. પોતાના અને પરાયા વચ્ચેનો ભેદ પાડવાને બદલે તેમણે જે ન્યાયની પડખે ઉભા રહેવાનું અને અન્યાયીનો વધ કરવાનું ઉચિત ગણ્યું. એ માટે એમણે સગા મામાનો અને પિતરાઈ ભાઈનો પણ વધ કર્યો. એકસંપ થઈને અશક્ત જ્ઞાતિઓનો ખો કાઢી નાખવાની કૃષ્ણએ કદી સલાહ આપી નથી.
દૈવી ગુણો ધરાવતા આહિરો એની રખાવટ અને રોટલાથી પંકાતા હતા. એની સત્યનિષ્ઠાથી પંકાતા હતા. એ મૂલ્યો મા પૈણાવા ગયા. એ મૂલ્યોનું જતન કરવાની, એનું ગૌરવ લેવાની કોઈ મંચ પરથી વાત નથી કરતું. એને તો બસ જ્ઞાતિજનોના મતોના સહારે પોતાની સત્તા વધારવાની પડી છે. એક નિર્દોષ પ્રજાની આંખોમાં સત્તાનો સુરમો આંજી પોતાના વશમાં કરવાનો હુન્નર એમણે સાધ્યો છે. હજુ આહિર બહુ આહિર નેતાઓ પેદા નથી થયા અને જે નેતાઓની વાતોને પ્રજા બહુ માથે નથી ચડાવતી એટલું આશ્વાસન છે. હજુ આહિર સેના નથી રચાઈ પણ આ જ વિચારમાંથી બ્રહ્મસેના રચાઈ છે, ક્ષત્રિય સેના રચાઈ છે, કોળી સેના રચાઈ છે. કયા આક્રમણોને ખાળવા, કોની સામે મોરચો માંડવા આવી સેનાઓ રચાય છે? કોઈને ખબર નથી. કેમકે સૌની આંખોમાં સત્તાનો ચુરમો આંજી દેવાયો છે. આવી સેનાઓ રચનારાઓને કે એના સેનાપતિ થનારાઓ પણ ખાંડ ખાય છે. એમને એ ખબર નથી કે આવી જ સેનાએ દુનિયાને વિશ્વયુદ્ધના ખપ્પરમાં હોમી દીધુ હતું. જર્મનીમાં યહુદીઓએ એકસંપ થઈને બાકીની પ્રજા પર એટલો તો જુલમ ગુજાર્યો કે આખરે એ સૌકોઈનું લોહી વિશ્વયુદ્ધના ખપ્પરમાં રેડાયું.
જ્ઞાતિ ગૌરવનો માપદંડ રાજકીય પ્રતિનિધિત્વ કદી ન હોઈ શકે. જ્ઞાતિ ગૌરવ લેવું જ હોય તો જ્ઞાતિના ઉમદા મુલ્યોનું જતન કરીને, સંવર્ધન કરીને લેવું. આમ સેનાઓ રચવાથી અને સભાઓ ગજવવાથી તો સમાજ પતનની ખીણમાં જઈ બેસશે. કેમકે તમે એકસંપ થઈને કોઈના હક્કહિસ્સાનો કોળિયો છીનવી લો છો ત્યારે એ ભુખે મરે છે કે નહી એની ચિંતા જવા દો, તમે હરામખોરની ઓલાદ બની જાવ છો એ મોટી ચિંતાનો વિષય હોવો જોઈએ.
सदस्यता लें
संदेश (Atom)