शुक्रवार, 27 फ़रवरी 2009

પ્રેમ પડદે જોવો ગમે છે, પડખે જોવામાં ક્યા વાંકુ પડે છે?

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ જેવી પ્રેમપ્રધાન ફિલ્મોને અતિશય પ્રતિભાવ આપીને મેગા હિટ બનાવતો સમાજ ‘પ્રેમ’ અને ‘પ્રેમલગ્ન’ સામે ઘૃણા કેમ કરે છે? ‘પ્રેમ’ અને ‘પ્રેમલગ્ન’ સમાજને કોઠે નથી પડતાં તો પ્રેમપ્રધાન ફિલ્મોને માથે શીદ ચડાવે છે?  

ભૂજ તાલુકામાં પ્રેમીઓ રાજેશ અને દીપલને પ્રેમલગ્ન કરવા બદલ લગ્નના અઢી મહિના બાદ તેમનું અપહરણ કરી અત્યાચાર ગુજારાયો. ધાકધમકીથી છૂટાછેડા ઉપર સહી કરાવી લીધી અને નિર્દોષ પતિ ઉપર બળાત્કારનો ગુનો દાખલ કરી પોલીસસ્ટેશનમાં હાજર કર્યો. (સમાચાર તારીખ ઃ ૨૧ જાન્યુઆરી, ૨૦૦૯)
રાજકોટના રૈયાધારમાં પાડોશી યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર દરજી યુવાન અવિનાશ ચૌહાણને સસરાસાળાએ ધોકાવી નાખ્યો. માર ખાતા પુત્રને છોડાવવા ગયેલા પિતાબનેવીને પણ પાઇપ વડે ઝૂડી નાખ્યા. (૨૩ જાન્યુઆરી, ૨૦૦૯)
જૂનાગઢના પિયાવા ગામના સરપંચના ભાઈએ સુરતથી માણસો બોલાવીને વીસાવદરના અગ્રણી કૉન્ટ્રાક્ટર હરિ દેવાણી ઉપર ખૂની હુમલો કરાવ્યો. કારણમાં એટલું જ કે સરપંચની પુત્રી સાથે એક પટેલ યુવકે ભાગીને પ્રેમલગ્ન કરેલાં એમાં હરિ દેવાણીનો હાથ હોવાની શંકા હતી. (૨૪ જાન્યુઆરી, ૨૦૦૯)
ફતેપુરાના વડવાસ ગામે પ્રેમીપંખીડાંએ લગ્ન કરી લેતાં યુવતી પક્ષના ૧૯ જણાંના ટોળાંએ યુવકના ઘરને આગ લગાડીને સશસ્ત્ર હુમલો કર્યો. (૨૭ જાન્યુઆરી, ૨૦૦૯)
આણંદના ખંભોળજ ગામના કેતનનું અન્યત્ર લગ્ન કરવાનું નક્કી થતાં પ્રેમીપંખીડાં કેતનઅંજનાએ ઍસિડ પીને સજોડે જીવનનો અંત આણ્યો અને ‘એક દૂજે કે લિયે’નો કોલ નિભાવ્યો. (૩૦ જાન્યુઆરી, ૨૦૦૯)
અમરાઈવાડી, અમદાવાદમાં પ્રેમલગ્ન કરનાર યુવકની તેના સગા સાળાએ છરીઓના ઘા મારીને હત્યા કરી નાખી. પતિને બચાવવા વચ્ચે પડેલી બહેનને પણ ચપ્પુના ઘા માર્યા. (૪ ફેબ્રુઆરી, ૨૦૦૯)
પાંડેસર, સુરતમાં પરિવારની મરજી વિરુદ્ધ પડોશી યુવક સાથે ભાગી ગયેલી દીકરી ઉપર પિતાએ ઉપરાઉપરી ચાકુના ઘા ઝીંકી દીધા. (૭ ફેબ્રુઆરી, ૨૦૦૯)
પાછલા પંદર દિવસોનાં છાપાંઓ તપાસતાં આ સાત સામગ્રી વાંચવા મળી. એવું કયંુ બૂરંુ તત્ત્વ છે કે સમાજ ૨૦૨૨ વર્ષ સુધી હથેળીમાં ઉછેરેલી છોકરીને વધેરી નાખતાં પણ ખચકાતો નથી. આખર તો એ માવતર છે. સંતાનને તરછોડ્યા પછી કે તેને ઝાટકે દીધા પછી કઈ સુખની નીંદર માણતો હશે? બે અઢી દાયકા સુધી ગાળેલો સંતાન સાથેનો સમય પુનઃ યાદ નહીં આવતો હોય? જીવથી વહાલી દીકરી પ્રેમલગ્ન કર્યા પછી જીવની દુશ્મન કેમ બની જાય છે? નજર સામેથી વિરોધી સવાલોની વણજાર પણ પસાર થઈ જાય છે, જે માવતરે સંતાનો અંગેનાં સપનાંઓને વણીને સંસાર ગૂંથ્યો હોય ત્યારે તેને ઝાટકો આપીને નોખાં પડી જવું શોભે? પિયર તરફથી સંબંધવિચ્છેદ થઈ જાય ત્યારે માવતરમાં પા પા પગલીથી શરૂ કરીને યુવાનીનો ઉંબર ઓળંગવા સુધીની સફર એમ ભુલાતી હશે? એના કરતાં માવતરની મરજીને માન આપવું વધુ ઉચિત નથી? સમાજ સામે લડીનેય પ્રેમલગ્ન કરી લીધા પછી કન્યા માટે જીવનની કેડી કેમ જાતે કંડારવી પડે છે? એમાંય પ્રેમીમાંથી પતિ તરીકે તબદીલ કરેલું પાત્ર બોદંુ કે બેવફા નીકળે ત્યારે કન્યાએ જાવું ક્યાં?

પ્રેમ અને પ્રેમલગ્ન મુદ્દે સમાજનું વિરોધી વલણ સાચંુ કે કન્યાનું બળવાખોરીનું? આવો પ્રેમલગ્ન કરેલા અને માવતરનો વિરોધ સહેલાં પાત્રોને મળીને પૂંછીએ, તેના માવતરનો પક્ષ મૂકીએ અને જાણીએ કે અસલિયત શીં છે? અમદાવાદની દક્ષાને તેની પાડોશમાં રહેતા બ્રાહ્મણ યુવક સાથે પ્રેમ થઈ ગયો અને તેણે મનના માણિગર સાથે પ્રેમલગ્ન કરી લીધાં. જોતજોતામાં ૧૨ વર્ષ વીતી ગયાં. વીતેલા દાયકાની ટૂંકમાં વાત કરીએ તો દક્ષાનાં સાસુસસરાએ દક્ષાને વહુ તરીકે સ્વીકારવી નહોતી, પણ પુત્રની જીદને વશ થઈને સ્વીકારી. દક્ષાની સાસુએ દક્ષા ઉપર પસ્તાળ પાડવામાં કંઈ બાકી રાખ્યંુ નથી અને પતિ પ્રત્યેના અફાટ પ્રેમે દક્ષાએ બધું હસતા મોંએ સહન કરી લીધી અને હજુ સહન કરી રહી છે. પરણીને આવી એટલે દક્ષા માટે પહેલું ફરમાન છૂટ્યું, ‘તું તારા પિયરિયાંને ક્યારેય મળી શકીશ નહી. તું તેમને ફોન પણ નહીં કરે અને ત્યાંથી ફોન પણ નહી આવે.’ દક્ષાએ આજ્ઞા માથે ચડાવી. પિયરની યાદ આવે ત્યારે કોઈને ખબર પણ ન પડે એ રીતે છાને ખૂણે રડી લે. હૈયાની વરાળ ખાલી થઈ જાય ત્યાં સુધી. લોકનજરે હસતી ને હસતી. કજિયોકંકાસ એને જરીકેય ન ગમે. દક્ષાનાં બે સંતાનો ૧૦ વર્ષનો દીકરો અને પાંચ વર્ષની દીકરી ગયા વર્ષે નાનાનાની (મમ્મીનાં મમ્મીપપ્પા)ને માત્ર એક જ વખત મળ્યાં છે. એ પણ છાનાખૂણે. વાત એમ છે કે ગયે વરસે માબાપનું મોં જોવા ઝંખતું દક્ષાનું હૈયું હાથ ન રહ્યું. આખરે તેના પતિએ દક્ષા અને બાળકોને તૈયાર કર્યાં અને ‘મિત્રના લગ્નમાં બહારગામ બે દિવસ વહેલું જવું પડે એમ છે’ એમ કહીને દક્ષાને માવતરનો મેળાપ કરાવ્યો. નાનંુ બાળક એમ કંઈ બોલ્યા વગર રહે! સમાજની રીતિનીતિથી અજાણ ચુલબુલી પાંચ વર્ષની દીકરીએ ચાડી ખાધી કે, ‘અમે મામાને ઘેર ગયાં હતાં’ અને દક્ષાએ જાણે મોટો અપરાધ કર્યો હોય એમ તેના સાસુ તૂટી પડ્યા, ‘નીકળો ઘર બહાર, જાઓ ક્યાંક ભાડે રહો.’નું ફરમાન છૂટ્યું. મામલો માંડ થાળે પડ્યો. દક્ષા અને તેના પતિ વચ્ચે સ્નેહનો ઝરો વહે છે અને દક્ષા માટે એ એક જ આ સંસારમાં ટાઢક વળે એવું સ્થાન છે. દક્ષા કહે છે, ‘આમાં કોનો વાંકગુનો છે એના વિશે મારે વાત નથી કરવી. મેં પ્રેમલગ્ન કર્યાં છે. પ્રેમ કર્યો છે. તેના બદલામાં સમાજ તરફથી જે મને મળે તે મારે સ્વીકારવાનું છે. અને એ બધું મારા પ્રેમ સામે નગણ્ય છે.’ દક્ષા જેવી વહુ નસીબદારને જ મળે એ વાત દક્ષાનાં સાસુ અંદરખાને મહેસૂસ કરતાં હશે પણ પ્રેમલગ્નનું કૃત્ય આચર્યું હોવાના કારણે (કે પછી ખાસ તો પરનાતની હોવાના કારણે?) આપી શકાય એટલું કષ્ટ આપવા તૈયાર થયાં છે. યુવા મહિલાનું શોષણ બુઝુર્ગ મહિલા કરી રહી છે.

રાણીપ, અમદાવાદમાં રહેતી ચૈતાલી પ્રેમલગ્નનો ગુનો કર્યા પછી પોતાનાથી મોઢું ફેરવી લીધેેલાં માવતર આજ નહીં તો કાલ તેની દીકરીને આવકારશે એવી આશા રાખીને બેઠી છે. ૧૦ વર્ષ થયાં, ચૈતાલીની આશા હજુ ફળીભૂત થઈ નથી. ચૈતાલી પટેલને સોસાયટીમાં રહેતા રાજસ્થાની યુવક પ્રવીણસિંહ રાઠોડ સાથે પ્રેમ થયો અને બંનેએ તારીખ ૨૧૯૧૯૯૯ના રોજ શહેરના ઘીકાંટા વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિરમાં લગ્ન કરી લીધાં હતાં. પરિવાર તેમના લગ્નને નહીં સ્વીકારે એ બીકે બંને નાસી ગયાં. ત્યારે ચૈતાલીના પરિવારે બંનેને વિધિસર લગ્ન કરાવી આપવામાં આવશે એવી આશા બંધાવી અને લલચાવી, ફોસલાવીને પાછાં બોલાવી લીધાં. દીકરી પાછી આવી ગઈ એટલે પ્રવીણને છૂટાછેડા આપવા તમામ પ્રકારની ધાકધમકીનો પ્રયોગ થયો. પ્રવીણે કોર્ટ સ્ટે મેળવી લીધો અને લાગ મળતાં ફરી વાર ‘હવે હાથમાં આવવું નથી’ એવા દ્રઢ ઈરાદા સાથે બંને ભાગી ગયાં. ધીરેધીરે બધું થાળે પડી ગયું. ૧૦ વર્ષના લગ્નજીવનના પરિપાકરૂપ પ્રવીણચૈતાલીને ૭ વર્ષનો દીકરો યશરાજ મળ્યો છે. પ્રવીણે પહેર્યે કપડે લગ્ન કર્યાં હતાં પણ આજે તેમના ઘેર સુખસાહેબીમાં કશી મણા નથી. પ્રવીણ કહે છે, ‘મારા જીવનમાં દીકરા અને પત્નીથી વિશેષ કંઈ નથી. ચૈતાલી આજે પણ ઘણી વાર તેનાં માબાપને યાદ કરતાં રડી પડે છે. હું એને શું આશ્વાસન આપું? બહુ બહુ તો એટલું કહું કે સમય આવ્યે સૌ સારાવાનાં થશે. ઘણી વાર આડકતરી રીતે મેં મારા સાસરીપક્ષને અમને અપનાવી લેવાનું કહેણ મોકલ્યું પણ સામેથી કોઈ પ્રતિભાવ આવતો નથી. મને લાગે છે કે મારા સસરાનો પરિવાર કઈક અંશે તૈયાર થાય તો બીજા આગેવાનો સમાધાનની વાતનો વિરોધ નોંધાવે છે.’ દીકરાના જન્મ વખતે પિયરિયાં તેમને અપનાવી લેશે એવી રાઠોડ પરિવારની આશા ઠગારી નીવડી. કોઈ યશરાજને રમાડવા ન આવ્યું. યશરાજ મામા, નાના, નાની જેવા શબ્દોના અર્થથી પૂરો પરિચિત થયો નથી અને ચૈતાલીની માબાપને મળવાની ઝંખના બર આવી નથી. પ્રવીણના મતે દીકરીના પ્રેમલગ્નમાં માબાપના વિરોધમાં તેમનાં નામ, પ્રતિષ્ઠા ઉપર ધબ્બો લાગવાની બીક જવાબદાર હોય છે. આમાં વડીલોનો અહં ઘવાય છે કે અમારા જેવા વયસ્કોની હયાતીમાં અમને અંધારાંમાં રાખીને જુવાનિયાઓ જીવનનો સૌથી મોટો નિર્ણય લઈ લે તે ન ચલાવી લેવાય. 

પ્રવીણસિંહ સમાજ સામે એક આકરો સવાલ મૂકે છે, ‘વડીલો ઘરવર જોઈને, જન્માક્ષર જોવડાવીને લગ્નનું ગોઠવેે છે. તેમ છતાંય છૂટાછેડા લેનારાઓની સંખ્યા કંઈ ઓછી નથી. છૂટાછેડા વખતે સમાજ પોતાનો વાંક નથી જોતો અને કન્યાને ફરી પરણાવવાની તૈયારી કરવા માંડે છે. કન્યા પ્રેમલગ્ન કરે ત્યારે લગ્ન ટકાવવાની બધી જવાબદારી કન્યાના માથે ઢોળી દેવામાં આવે છે. તેમાં સમાજ કોઈ જવાબદારી સ્વીકારતો નથી. કેમ?’ આ તો પ્રેમલગ્નનું એક પરિમાણ જોયું. બહુ આયામી એવી પ્રેમલગ્નની બીજી ઘટનાઓ જોઈએ. આહીર પરિવાર સાથે જોડાયેલી એક ઘટના જીવ વલોવી નાખે તેવી છે. મુંબઈમાં મકાન બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા અને નામ, દામ, શોહરત કમાયેલા આહીર આગેવાનની દીકરી એક મુસ્લિમ યુવકના પ્રેમમાં પડી. બંનેના પ્રેમની વાત એટલી આગળ વધી ગઈ હતી કે તેઓ મુંબઈને અને વ્યવસાયને અલવિદા કરીને રાતોરાત પરિવારને લઈને વતન આવી ગયા. પણ... પ્રેમમાં ગળાડૂબ કન્યાએ કંઈક નક્કર વિચારી રાખેલું. તે ગામડે યુવકને બોલાવીને તેની સાથે મુંબઈ નાસી ગઈ. કોર્ટમૅરેજ કરી લીધા. બાપ ખતા ખાઈ ગયો. દીકરીના ભાગી જવા પાછળ પત્નીની બેદરકારીને જવાબદાર ગણી તેમણે પત્ની સાથે અબોલા લીધા. વ્યવસાયને તિલાંજલિ આપી. કોઈની સાથે બોલવાનું બંધ કર્યું. સમાજમાં હળવાભળવાનું બંધ કરી દીધું. ખેતીકામમાં જાતને પરોવી. માટીમાં માટી બનીને ભળી જવાનો પ્રયાસ આદર્યો.


દરમિયાન મુંબઈની ઝૂંપડપટ્ટીમાં પ્રેમી સાથે આવીને વસેલી કન્યાને થોડા સમય પછી જીવનની વાસ્તવિકતાઓ સમજાઈ. દારૂડિયા પતિના ત્રાસથી ત્રસ્ત થઈને આખર ચારેકોર અસહાયતા દેખાતાં તેણે ગામડે પરિવારને ફોન જોડ્યો અને વિનંતી કરી કે, ‘મને પાછી બોલાવો, અહીં મારો દમ ઘૂંટાય છે.’ પણ પિતાએ વિનંતી ન સ્વીકારી. દર દરની ઠોકર ખાતી એ કન્યા આજે ક્યાં ભટકતી હશે? રામ જાણે! હાય રે, એને વિચિત્રતા ગણવી કે કન્યા અને પરિવાર બંનેના જીવન ધૂળધાણી થવામાં પ્રેમ અને પ્રેમલગ્ન નિમિત્ત બન્યાં. કન્યાનો અપરિપક્વ નિર્ણય હોનારત સર્જનારો સાબિત થયો. આમાં પ્રેમલગ્ન કરનાર કન્યાને ખરી ગણવી, તેના પિતાની જીદને ખરી ગણવી કે સમાજના મૌનને ખરંુ ગણવું? જવાબ શોધવાનું કામ ઘણું કપરંુ છે.

कोई टिप्पणी नहीं: