शुक्रवार, 24 जुलाई 2009

ધોતી માંથી કોટ-પેન્ટે વળગ્યા પણ ધોતીછોડ વલણ પણ વળગ્યું

ગુજરાતમાં દાયકા પહેલા યુવાન કન્યા રાતે બે વાગ્યે એકલી નિર્ભિકપણે શેરીઓમાં આવનજાવન કરતી, શેરીના નાકે એકલી બરફ ગોલો ખાવા જઈ શકતી હતી. આજે રાતે બે વાગ્યે શેરીઓમાં આવનજાવન કરે તો તે જોખમી ગણાશે. તાજેતરના વર્ષોના મહિલા સામેની ગુનાખોરીના આંકડા જોઈએ તો ૨૦૦૬ના વર્ષના નેશનલ ક્રાઈમ રિસર્ચ બ્યુરોનો રિપોર્ટ મુંજબ મહિલા સામેની ગુનાખોરીમાં દેશના ૩૫ રાજ્યો અને કેન્દ્રશાસિત દેશોમાં ગુજરાતનો આઠમો નંબર, મહિલા અપહરણમાં સાતમો અને ભારતના મુખ્ય ૩૫ શહેરોમાં મહિલા અપહરણમાં દિલ્હી પછીના બીજા ક્રમે અમદાવાદ હતું. મહિલા સુરક્ષાના ગુજરાતને કોઈની નજર લાગી ગઈ? આ મુદ્દે સમાજનું વલણ કેવું છે? આ બે પ્રશ્નોને લઈને કરેલા ઉત્ખનનમાંથી મળેલા કેટલાક મુદ્દાઓ...


દાયકા પહેલા ગુજરાત સૌથી શાંત અને સુરક્ષિત રાજ્ય ગણાતું. છેલ્લા કેટલાક વર્ષોમાં બીજા રાજ્યોમાંથી શાંતિ ઝંખતા અને રંજાડ કરીને ખિસ્સા ખંખેરવા ઈચ્છતા, બંને શ્રેણીના અઢળક લોકો ગુજરાતમાં ઠલવાયા છે અને ઠલવાઈ રહ્યા છે. દોઢ દાયકા પહેલા તમે ગુજરાતની શેરીઓમાં કદી કોઈને આસપાસના લોકોની પરવા કર્યા વગર હસતાહસતા અને મોટેમોટેથી ગાળો ફટકારતા જોયો હતો? ના. પણ ઉત્તર ભારતિયો પાસેથી આયાત થયેલી ગાળો આજે અમદાવાદની શેરીઓમાં છુટથી બોલાય છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં હજુ પરપ્રાન્તિયોનો પગપેસારો ભારેમાત્રામાં નથી થયો એટલે હજુય ત્યાં અહીનો કોઈ ટેવવશાત ગાલીપ્રદાન કરતો સંભળાય તો પણ તેની જાહેરમાં ધોલાઈ થાય. સૌરાષ્ટ્ર હજુય ગાળપ્રયોગને વિકૃતિ સમજે છે, જ્યારે બાહ્ય પ્રભાવને વશ થઈને બાકીનું ગુજરાત ગાળને સામાન્ય શબ્દો ગણવા લાગ્યુ છે.


પહેલાના અને આજના ગુજરાતીઓમાં ફર્ક એટલો પડ્યો કે પહેલા ગુજરાતી લક્ષ્મી પચાવી શકતો હતો હતો, આજે પચતી નથી. આમા માર્કેંટિંગના આક્રમણે બળતામાં ઘીનું કામ કર્યુ.


આજે શેવિંગ ક્રીમની જાહેરાતમાં પણ રૂડું ફિગર ધરાવતી સ્ત્રી રજુ કરવામાં આવે છે. સ્ત્રીને દરેક પ્રોડક્ટ સાથે જોડી દેવામાં આવી. છેવટ સ્ત્રી જ એક પ્રોડક્ટ, ‘આઈટમ’ બની જાય એવું વાતાવરણ સર્જાયુ છે. આજે આપણી આસપાસના વાતવરણમાં દરેક મુવ સેક્સ ડિટર્મીન (સેક્સ આધારિત) થઈ રહી છે.


આજે છોકરાછોકરી બંને તિવ્ર ગતિથી એકબીજાની નજીક આવે અને અજુગતિ માંગણી કરતાય ન ખચકાય. એવી માંગણીઓ સહજતાથી પુરી પણ થાય. અને ક્યાંક પુરી ન થાય તો બળજબરી કરીનેય પુરી કરતા કશો ખચકાટ નહી.


કરપ્ટ સરકાર અને ન્યાયતંત્રની કાર્યવાહીના પગલે વગ ધરાવનારા ગુનેગારો આબાદ રીતે છટકી જવાને કારણે મોટાભાગના કેસોમાં ન્યાય થતો નથી. ગિરીશ પટેલ જેવા માનવ અધિકારોની રક્ષા માટે જાત ઘસી નાખનારા બાહોશ ધારાશાસ્ત્રીને એટલે જ તો બે હાથ જોડીને વિનંતી કરવી પડે છે કે મહેરબાની કરીને ન્યાયતંત્ર પાસે કોઈ અપેક્ષા ન રાખશો. કેવી કરૂણતા! આ સ્થિતિના કારણે વિકૃત માનસિકતા ધરાવતા નરાધમોને બળ મળી રહે છે.


મોટા ભાગના બળાત્કાર પ્રકરણોમાં ધનિક, સરકારી કર્મચારીઓ કે તેમના નબીરાઓ સંડોવાયેલા જોવા મળે છે. આ એક વિચાર માંગી લે તેવી બાબત છે. સમાજને દોરવણી આપતો વર્ગ સમાજને ક્યાં લઈ જઈ રહ્યો છે તેની આમાંથી રૂપરેખા મળે છે. રેપ જેવા કેસોમાં સરકારે સામે ચાલીને કાર્યવાહીને ઝડપી બનાવવી જોઈએ પરંતું અહી બને છે એવું કે લોકો ચિંધે છે છતા સરકાર નિષ્ક્રિય બની બેસી રહે છે.


છેલ્લા પાંચસાત વર્ષથીં ગુજરાતમાં મહિલા વધુ અસુરક્ષિત બની છે અને આ માટે સમાજ અને સરકાર સરખા (૫૦૫૦ ટકા) જવાબદાર છે. સરકાર મુલ્યો આધારિત શિક્ષણ વ્યવસ્થા બનાવવામાં નિષ્ફળ રહી છે અને સમાજ બાહ્ય પરિબળોથી વધારે પ્રભાવિત થયો છે, મુલ્યો આધારિત પરિબળોને જાળવી નથી શક્યો. સમાજને મુલ્યો તરફ વાળવાનું કામ શિક્ષણ સંસ્થાઓનું છે. સમાજશાસ્ત્ર વિષય શિવાય પણ ઇતિહાસ, અર્થશાસ્ત્ર બધામાં વેલ્યુ એજ્યુકેશન દાખલ કરવામાં આવે તે જરૂરી છે અને વેલ્યુના પિરિયડ લઈને કામ પતાવવાથી કંઈ વળવાનું નથી. આજે સોશિયોલોજીની શાખામાં થિઅરીઓ ભણાવવામાં આવે છે પણ આવું દાખલા આધારિત શિક્ષણ નથી આપવામાં આવતું.


છેલ્લા કેટલાક બહુચર્ચિત કેસોમાં શિક્ષિત વર્ગના લોકો સંડોવાયેલા જોવા મળે છે. શહેરોમાં જ રેપ પ્રકરણો પ્રકાશમાં આવે છે. સુરત, પાટણ, પડુસ્માના બળાત્કાર પ્રકરણમાં શિક્ષિત વર્ગ સંડોવાયેલો માલુમ પડ્યો છે. આ એક નવું તથ્ય ઉજાગર કરે છે કે બળાત્કારને શિક્ષણ સાથે કશીજ લેવાદેવા નથી. અશિક્ષિત કે અર્ધશિક્ષિત ગામડાઓમાં તો આવા રેપ થતા નથી. એ દર્શાવે છે કે આપણી શિક્ષણ પદ્ધતિ ધરમુળથી જ ખોટી છે.


લગન્જીવન બાબતે વાત કરીએ તો આજે આપણે નથી પુરા વેસ્ટર્ન તરફે કે નથી આ તરફે. આ પણ એક મોટી સમસ્યા છે.


સ્કુલ લેવલે સ્ત્રી અસલામતિનું પ્રમાણ ઘણુ વધ્યુ છે. સંયુક્ત પરિવારમાં તરફાતરફીને કારણે ઘણી સ્ત્રીઓને અન્યાય સહેવો પડતો હતો અને સ્વતંત્રતા છિનવાઈ જતી હતી એટલે તેમાંથી છુટકારો મેળવવા આપણે ત્યાં વિભક્ત પરિવારની વિભાવના જન્મી. પહેલા ટિનએજર દિકરીની સંભાળ માટે સ્ત્રી નોકરી છોડી દેતી હતી, આજે એમ નથી થતું.ુ ફાયનાન્શિયલ સિક્યુરિટી, ઇન્ડિપેન્ડન્સના નામે મા ટિનએજ દિકરીની પરવા કરવાને બદલે નોકરીને વળગી રહેવાનું વલણ અપનાવે છે. એટલે ન્યૂક્લિયર ફેમિલીમાં થાય છે એવું કે માબાપ બંને નોકરીવ્યવસાયમાં વ્યસ્ત રહેવાના કારણે બાળપણમાં હુંફ મેળવવા છોકરાછોકરીઓ બહાર નજર દોડાવે છે. કોલેજમાં માવતરની વ્યસ્ત રહેણીકરણીથી અસંતુષ્ટ કેટલાય છોકરાછોકરીઓ કોલેજ ટાઈમ પુરો થયા પછી પણ ઘરે જવાને બદલે આખો દિવસ કોલેજ કેમ્પસમાં જ ગાળે છે. આમ નવા ફેરફારમાં સમાજ બાહ્ય પરિબળો તરફ ખેંચાઈ ગયો, મુલ્યોના પરિબળોને સાથે નથી જાળવી શક્યો. સમાજે ન્યુકિલયર ફેમિલી જે વેલ્યુ માટે કર્યા હતા તે તો ભુલી જ ગયો અને બાહ્ય પરિબળોને તાબે થઈ ગયો.


વળી બન્યુ એમ કે માતાઓ અહી ઓછુ ભણેલી છે, કોલેજમાં જતા પુત્રપુત્રીના મનમાં પોતે માતા કરતા વધુ ભણતર ધરાવતા હોવાનો ફાંકો આવી જાય છે અને એવી રીતે મા પાછળનો પુજ્યભાવ ખતમ થઈ જાય છે. ફિલ્મોમાં ઘરમાં વડિલોને મુર્ખ બનાવે એટલે હોશિયાર ગણાય છે અને એટલે એ અનુકરણે વડિલો તરફનો પુજ્યભાવ ખતમ કરી નાખ્યો છે. આજે વડિલોનું સાંભળે છે જ કોણ?


ફુંકાયેલા આ આધુનિકતાના વાયરામાં વડિલોની ભુમિકા જ નષ્ટ થઈ છે, એટલે કંઈ પણ નીચ કર્મ કરતા પુર્વે પરિવારનો, સમાજની બીકનો ફફડાટ કુકર્મ કરતા અટકાવતો તે હવે નથી અટકાવતો. નિરંકુશ યુવકો મનમાં આવતા તરંગોને આધીન થઈને તે મુંજબના બળાત્કાર, ગ્રુપ સેક્સ, ગેંગરેપ, હિટ એન્ડ રન, રેવ પાર્ટીના પ્રયોગો કરતા થયા છે.


સેટેલાઈટ ચેનલોનું પ્રભુત્વ વધ્યુ એમ અસલામતિનું પ્રમાણ વધ્યું. પહેલા ડીડી સિવાઈની કોઈ ચેનલ નહોતી ત્યારે અમે વાંધાજનક લાગતા પ્રસારણ સામે વાંધો ઉઠાવતા. ગુજરાતી ફિલ્મોની સતિ અમારે નથી જોવી એમ કહેતા એટલે તેવી જાહેરાતોનું પ્રસારણ અટકી જતું હતું પણ હવે આભ જ ફાટ્યુ છે ત્યારે થિંગડું ક્યાં દેવું? સુરક્ષાના માહોલને ડોળવામાં પ્રસાર માધ્યમોનો મોટો ફાળો છે. જાહેરાતોને છોકરીને કબ્જે કરવાની જ કળા સાથે જોડી દેવામાં આવે છે. છેલ્લે જાહેરખબરનો દોર ચાલ્યો તેમાં મર્દાનગી સાથે દરેક વાત જોડી દેવામાં આવી. અમિતાભ બચ્ચન પણ આના માટે જવાબદાર છે. સિસ્ટમને ખોટા માર્ગે કબ્જે કરવાનું ફિલ્મોમાં આવે છે. દાખલા તરીકે... એક ફિલ્મમાં સ્કૉટલેન્ડ યાર્ડની પોલીસને નાયકે હેરાન કરી હતી અને એ દ્દશ્ય જોઈને ઓડિયન્સ તાળીઓ પાડતું હતું.


સરકારની જવાબદેહી વિશે વાત કરીએ તો રાજકીય નેતાઓ પોતાના માટે થઈને જ કાયદો અને વ્યવસ્થાતંત્રને ઉપયોગ કર્યે જાય છે. ઘણી વખત પોલીસ અધિકારીને દુર્ઘટના વિશે પુંછતા તેનો જવાબ મળે છે કે ત્યારે હું તો ફલાણા નેતાના બંદોબસ્તમાં હતો. નેપાળી સ્ત્રીનું મૃત્યુ ન થયું હોત તો સુરતની ગેંગ રેપની ઘટના ન બનત. કારણ કે આ ટોળકી જ એ નેપાળી સ્ત્રી ઉપરના બળાત્કાર માં સંડોવાયેલી હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. એકલદોકલ કેસમાં ફાસ્ટ્રટ્રેક કોર્ટ રચવાથી શું? પાટણ રેપકાંડની તપાસ પણ એક મહિના સુધી નહોતી થઈ અને નેપાળી યુવતીના પ્રકરણમાં પણ એમ જ થયું. દરેક સામાન્ય ઘટનામાં પણ પદ્ધતિસરની તપાસ થવી જોઈએ. અમે રસ્તા ઉપર ઉતર્યા અને પછી તમે તપાસ સોંપી એ પ્રશાસનની સાચી પદ્ધતિ નથી. આનો અર્થ એ થયો કે સામાન્ય રીતે સરકારી તંત્ર સુતું હોય છે અને તેને દરેક વખતે ઢંઢોળવું પડે છે.


આમા આપણી લવચિકતા(ફ્લેક્સિબિલિટિ) પણ આપણને વધુ નડી રહી છે. આપણે ધોતીયું પહેરીને લાખોકરોડોનો વેપાર કરતા આપણા પુર્વજોનું મોડલ ફગાવીને કોટટાઈમાં વેપારનું મોડલ અપનાવ્યું. દંભ દેખાડો પરાકાષ્ઠા એ પહોચ્યા અને સમાજનિષ્ઠા અને મુલ્યોની જાળવણીના નામે આપણે સાવ નાઈ નાખ્યું. બિઝનેસ માર્કેટનું તો સ્પષ્ટ ગણિત છે કે જે વેચાય તે વેચવું. એટલે સ્ત્રીને પ્રોડક્ટ તરીકે ન ગણવાની અપેક્ષા ત્યાં કેમન ફળે? ખુદ બી.એડ. કોલેજોમાંથી બળાત્કારના કિસ્સાઓ બહાર આવે ત્યારે આશા કોની કને રાખવી? વેલ્યુ એજ્યુકેશન આખી દુનિયામાં ગાયબ છે.


આજે સ્ત્રી પ્રોડક્ટ્સ તરીકે રજુ થઈ રહી છે. ગુજરાતમાં પાર્ટી કલ્ચર અત્યારે છે એટલું પહેલા નહોતું. મેકઅપ, બ્યુટી પાર્લરનું ચલણ આટલું નહોતું. સ્ત્રીએ મેકઅપ ન કરવો કે બ્યુટી પાર્લરમાં ન જવુ કે સાજસજ્જા ન કરવી એવો મતલબ નથી. એમ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ એ ખરૂ પણ તે સમાજમાં ફરજિયાત બને તે ખોટું છે. પછી તે કરે તે બધી ફેશનેબલ અને ન કરે તે બધી અનફેશન્ડ છે એ દ્રષ્ટિ ખોટી છે. આજકાલ પેરન્ટ્સ પણ છોકરીને પ્રોડક્ટ્સ તરીકે મેળવડામાં લઈ જાય છે એ વલણ ખતરનાક છે. પાર્ટી કે સાજસજ્જાને ચોઈસનો વિષય રાખો, પબ્લિસિટીનો વિષય ન બનાવો. ફ્રીડમ અને પ્રોડક્ટ વચ્ચેનો ફરક સમજો.

कोई टिप्पणी नहीं: