मंगलवार, 16 जून 2009

સુરત ગેંગરેપના ઉઝરડા
સુરત ગેંગરેપમાંથી મનમાં કેટલાક સવાલો ઉદ્દભવે છે, એના જવાબો વિશે વિચારતા મન અકળાઈ ઉઠે છે.

વહેલી સવારે પાંચ વાગ્યાના ટ્યુશન કલાસમાં દિકરીને મોકલતા માવતરને એની સુરક્ષાની ચિંતા કેમ ન થઈ? મોડર્ન જમાનામાં જુનવાણી વિચારો ન શોભે એમ કહીને નિરાંતવા થઈ જતા છોકરીના માવતરને સ્વાભાવિકપણે આવા દિકરી ઉપર બળાત્કારના દુષ્કૃત્યની કલ્પનાય નહી હોય. પણ આવા બેફિકરા અને સમાન હક્કોમાં માનતા માવતરોએ એે કડવું સત્ય પચાવવું જ પડશે કે નર માદાને સમકક્ષ ગણવાની ચેષ્ટામાં અંતે ભોગવવાનું માદાના ફાળે જ આવશે. અને એ ક્યારેક જીંદગીભર ભોગવવું પડે એવું પણ બને.


મોડી રાત સુધી સંતાનો ઘર બહાર ફરે અને માવતર એની ભાળ પણ ન લે? ચડતું લોહી છે એ તો હરે ફરે અને મોજ મસ્તી કરે એવી માનસિકતા બંધાઈ ગઈ છે આજના ઉપલા વર્ગની. આ માનસિકતા દુષ્પરિણામો સર્જે છે. સંતાનના જીવનને દિશા આપવાને બદલે તેમને સ્વતંત્રતાના નામે સ્વચ્છંદ બનાવી દે છે. આ માનસિકતાના પરિપાકરૂપે આસપાસ નજર ફેરવશો તો આવી બગડેલી અૌલાદના ઝુંડો દેખાશે. તેઓ મનમાં ઉઠતા દરેક તરંગનો પીછો કરશે. આવા તરંગો તેમના દિશાહિન જીવનને આમતેમ ફંગોળ્યે રાખે છે.
‘વ્રમ્...વ્રમ...ચાલો. ૧૮૦ની સ્પિડે બાઈક ભગાવીએ... રેસ લગાવીએ,
લેટ્સ ગો, ચુંગીચરસ ગાંજા કે હુક્કો ગગડાવીએ,
સમથિંગ ફોર અ ચેન્જ, એક કન્યા ફરતે ચાર જેવું કઈક કરીએ...’
અને આવી રીતે ચતુષ્કોણે ફંગોળાતા સંતાનોને જોઈને માવતર હરખાય છે કે દિકરો લાઈફને એન્જોય કરી રહ્યો છે.


બળાત્કારનું કૃત્ય દોઢ કલાક ચાલ્યુ એ દરમિયાન બુમાબુમ ન થઈ? કોઈ આડુ ન ઉતર્યુ? વહેલી સવારે કારમાં નિર્ભિકપણે દોઢ કલાક સુધી એક કન્યા ઉપર ગેંગ રેપ કરવો અને પકડાયા વગર નાસી છુટવું સરળ નથી. બને કે કેટલાકે બળાત્કારનું દ્દષ્ય જોયું હોય છતા માથાભારે નબીરાઓની બીકે મો બંધ રાખીને જોયું ન જોયું કરીને ત્યાંથી ચાલતી પકડી હોય. પ્રજાનું તો સમજ્યા પણ સરકારી તંત્રનું શું સમજવું. પોલીસ પેટ્રોલિંગનું શું? દોઢ કલાક સુધી બળાત્કાર ચાલે અને પોલીસ ન ફરકે તો જડબેસલાક સુરક્ષાની વાતો કરતી અને આતંકવાદના મુદ્દે બીજી સરકારોને ભાંડતી આપણી (ગુજરાત) સરકારના સુરક્ષાતંત્રનું શું સમજવું?


આ નબીરાના બળાત્કારની આ અગાઉની ભોગ બનેલી છોકરીઓ પૈકી કોઈએ પોલીસ ફરિયાદ કેમ ન નોંધાવી? સાચી વાત તો એ છે કે સમાજને છેવાડેથી ઉઠતા અવાજનો પડઘો પડે એવું વાતાવરણ જ ક્યાં છે? ગમે તેવી ફરીયાદો રફેદફે થઈ જાય છે, કરી શકાય છે એ વાત નાનો કિકલોય જાણે છે. વળી એ પિડીત કન્યાઓ અવાજ ઉઠાવે એટલે એની સામે જ આંગળી ચિંધામણા થાય અને જીવતર ઝેર થઈ જાય એય શક્યતા ખરી. ન્યાયને કાટલે તો આપણે ફોફા જેવા હળવા, પોલીસપુત્રોના વજનદાર વ્યક્તિત્વો સામે આપણી તરફે પલ્લુ કદી નીચુ નહી આવે એવું સમાધાન કરી લીધુ હશે.


વિશ્વ હિંદુ પરિષદે સુરત બંધનું એલાન આપીને હાજરી પુરાવી તે પાટણકાંડ વખતે વિહિપ કેમ નહોતું દેખાયું? વિશ્વ હિંદુ પરિષદને પોતાનું વજુદ દેખાડવા માટે હિંદુ વર્સિસ મુસલમાનના ઝગડા ટાણે મેદાનમાં આવવું પડે છે, નહિતર વળી કાલે ઉઠીને કોઈ કહેશે કે વિહિપ કઈ બલાનું નામ છે? જે દુષ્કૃત્યમાં મુસ્લિમો સંડોવાયા નહોતા તેવા પાટણ ગેંગરેપ કાંડમાં તેમને હિંદુ સંસ્કૃતિનું હનન થતુ હોય એવું નહોતું લાગતું. વિહિપનું તો એવું છે કે ફુટપાથ ઉપર અતિક્રમણ કરનારાઓની જેમ, માલ ખપે ત્યાં હાટડી ખોલી દેવી.


પ્રજાનો આક્રોશ શેરીઓમાં ન ઠલવાય ત્યાં સુધી પોલીસ કે રાજકારણ હરકતમાં કેમ આવતું નથી? કારણ કે જાગતું તંત્ર નથી. સામુહિક આક્રોશનો અવાજ સાંભળીને ક્યારેક ઉંઘ ઉડી જાય છે અને તંત્ર સફાળુ પ્રાંગણમાં ‘શું થયુ...શું થયું’ કહેતું દોડી જાય છે. રાજકારણ દેખીતા લાભ વગર કશે દોડતું નથી. ખુરશીમાં બેઠુ બેઠુ આમેય એ અદોદળુ થઈ ગયું છે એટલે જરા મંથર ગતિએ ચાલે છે. પોલીસનુંય અદ્દલ બોલિવુડના પોલીસતંત્ર જેવું છે. એય રાજકારણની જેમ અદોદળું છે. પહેલા મેળ પાડવો અને જો મેળ ન પડે તો જ ખેલ પાડવો એવી થિઅરી ઉપર એ ચાલે છે. આમા તો પાછા ખુદની ‘લાઈન’ના છોકરાઓનું પરાક્રમ એટલે એમ તત્કાલ હરકતમાં આવીને પેટ જણ્યાને બીજાની જેમ સબોડી થોડા નંખાય છે કંઈ.

कोई टिप्पणी नहीं: